કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ માસિક પાંચ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા આપીને દર મહિને ૨૫ હજાર રૂપિયા વ્યાજ વસૂલતાં સામખિયાળીના બે વ્યાજખોર સગાં ભાઈ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ ભુજના માધાપર રહેતા મૂળ ભચાઉના ઘરાણા ગામના વતની હાર્દિક રમેશભાઈ મોરવાડીયા (સોની)એ રોહન મહાદેવ મા’રાજ અને તેના ભાઈ રમેશ વિરુધ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાર્દિકે જણાવ્યું કે દોઢેક વરસ અગાઉ તે નાના ભાઈ અને પિતા જોડે સામખિયાળીમાં જ્વેલરી શોપ ચલાવતો હતો. અચાનક આર્થિક જરૂરત ઊભી થતાં દુકાને અવારનવાર આવીને ‘જરૂર પડે તો વ્યાજે નાણાં લઈ જજો’ તેવી ઑફર કરતાં રોહન અને રમેશ મા’રાજનો સંપર્ક કરેલો.
જૂલાઈ ૨૦૨૩માં તેણે પાંચ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા મેળવેલાં. વ્યાજ પેટે દર મહિને ૨૫ હજાર રૂપિયા સમયસર ચૂકવી આપતો હતો. ૮ મહિના સુધી બે લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યાં બાદ આર્થિક સગવડ ના હોતાં વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધેલું.
નાણાં ચૂકવવાનું બંધ કરતાં બેઉ ભાઈ ફરિયાદીના નાના ભાઈ અને કાકાને રૂબરૂ મળીને ધાક-ધમકી કરી પઠાણી ઉઘરાણી કરતાં. ભચાઉના વોંધ ખાતે સોમવારે હાર્દિક બનેવીની શોકસભામાં આવ્યો ત્યારે રમેશ તેને જોઈ ગયો હતો. રમેશે તેને બાકીના દસ મહિનાના વ્યાજપેટે અઢી લાખ રૂપિયા અને મૂડીના પાંચ લાખ રૂપિયા ચૂકવી દેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|