કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ બાથરુમનો દરવાજો ખુલ્લો રાખીને પેશાબ કરવા મુદ્દે ભચાઉમાં બે ભાઈઓએ યુવકના માથામાં ધોકા ફટકારીને તેનું મોત નીપજાવ્યું છે. ગત ૮મી જૂલાઈની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં થયેલી મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન સપ્તાહ બાદ મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. ફરિયાદી ચંદન રામજી ચૌધરી ઝારખંડ રહે છે. ચંદનનો મોટો ભાઈ પપ્પુ ચૌધરી ઝારખંડથી મજૂરીકામ કરવા ૨૬ જૂનના રોજ ભચાઉ ખાતે અસલમ કુંભાર પાસે આવ્યો હતો. અસલમે તેને કામે રાખેલો અને રહેવા માટે વાદીનગરમાં ઓરડીની વ્યવસ્થા કરી આપેલી.
૮મી જૂલાઈની રાત્રે પપ્પુ બાથરુમનો દરવાજો ખુલ્લો રાખીને પેશાબ કરતો હોઈ બાજુમાં રહેતા હિતેશ પર્વતસિંહ બારીયા અને તેના ભાઈ રાકેશે પપ્પુ જોડે માથાકૂટ કરીને ધોકાથી માર મારેલો.
પપ્પુને તેના સાથી વિકાસ ચૌધરીએ છોડાવેલો. મારામારીમાં પપ્પુ, વિકાસ અને હિતેશ બારીયાને ઈજાઓ થતાં તેમને સરકારી હોસ્પિટલ બાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલાં.
બેઉ ભાઈઓએ પપ્પુને માથામાં ધોકા ફટકારેલા હોઈ તેની હાલત વધુ ગંભીર થયેલી.
પપ્પુને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલો જ્યાં બુધવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બંને ભાઈ સામે મર્ડરની કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Share it on
|