click here to go to advertiser's link
Visitors :  
08-Oct-2026, Thursday
Home -> Bhuj -> Police Bust Fraudulent Gold Gang in Bhuj, Seize Rs 1.62 Crore in Assets
Thursday, 08-Oct-2026 - Bhuj 1589 views
સસ્તાં સોનાના નામે કોઈ નિર્દોષ ફસાય તે પહેલાં LCBએ ભુજની ઠગ ટોળકી ઝડપી પાડી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે ઠગાઈ કરતી ભુજની વિવિધ ગેંગ દેશભરના લોકોને નકલી સોનાના બિસ્કીટ્સ પધરાવી ઠગાઈ કરે છે. પરંતુ, આ વખતે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આવી જ એક ટોળકી કોઈની ઠગાઈ કરે તે પહેલાં તેને દબોચી લીધી છે. એટલું જ નહીં, આ ગેંગે સેમ્પલરૂપે ગ્રાહકોને બતાડવા રાખેલાં ૧ કિલોગ્રામ અસલી સોનાના દોઢ કરોડના ૧૦ બિસ્કીટ્સ પણ જપ્ત કર્યાં છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજના મહિલા આશ્રમ પાછળ આવેલા ગીતા કોટેજીસના રહેણાક મકાનમાં દરોડો પાડીને બે સગાં ભાઈ સહિત પાંચ જણની ૧.૫૦ કરોડના અસલી સોનાના ૧૦ બિસ્કીટ્સ, ૧૫ નકલી બિસ્કીટ્સ, ક્રેટા કાર, ત્રણ દ્વિચક્રી વાહનો સાથે અટક કરી છે.

ગાંધીનગરથી પોલીસ મહાનિરીક્ષક, ઈન્ટેલિજન્સ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને લેખીત પત્ર દ્વારા સસ્તાં સોનાના નામે લોકોની ઠગાઈના ઈરાદે ઈન્સ્ટાગ્રામ પર એક નકલી આઈડી કાર્યરત હોવાની જાણ કરાઈ હતી.

જેના પગલે LCBએ ટેકનિકલ અને હ્યુમન એનાલિસીસ કરતાં જાણવા મળેલું કે ભુજની ગાંધીનગરીમાં રહેતા બશીર હાસમ કાતિયારે આ નકલી આઈડી બનાવી હોવાનું અને અન્ય ચાર સાગરીતો સાથે મળી લોકોની ઠગાઈ કરવાનો પેંતરો રચ્યો છે. પાંચે જણ ગીતા કોટેજીસમાં સુલતાન સુલેમાન કુંભારના રહેણાક મકાને હાજર હોવાની બાતમી મળતાં રાત્રે ૧૦.૩૦ કલાકે LCBની ટીમે દરોડો પાડ્યો હતો.

પાંચે જણ સોફા પર બેઠાં હતા અને ત્યાં બે લેડીઝ પર્સ તથા સોનાના બિસ્કીટ્સ છૂપાવવાનો એક કમરપટ્ટો પડ્યો હતો.

એક પર્સમાંથી પોલીસને ૧૦૦ ગ્રામ સોનાનું ૧ બિસ્કીટ એવા ૧૦ બિસ્કીટ મળી આવ્યાં હતા. અન્ય પર્સમાંથી નકલી સોનાના ૧૫ બિસ્કીટ મળી આવ્યાં હતા. જે કમરપટ્ટો રાખ્યો હતો તેમાં આ ટોળકીએ ઠગાઈના ઈરાદે બિસ્કીટ જેવા લોખંડના ટુકડાં રાખ્યાં હતા.

ઝડપાયેલાં શખ્સોમાં નકલી આઈડી બનાવનાર બશીર કાતિયાર ઉપરાંત સુલતાન સુલેમાન કુંભાર અને તેના સાજિદ, અસગર સુલેમાન કાતીયાર (રહે. ગીતા કોટેજીસ), ફહીમ અલીમામદ સોઢા (રહે. જીલાનીનગર, ભુજ)નો સમાવેશ થાય છે.

LCBએ દોઢ કરોડના અસલી ગોલ્ડ બિસ્કીટ્સ સાથે બહાર પાર્ક થયેલી સુલતાનની ૧૦ લાખની ક્રેટા કાર, અન્ય આરોપીઓના દોઢ લાખના ૩ દ્વિચક્રી વાહનો, ૯૦ હજારની કિંમતના ૯ મોબાઈલ ફોન, સુલતાનની અંગઝડતીમાંથી મળેલાં ૪૩૦૦ રોકડાં રૂપિયા મળી કુલ ૧ કરોડ ૬૨ લાખ ૪૪ હજાર ૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડામાં LCB પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ અને એમ.એચ. શિણોલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

પાંચે સામે ઠગાઈના પ્રયાસની કલમો તળે ફરિયાદ

પાંચે આરોપી સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪), ૩૧૯ (૨) અને ૬૨ હેઠળ સરકાર તરફે ફરિયાદ નોંધાવાઈ છે. જો કે, ઠગાઈના પેંતરા અને પ્રયાસ કે ઠગાઈના ગુનાઓમાં મહત્તમ ૭ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ હોઈ સુપ્રીમ કૉર્ટે અર્નેશકુમાર વર્સિસ સ્ટેટ ઑફ બિહારના ચુકાદા સાથે આપેલી માર્ગદર્શિકા મુજબ આરોપીઓ ગણતરીના કલાકોમાં મોટાભાગે પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મેળવી મુક્ત થઈ જતાં હોય છે. એટલું જ નહીં, ઠોસ પુરાવા ના હોય તો કૉર્ટ મારફતે મુદ્દામાલ પણ છોડાવી દેતાં હોય છે.

Share it on
   

Recent News  
કચ્છનું વહીવટી તંત્ર ભાજપની ચાપલૂસીમાં મશગુલ, અધિકારીઓએ કેવળ ખેસ જ પહેર્યો નથી!
 
મા પર હુમલો કરનાર શખ્સ પર ૨૫ વર્ષ બાદ પુત્રે બોલેરો ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો
 
ગાંધીધામ મુંદરા હાઈવે પર ચાલતાં વાહને રસ્તા પર મોરમ ઠાલવી ખનિજચોરો ફરાર