|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સામાન્ય ઝઘડાની અદાવતમાં ભાઈ-ભત્રીજા અને ભાભીઓએ ભેગાં મળી, પડોશમાં રહેતી મહિલાને જીવતી સળગાવી હત્યા કરવાના ગુનામાં ૬ વર્ષથી ફરાર બે મહિલા આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી છે. હત્યાનો બનાવ ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ગાંધીધામની કાર્ગો ઝુંપડપટ્ટી ખાતે બન્યો હતો. અહીં રહેતાં સંજય ચોકીન નટ અને તેની ૩૦ વર્ષિય પત્ની તેજલ પર ભાઈ-ભાભી, ભત્રીજાઓએ હુમલો કર્યો હતો. ઘર બહાર પાણી ઢોળવા બાબતે મરનાર તેજલનો અગાઉ આરોપીઓ જોડે ઝઘડો થયેલો. તેની અદાવત રાખીને પેપાબેન પ્રકાશ નટ, અફસાના હિતેશ નટ સહિત ૬ જણે તેજલ પર કેરોસીન છાંટીને ઘર બહાર જીવતી સળગાવી દીધી હતી.
ફરિયાદી સંજયના ભાઈ વિનોદ ચોકીન નટ અને તેના પુત્ર હિતેશે સંજયને પકડી રાખ્યો હતો. તો, હિતેશની પત્ની અફસાના અને પિતરાઈ ભાભી પેપાબેન પ્રકાશ નટે તેજલને પકડી રાખેલી. પ્રકાશ મેમર ઊર્ફે મહેન્દ્ર નટે ડબલામાં રહેલું કેરોસીન તેજલ પર છાંટ્યું હતું અને કિશન નટે તેજલના શરીરે દિવાસળી ચાંપી દીધી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલી તેજલનું સારવાર દરમિયાન ૧૨ જાન્યુઆરીએ નિધન થયું હતું. આ ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિનોદ, હિતેશ, કિશન અને પ્રકાશની ધરપકડ કરી હતી. જ્યારે અફસાના અને પેપાબેન ફરાર થઈ ગયાં હતા.
કહેવાય છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે. અફસાના અને પેપાબેનના પતિ ઝડપાઈ ગયેલાં પરંતુ બેઉ જણી સતત પોલીસથી નાસતી રહેલી, પોલીસે પણ બેઉની શોધ સતત જારી રાખેલી.
આખરે બેઉ જણી વતન રાજસ્થાનના સાંચોર ખાતે આવી હોવાની માહિતી મળતાં ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજિયાના માર્ગદર્શનમાં પીએસઆઈ એલ.એન. વાઢિયા સાથે એક ટીમે ત્યાં દોડી જઈ બંનેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ૩૦-૧૨-૨૦૨૨ના રોજ ગાંધીધામ સેશન્સ કૉર્ટે અગાઉ પકડાયેલાં તેમના પતિઓ સહિત ચારે આરોપીને દોષી ઠેરવી આજીવન કારાવાસ ફટકાર્યો હતો.
Share it on
|