કચ્છખબરડૉટકોમ, ભુજઃ ટ્રેનમાં જતી પાકિસ્તાની આર્મીની ટેન્કોની વીડિયો રીલને લાઈક કરવા બદલ નારાયણ સરોવરમાં રહેતા ૨૧ વર્ષિય અબ્દુલ રઝાક સોઢા નામના યુવક પર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે. પહલગાઁવમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કરેલા હુમલા અને ત્યારબાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના પગલે બંને દેશો વચ્ચે પ્રવર્તતી તણાવભરી પરિસ્થિતિમાં એક પાકિસ્તાની સમર્થકે તેના ઈન્સ્ટાગ્રામમાં એક રીલ પોસ્ટ કરી હતી. પાકિસ્તાની ઝંડાના ચિહ્નવાળી આ રીલમાં ટ્રેનોમાં પાકિસ્તાની આર્મીની ટેન્કો જતી હોવાના દ્રશ્યો હતાં. ૮ મેના રોજ અબ્દુલે આ રીલને લાઈક કરી હતી.
અબ્દુલની આ હરકત રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ગેરમાર્ગે દોરે તેવી હોવાનું જણાવીને ભુજ સાયબર ક્રાઈમ પોલીસે તેની વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૭ (૧) એ હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે પોલીસ સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. અત્યારસુધીમાં અબ્દુલ સહિત ત્રણ યુવકો સામે આ પ્રકારના ગુના દાખલ થયાં છે.
Share it on
|