કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ શેર માર્કેટમાં ઊંચું વળતર મળવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયાનું રોકાણ કરાવીને ઓનલાઈન સાયબર ચીટરોએ આદિપુરના એક શખ્સ સાથે ૩૯.૯૦ લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો છે. જાણીતી ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓના નામે ચીટરોએ મોબાઈલ એપ અને વેબસાઈટ શરૂ કરીને રોકાણકારને વિશ્વાસમાં લઈ આ ચીટીંગ કર્યું છે. આદિપુરના અર્બુદાનગરમાં રહેતા ૫૧ વર્ષિય સંદિપ મુખરજી (રહે. મૂળ કોલકતા) વરસાણા પાસે આવેલા એક ઔદ્યોગિક એકમમાં સિનિયર એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે.
ગુગલમાં કરેલા સર્ચના પગલે જાળમાં સપડાયાં
શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવામાં રસ હોઈ તેમણે ગત ઑગસ્ટ માસમાં ગૂગલ પર સર્ચ કરેલું. જેના આધારે તેમને રાશિ ગુપ્તા નામની મહિલાનો ફોન આવેલો. રાશિ ગુપ્તાએ પોતે સિટાડેલ સિક્યોરીટીઝ નામની ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી બોલતી હોવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવી તેમને ઈન્ટ્રા ડે ટ્રેડિંગ શીખવ્યું હતું.
ખાતરી કરવા માટે ફરિયાદીને કંપનીની વેબસાઈટનું એડ્રેસ આપેલું. તેના ભરોસે ફરિયાદીએ નવેમ્બર માસ સુધીમાં જુદાં જુદાં ટ્રાન્ઝેક્શન થકી નાણાંનું રોકાણ કરેલું. રાશિએ કંપનીની મોબાઈલ એપ ડાઉનલોડ કરાવેલી અને એક વોટસએપ ગૃપમાં પણ એડ કરેલાં.
ઈન્વેસ્ટ સામે જમા રકમ વીડ્રો કરવા જતાં તેમને મેનેજમેન્ટ ફી પેટે ૧૧ લાખ રૂપિયા જમા કરાવવાનું જણાવતાં ફરિયાદીને શંકા ગયેલી અને તેમણે ૨૮-૧૧-૨૦૨૪ના રોજ ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.
એકવાર ચીટીંગ થયું છતાં ફરી એ જ જાળમાં સપડાયાં
આ ઘટનાના થોડાંક દિવસો બાદ એન્જલ વન સિક્યોરીટીઝ નામની અન્ય એક કહેવાતી ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી મીની નાયર નામની મહિલાનો તેમને ફોન આવેલો. તે મહિલા પર ભરોસો કરીને ફરિયાદીએ ફરી પોતાના સહ કર્મચારી સંદિપ યાદવ સાથે મળીને ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ શરૂ કરેલું. માર્ચમાં સારી એવી રકમ થતાં તેમણે વીડ્રો કરવા પ્રયાસ કરતાં કંપનીએ કમિશન માગતાં આ કંપનીએ પણ ચીટીંગ કર્યું હોવાનું સમજાયેલું અને તેમણે માર્ચમાં ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરેલી. આમ, બેઉ કંપનીએ કુલ ૩૯.૯૦ લાખની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે રાશિ ગુપ્તા, મીની નાયર અને શ્યામ રંજન નામના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|