|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગ્રાહકો પોતાની જ કંપનીના પંપ પરથી પેટ્રોલ ડીઝલ ભરાવે તે હેતુથી સરકારી અને ખાનગી ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા અવારનવાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. આવી જ એક યોજનામાં ઓનલાઈન પેમેન્ટ ગેટ વે સિસ્ટમની ખામીથી સરકારી કંપની BPCLને ૧૦૯૩ ગ્રાહકોના કાર્ડ બ્લોક કરવા પડ્યાં છે. જે પૈકી ગાંધીધામના બે ગ્રાહકોએ નાણાં પરત ના કરીને ૨૦ લાખનો ધુંબો મારતાં મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. ૨૦૦૧માં ‘ફ્લીટ ડીઝલ કાર્ડ’ યોજના લોન્ચ થયેલી
સરકારી અંકુશ ધરાવતી જાહેર ક્ષેત્રની કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ મોટાં ટ્રાન્સપોર્ટરો તેમના વાહનોનું ડીઝલ પોતાના પંપો પરથી ભરાવે તે માટે ૨૦૦૧માં ‘ફ્લીટ ડીઝલ કાર્ડ’ યોજના લોન્ચ કરેલી.
કાર્ડધારક દેશમાં કોઈપણ શહેરમાં BPCLના પંપ પરથી ડીઝલ ભરાવે તો ૧૦૦ રૂપિયે ૪૦ પૈસા ડિસ્કાઉન્ટની ઑફર કરાયેલી.
કંપનીના નંબર પર ટ્રાન્સપોર્ટરે તેની પેઢીનું જીએસટી પ્રમાણપત્ર, પાનકાર્ડ, નામ- સરનામું, સહી, મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવી, કંપનીની મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેતી. ત્યારબાદ કંપનીના એકાઉન્ટમાં એડવાન્સમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરીને કાર્ડ રીચાર્જ પેટે નાણાં જમા કરાવાના રહેતાં. વિવિધ પંપો પર કંપનીએ નિયુક્ત કરેલા કર્મચારીઓ મારફતે કાર્ડ ઈસ્યૂ કરાતાં.
માર્ચ ૨૦૨૩માં પેમેન્ટ ગેટ વે સિસ્ટમની ખામી ધ્યાને આવી
માર્ચ ૨૦૨૩માં કંપનીના ધ્યાને આવેલું કે કંપનીના પેમેન્ટ ગેટવે સિસ્ટમમાં ખામીના લીધે અનેક કાર્ડધારકોએ કાર્ડ રીચાર્જ કરાવ્યાં છે પરંતુ રીચાર્જ પેટે તેમના બેન્ક ખાતાના નાણાં કંપનીમાં ખાતામાં જમા થયાં જ નથી. કંપનીએ તપાસ કરતા દેશભરમાં આવા ૧૦૯૩ કાર્ડધારકોના એકાઉન્ટના શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવેલા અને તમામ કાર્ડને બ્લોક કરી દેવાયેલાં.
ગાંધીધામના બે કાર્ડધારકે મફતમાં ૨૦ લાખનું ડીઝલ ભરાવી લીધું
૧૦૯૩ કાર્ડધારકોમાં બે કાર્ડધારક હતા અતુલ ધીરજલાલ મોરી (મેરીગોલ્ડ લોજિસ્ટીક્સ, ગાંધીધામ) અને રમેશ અવાડીયા (શ્રીનાથ લોજિસ્ટીક્સ, પડાણા). અતુલ મોરીએ ૨૮-૦૫-૨૦૧૮ના રોજ ૨૪.૫૦ લાખ રૂપિયાનું રીચાર્જ કરાવેલું પરંતુ આ નાણાં તેના ખાતામાંથી ડેબિટ થયાં નહોતા.
પાંચ વર્ષ દરમિયાન અતુલ મોરીએ ટુકડે ટુકડે ૧૭.૮૭ લાખનું ડીઝલ મફતમાં લીધું હતું. ૨૦૨૩માં પેમેન્ટ ગેટવે સિસ્ટમની ખામી ધ્યાને આવતાં કંપનીએ અતુલનું કાર્ડ બ્લોક કરીને બાકી રહેલાં ૬.૫૨ લાખ રૂપિયા સિસ્ટમથી પરત મેળવી લીધાં હતા.
એ જ રીતે, પડાણામાં ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા અંતરજાળના રહેવાસી રમેશ અવાડીયાએ ૨૪-૦૩-૨૦૨૩ના ૯.૯૯ લાખનું રીચાર્જ કરાવેલું પરંતુ આ નાણાં તેના ખાતામાંથી ડેબિટ થયાં નહોતા. થોડાંક દિવસોમાં જ ખામી ધ્યાને આવતાં કંપનીએ સિસ્ટમ મારફતે ૭.૯૫ લાખ પરત મેળવેલાં પરંતુ રમેશે ૨.૦૪ લાખનું ડીઝલ ભરાવી લીધું હતું.
કંપની ત્રણ વર્ષથી નાણાં પરત માગે છે પરંતુ આપતાં નથી
BPCL દ્વારા રજિસ્ટર્ડ પોસ્ટ અને મોબાઈલથી અતુલ મોરી અને રમેશ અવાડીયાનો સંપર્ક કરીને બાકીનાં નાણાં કંપનીને પરત કરવા ત્રણ વર્ષથી વારંવાર જાણ કરાઈ છે પરંતુ બેઉ જણ રૂપિયા પરત કરતાં નથી. જેથી, આજે કંપનીના રાજકોટસ્થિત ટેરેટરી મેનેજર અર્પતિ બંસલે અતુલ મોરી વિરુધ્ધ ૧૭.૯૭ લાખ રૂપિયા અને રમેશ અવાડીયા વિરુધ્ધ ૨.૦૪ લાખ રૂપિયા કંપનીને પરત ના કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|