કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરમાં ઘરફોડ ચોરીનો નવતર પ્રકારનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઘરના દરવાજા, કબાટના તાળાંની ચાવી બનાવવાના બહાને શેરીમાં ફરતાં સરદારજી જેવા બે જણાં ૪.૩૫ લાખના પાંચ તોલા સોનાના ઘરેણાં ચોરી ગયાં છે. આદિપુરના ડીસી ફાઈવ વિસ્તારમાં ગત ૧૫મી સપ્ટેમ્બરની બપોરે ત્રણથી ચારના અરસામાં થયેલી ચોરી અંગે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ૫૭ વર્ષિય જસિન્તા W/o રાજન નાયર તેમના પુત્ર સાથે રહે છે. બનાવના દિવસે પુત્ર નોકરી પર ગયો હતો. બપોરના સમયે સરદારજી જેવા લાગતાં બે શખ્સો ચાવી બનાવવાની બૂમો પાડતાં પાડતાં તેમની શેરીમાંથી પસાર થયાં હતા. ઘરના દરવાજા અને બેડરૂમના કબાટની નવી ચાવીઓ બનાવવાની હોઈ ફરિયાદીએ બેઉ જણને ચાવી બનાવી આપવા જણાવીને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.
બેઉ જણે ચાવી બનાવવાના બહાને બેડરૂમના કબાટને ખોલી અંદર રાખેલી સોનાની બે ચેઈન, બ્રેસલેટ, પાટલા, વીંટી વગેરે મળી ૪.૩૫ લાખના દાગીના ચોરી લીધા હતા. બનાવ સમયે ફરિયાદી ઘરના મેઈન હૉલમાં બેઠેલાં અને વારેવારે બેડરૂમમાં આવીને તેમની કામગીરી પર નજર ફેરવી જતા હતા.
બેઉ શખ્સે ચાવી બનાવીને મજૂરી પેટે પચાસ રૂપિયા લીધા હતા અને ઓઈલીંગ કરેલું હોઈ થોડાંક સમય સુધી કબાટનો દરવાજો ના ખોલવા માટે સૂચના આપીને જતા રહ્યા હતા. સાંજે નોકરી પરથી ફરિયાદીનો પુત્ર આવ્યો ત્યારે તેણે ચેક કરવા માટે ચાવી નાખીને કબાટ ખોલવા પ્રયાસ કરેલો પરંતુ કબાટનો દરવાજો ખૂલ્યો નહોતો. ત્રીજા દિવસે ફરિયાદીના પુત્ર અને તેના મિત્રે પક્કડ વડે લૉકમાં ચાવી ફેરવીને કબાટ ખોલ્યાં બાદ અંદર રહેલા ઘરેણાંની ચોરી વિશે જાણ થઈ હતી. આદિપુર પોલીસે ત્રીસથી પાંત્રીસ વર્ષની વયના બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|