કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના અંતરજાળમાં રહેતા વેપારીના બંધ ઘરમાંથી ધોળા દિવસે ભેદી સંજોગોમાં રોકડાં ૨૫ લાખ રૂપિયાની ચોરી થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંતરજાળની સુદામાપુરીમાં રહેતા ૪૯ વર્ષિય વેપારી ગંગેશ્વર કરુણાશંકર પંડ્યાના જણાવ્યા મુજબ ચોરીનો બનાવ ગઈકાલે સોમવારે સાંજે ૪.૧૫થી ૭.૧૫ના અરસામાં બન્યો હતો. ફરિયાદી આદિપુરની બારવાળીમાં પૂજા સામગ્રી વેચવાની દુકાન ધરાવે છે. ઘરમાં તેમની સાથે તેમના પત્ની, મોટો પુત્ર અને પુત્રવધૂ તથા નાનો પુત્ર રહે છે. પુત્રવધૂને પિયર માધાપર જવું હોઈ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદીની પત્ની તેમને માધાપર મૂકવા ગઈ હતી. સાંજે સવા ચાર વાગ્યે ફરિયાદી ઘરને તાળું મારીને દુકાને ગયાં હતાં. તેના અડધા કલાક પહેલાં નિત્યક્રમ મુજબ નાનો પુત્ર દુકાને પહોંચી ગયો હતો. સાંજે સવા સાતના અરસામાં ફરિયાદીના પત્ની માધાપરથી આદિપુર પરત આવતાં તે પત્નીને એક્ટિવા પર બેસાડી ઘેર મૂકવા આવ્યાં હતાં.
તસ્કરે કેવળ રોકડાં રૂપિયા જ ચોર્યાં
ઘરે પાછાં ફર્યાં ત્યારે ઘરના દરવાજાના મારેલું તાળું ખૂલ્લું હતું. દરવાજાનું સેન્ટ્રલ લૉક પણ ખૂલ્લું હતું. કશુંક અજુગતું થયું હોવાની શંકા સાથે ઘરમાં પ્રવેશ્યાં હતા પરંતુ ઘરમાં બધો સરસામાન પહેલાંની જેમ વ્યવસ્થિત ગોઠવાયેલો હતો.
શંકા જતાં તેમણે ઘરના સેટી પલંગને ખોલીને ચેક કરતાં તેમાં પ્લાસ્ટિકની કોથળીમાં પાંચસો પાંચસોના દરની અઢી અઢી લાખની નોટોની થપ્પી કરીને રાખેલા રોકડાં ૨૫ લાખ રૂપિયા ગાયબ હતા.
પાંચેક માસ અગાઉ ફરિયાદીએ કિડાણા સીમમાં જમીન વેચેલી તેમાંથી ઉપજેલાં આ રોકડાં રૂપિયા સેટી પલંગમાં રાખ્યા હતા.
પોલીસને જાણભેદુની સંડોવણીની શંકા
ચોરીના આ બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા છે. કારણ કે, સેટી પલંગમાં રોકડ રકમ સાથે સોના ચાંદીના ઘરેણાં પણ રાખ્યા હતા પરંતુ તે ચોરાયાં નહોતાં. ઘરમાં પ્રવેશવા ક્યાંય કોઈ બારી દરવાજા પર બળપ્રયોગ થયો (ફોર્સ્ડ એન્ટ્રી) હોય તેવા કોઈ નિશાન નથી. ઘરનો કોઈ સરસામાન વેરવિખેર થયો નહોતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ દસ બાર દિવસ અગાઉ તેમના ઘરની ચાવી ઘરમાંથી જ ક્યાંક ગૂમ થઈ ગઈ હતી. તેને શોધવા ખૂબ મહેનત કરેલી પરંતુ તે મળી નહોતી.
કોઈ જાણભેદુએ ચોરાયેલી ચાવીથી ઘરનો દરવાજો ખોલીને રોકડાં રૂપિયાની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. પીઆઈ એમ.સી. વાળાએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ગહન તપાસ શરૂ કરી છે.
Share it on
|