કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ભીમાસર ગામે રહેતા મૂળ બિહારના વતની ૩૨ વર્ષિય અરુણકુમાર શાહુની ગળું કાપીને કરાયેલી હત્યાના બનાવનો ભેદ અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દઈને પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મરણ જનાર અરુણ જે હોટેલમાં નોકરી કરતો હતો તે હોટેલના માલિક અને તેની પત્ની વચ્ચે લગ્નેતર સંબંધો હતા. આ બાબતની જાણ થતાં હોટેલ માલિકે પાંચથી છ લાખ રૂપિયામાં અરુણની હત્યા કરવા માટે તેના મિત્રને સોપારી આપી હોવાનું ખૂલ્યું છે. પોલીસે આપેલી માહિતી મુજબ હોટેલ માલિક હારાધન ગરાઈ (ઉ.વ. ૩૩, રહે. મૂળ બાકુરા, પશ્ચિમ બંગાળ)ને અરુણની પત્ની રેખા સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતની અરુણ શાહુને જાણ થઈ ગયેલી. જેથી રેખાએ તેના પતિનો ‘કાંટો’ કાયમ માટે કાઢી નાખવા માટે પ્રેમી હારાધનને વાત કરેલી.
હોટેલ માલિકે તેના મિત્રને ‘સોપારી’ આપેલી
હારાધને તેના મિત્ર આનંદ દામજી બારોટ (રહે. મૂળ સણવા, રાપર હાલ રહે. ભીમાસર જૂના ગામ)ને અરુણની હત્યાની સોપારી આપીને કહેલું કે કામ પૂરું થતાં હું તને પાંચથી છ લાખ રૂપિયા આપીશ. જેથી આનંદે અરુણની હત્યા કરવા માટે તેના બે મિત્રો ગોપાલ રામજીભાઈ બારોટ (ઉ.વ. ૨૫, રહે. મૂળ સણવા, રાપર. હાલ રહે. ભીમાસર જૂના ગામ) અને દિલીપ નાથાભાઈ ભટ્ટી (ઉ.વ. ૨૦, મૂળ રહે. મોડા ગામ, રાપર હાલ રહે. તળાવ પાસે, ભીમાસર ગામ)ને અરુણની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
કાવતરું રચી એકલાં અરુણનું ગળું કાપી નખાયું
આનંદના કહેવાથી ગોપાલ અને દિલીપ ભટ્ટીએ કાવતરું રચીને, અરુણની એકલતાનો લાભ લઈને તેનું ગળું વેતરી નાખ્યું હતું. અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં આ કોન્ટ્રાક્ટ કિલીંગનો ભેદ ઉકેલી દઈને અરુણની પત્ની રેખા સહિત સોપારી આપનાર, સોપારી લેનાર, હત્યા કરનાર તમામ પાંચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
અંજારના પીઆઈ એ.આર. ગોહિલ અને પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલવા ભારે દોડધામ કરી હતી.
Share it on
|