કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ખાનગી વીમા કંપનીના પ્રતિનિધિઓએ ૫૦ લાખની લોન મંજૂર કરાવવાના બહાને વિવિધ ખાનગી કંપનીઓની પોલીસીઓ લેવડાવીને આદિપુરના નિવૃત્ત રેલ કર્મચારીને ૭.૪૦ લાખના ખાડામાં ઉતારી દઈને વિશ્વાસઘાત કર્યો છે. આદિપુર પોલીસે રોહન શુક્લા અને મનીષ અગ્રવાલ નામના બે કર્મચારી સામે બીએનએસ ૩૧૬ (૨) (વિશ્વાસઘાત), ૩૧૮ (૪) (ઠગાઈ), આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. લોન મળશે પરંતુ પહેલાં પોલીસી લેવી પડશે
આદિપુર અંતરજાળના વિનાયકનગરમાં રહેતા ૬૧ વર્ષિય ગુણવંતભાઈ પરમાર રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી કરી એક વર્ષ અગાઉ નિવૃત્ત થયેલાં છે. જૂન ૨૦૨૩માં તેમને આદિત્ય બિરલા સનલાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ રોહન શુક્લાનો ફોન આવેલો.
રોહને તેમને જણાવેલું કે ‘જો તમારે લોન લેવાની ઈચ્છા હોય તો અમારી કંપની તમને વીમા પોલીસીને મોર્ગેજ કરી લોન આપશે. તે માટે તમારે પહેલાં અમારી પોલીસી લેવી પડશે’
ફરિયાદીને લોનની જરૂર હોઈ રોહનના કહેવા મુજબ તેમણે આદિત્ય બિરલા કંપનીની પોલીસી લીધેલી અને તે પેટે ૨.૫૧ લાખ રૂપિયા પ્રિમિયમ ભરેલું.
આ રીતે વધુ પાંચ કંપનીની પોલીસી લેવ઼ડાવી
પોલીસી લીધા બાદ રોહને કથિતપણે લોન પ્રોસેસ શરૂ કરેલી. ત્યારબાદ ફરિયાદીને જણાવેલું કે ‘તમારી પોલીસી ૩૦ લાખની છે અને લોનની મંજૂર થયેલી રકમ ૫૦ લાખ છે. તેથી મામલો ટેક્સ ડિપાર્ટમેન્ટમાં અટવાયો છે. લોન મંજૂર કરાવવી હોય તો તમારે બીજી પોલીસીઓ પણ લેવી પડશે. આ પોલીસીઓ ડમી હશે અને લોન મંજૂર થયા બાદ પોલીસીઓના પ્રિમિયમનું રીફંડ મળી જશે’
આ કંપનીઓની પોલીસીઓ લેવડાવી
રોહનના કહેવા મુજબ ફરિયાદીએ તેમના અને તેમના પુત્ર સુરેશના નામે કોટક લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ, શ્રીરામ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની વિવિધ પોલીસી મેળવેલી અને તેના પ્રિમિયમ પેટે કુલ ૩.૯૦ લાખ રૂપિયા ભર્યાં હતા.
લોન મંજૂર કરાવવાના નામે સીનિઅરે છઠ્ઠી પોલીસી લેવડાવી
પાંચ પાંચ પોલીસીઓ લીધી હોવા છતાં રોહન લોન મંજૂર કરવાના નામે ગોળ ગોળ વાતો કરતો હતો અને પછી રોહને તેના સીનિઅર મનીષ અગ્રવાલ જોડે સંપર્ક કરાવીને વાત કરાવી હતી. મનીષે ફરિયાદીને જણાવેલું કે એક નાની પેન્ડેન્સી આવે છે તેથી લોન મંજૂર થતી નથી. હજુ એક નાની પોલીસી લઈ લો તો હું લોન મંજૂર કરી દઈશ તેવું કહીને ફરિયાદીને જાન્યુઆરી ૨૦૨૪માં એડલવીસ ટૉકિયો લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની વધુ એક પોલીસી લેવડાવીને ૯૯ હજાર રૂપિયાનું પ્રિમિયમ ભરાવડાવ્યું હતું.
ના રીફંડ મળ્યું ને ના લોન મંજૂર થઈ
બેઉના ભરોસે ૬ પોલીસી પેટે ૭.૪૦ લાખ રૂપિયા પ્રિમિયમ ભર્યું છતાં લોન મંજૂર થઈ નથી. ફરિયાદીએ કંટાળીને રીફંડ માગ્યું તો ૪૫ દિવસમાં રીફંડ મળી જવાનું વચન આપી લેખીત અરજી કરાવડાવી પરંતુ રીફંડ પણ મળ્યું નથી. રોહન હવે નોકરી છોડી ચૂક્યો હોવાનું બહાનું કરે છે અને તેનો સીનિઅર મનીષ અગ્રવાલ ફરિયાદીને ‘હજુ એક નાની પેન્ડેન્સી છે, વધુ એક નાની પોલીસી લઈ લો’ કહીને સાતમી પોલીસી લેવા આગ્રહ કર્યા કરે છે.
Share it on
|