કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શહેરમાં ગેરકાયદે દબાણો સામે ઓપરેશન ડિમોલીશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર મનીષ ગુરવાણીની સૂચના હેઠળ શહેરમાંથી આજે કુલ ૧૧૩ દબાણો દૂર કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી લઈ ચાવલા ચોક થઈ શિકારપુરી સુધી આર્કેડના વૉક વેમાં થઈ ગયેલા દબાણો દૂર કરાયાં છે. કમિશનર ગુરવાણી અને ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરાઈ હતી.
દબાણ હટાવ કામગીરીમાં ૬ જે.સી.બી., ૪ ટ્રેક્ટર અને ૩પ કર્મચારીઓ જોડાયાં હતા. ઓપરેશન ડિમોલીશન આવતીકાલે પણ જારી રહેશે.
ભુજમાં ૪૫ લાખની જમીન દબાણમુક્ત કરાઈ
ગાંધીધામની સમાંતર ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોએ અંદાજે ૪૫ લાખના મૂલ્યની ૪૫૦ ચોરસ મીટર સરકારી જમીન પર કરેલાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ત્રણ ગુનાઓમાં ચોપડે ચઢેલાં સાજીદ રહેમતુલ્લા મોખા (રહે. બાપા દયાળુનગર, ભુજ) અને રજબઅલી બરકતઅલી પઠાણ (રહે. સીતારા ચોક)એ કરેલાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે.
Share it on
|