click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2026, Monday
Home -> Gandhidham -> Trusted Staffers Siphon Rs 1.74 Crore in Gandhidham
Saturday, 28-Mar-2026 - Gandhidham 36766 views
ગાંધીધામઃ બિઝનેસમેનના વિશ્વાસુ કર્મચારી બે સગાં ભાઈ ૧.૭૪ કરોડનો ચૂનો ચોપડી ફરાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના બિઝનેસમેન સાથે તેની કંપનીમાં બે વર્ષથી કામ કરતાં બે ‘વિશ્વાસુ’ સગાં ભાઈએ ૧ કરોડ ૭૪ લાખ ૫૦ હજાર રૂપિયાની ઠગાઈ કર્યાનો બનાવ બન્યો છે. ગાંધીધામ એ ડિવિઝને ગુનો નોંધી ફરાર ભાઈઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ફરિયાદી દીપક મનુજા (પંજાબી) ગાંધીધામના સુભાષનગરમાં રહે છે અને ‘ગ્લોબલ ટ્રેડ કન્સલ્ટન્સી’ નામની પેઢી મારફતે વેપાર, એક્સપોર્ટ, ઈમ્પોર્ટનું કામકાજ કરે છે.

પેઢીના બેન્કિંગ, ફિલ્ડ વર્ક માટે છેલ્લાં બે વર્ષથી તેમની પાસે અભિષેક બ્રિજેન્દ્ર શર્મા અને તેનો સગો ભાઈ રિષભ કામ કરે છે. ફરિયાદીની કંપનીએ મુંબઈની કંપની પાસેથી સ્ટીલ પાઈપ ખરીદયા હોઈ તે કંપનીમાં એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનું હતું.

સહી કરેલાં આઠ કોરાં ચેક આપવા ભારે પડ્યાં

બુધવારે બેઉ ભાઈ શેઠ પાસે ચેક લેવા રૂબરૂ આવેલાં. ફરિયાદીએ આઠ કોરાં ચેક પર સહી કરીને તમામ ચેક અભિષેકને આપી દીધેલાં. બીજા દિવસે કામ અર્થે ફરિયાદી અમદાવાદ નીકળી ગયો હતો. ગઈકાલે શુક્રવારે મુંબઈની કંપનીને એડવાન્સ પેમેન્ટ કરવાનું હોઈ ફરિયાદીએ અભિષેકને ફોન કરીને નાણાં ટ્રાન્સફર કરવા જણાવેલું. અભિષેકે બેન્કમાં જઈ ચેક મારફતે નાણાં ટ્રાન્સફર કરેલાં અને તેનો મેસેજ પણ ફરિયાદીને મળ્યો હતો.

નાણાં ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં

મુંબઈની કંપનીને પેમેન્ટ થઈ ગયું હોવાનું માનીને ફરિયાદીએ કંપનીને પેમેન્ટ મોકલી દીધું હોવાનું જણાવેલું. જો કે, એકાદ કલાક બાદ મુંબઈની કંપનીએ જણાવેલું કે પેમેન્ટ મળ્યું નથી. ફરિયાદીએ તપાસ કરતા નાણાં તેમના બેન્ક ખાતામાંથી રિષભ એન્ટરપ્રાઈઝમાં ટ્રાન્સફર થયેલાં. ફરિયાદીએ અભિષેકને ફોન કરીને આ બાબતે પૂછતાં અભિષેકે નાણાં ભૂલથી રિષભના બેન્ક ખાતામાં જમા થઈ ગયાં હોવાનું જણાવેલું. ફરિયાદીએ આ નાણાં તત્કાળ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવેલું. પરંતુ, અભિષેકે નાણાં ટ્રાન્સફર કરાવ્યાં નહોતા.

નાણાં જમા કરાવવાના બદલે બહાના કર્યા

ફરિયાદીએ સાંજ સુધી વારંવાર ફોન કરીને અભિષેકને નાણાં ટ્રાન્સફર કરાવવા જણાવેલું પરંતુ અભિષેક દર વખતે ખોટાં બહાના આપતો હતો અને પછી તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું. તેનો ભાઈ રિષભ પણ શેઠના ફોન ઉપાડતો નહોતો.

ગોલમાલની ગંધ આવી જતાં ફરિયાદી અમદાવાદથી નીકળી સાંજે ગાંધીધામ પરત આવી ગયેલો અને બેઉ ભાઈને શોધવા પ્રયાસ કરેલો પરંતુ બેઉનો કોઈ અતોપત્તો મળ્યો નહોતો.

જેના પગલે મોડી રાત્રે ફરિયાદીએ પોલીસ મથકે જઈ બેઉ ભાઈ વિરુધ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
રાપરના માનગઢ ઢુવામાં નાના ભાઈએ ધારિયું ઝીંકીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો
 
ભુજના રાયધણપર ગામે નજીવી બાબતે વરનોરાના હથિયારધારી યુવકોનો હુમલો, પથ્થરમારો
 
અદાણી ગૃપ કચ્છની ૧૧ ITIનો કરશે કાયાકલ્પઃ ઉદ્યોગોની જરૂર મુજબ છાત્રોને આપશે તાલીમ