કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલામાં સર્જાયેલા અકસ્માતના એક વિચિત્ર સંજોગમાં ટ્રક ડ્રાઈવરનું અકસ્માતના ડરથી હૃદય બંધ પડી જતા મોત થયું છે. ગુરુવારે સાંજે સાડા છના અરસામાં કંડલા પોર્ટના ગેટ નંબર ત્રણ પાસે બનાવ બન્યો હતો. મૃતક રાજુ મીરાસી (ઉ.વ. ૫૨, રહે. મૂળ ચિત્તોડગઢ, રાજસ્થાન) કંડલા પોર્ટમાંથી ટ્રકમાં કોલસો ભરીને કાંટો કરાવવા માટે પોર્ટના ગેટ નંબર ત્રણ પાસે આવ્યો હતો. આ સમયે આગળ ઊભેલી ટ્રક પાછળ રાજુની ટ્રક ટકરાઈ ગઈ હતી. અકસ્માત ગંભીર નહોતો પરંતુ રાજુનું હૃદય બંધ થઈ ગયું હતું.
રાજુને હોસ્પિટલે ખસેડાયો હતો. શરીરે કોઈ ઈજા નહોતી પરંતુ પીએમ બાદ તબીબે હૃદય બંધ થઈ જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
આ ઘટનાએ સૌને વિચારતાં કરી દીધા છે. અમુક લોકો એવો પણ તર્ક કરી રહ્યા છે કે કદાચ ચાલતી ટ્રકે રાજુને હાર્ટ એટેક આવી ગયો હશે અને આ બનાવ બન્યો હશે.
ટ્રેક્ટરની ટક્કરે પિતાનું મોત, પુત્ર સહિત બે ઘાયલ
ગાંધીધામના મોડવદર જતા માર્ગ પર ટ્રેક્ટરની ટક્કરથી બાઈકસવાર પિતાનું મોત થયું છે, પુત્ર સહિત બે જણ ઘાયલ થયાં છે. મરણ જનાર નબી આલમ અને તેનો દીકરો અમન ખાન બેઉ મૂળ બિહારના વતની છે અને મીઠીરોહરના લાકડાના બેન્સામાં કામ કરતા હતા. સોમવારે બપોરે પિતા પુત્ર અને સાથે કામ કરતો અઝહરખાન ત્રણે નબીની મોટર સાયકલ પર મોડવદર જવા નીકળ્યા હતા.
રસ્તામાં નબીએ ટ્રેક્ટરને ઓવરટેક કરેલું જેમાં ટ્રેક્ટરે પાછળથી બાઈકને ટક્કર મારેલી. દુર્ઘટનામાં ગંભીર ઈજાથી નબીનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
અમનને ગુપ્ત ભાગ સહિતના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અઝહરને પણ ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી.
Share it on
|