click here to go to advertiser's link
Visitors :  
10-Aug-2026, Monday
Home -> Gandhidham -> Trio Busted in Vagad for Scamming Villagers Using Religious Rituals
Sunday, 09-Aug-2026 - Rapar 1944 views
વાગડમાં ધાર્મિક વિધિના નામે લોકોના રૂપિયા દાગીનાની ઠગાઈ કરતી ‘લોટા ગેંગ’ ઝડપાઈ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ ધાર્મિક વિધિ કરીને દુઃખ દર્દ દૂર કરી આપવાના નામે વાગડમાં લાંબા સમયથી ભોળાં ગ્રામજનોના ઘરેણાંની ઠગાઈ કરી રહેલી બનાસકાંઠાના થરાદની ‘લોટા ગેંગ’ ગ્રામજનો અને પોલીસની સતર્કતાથી ઝડપાઈ ગઈ છે. રાપરના કલ્યાણપર ગામે ધાર્મિક વિધિ કરવાના બહાને બનાસકાંઠાના થરાદની આ ત્રિપુટી યુક્તિપૂર્વક ૧૫૦૦ રોકડાં રૂપિયા અને વિવિધ ઘરેણાં મળી ૬૧ હજારની માલમતા મેળવીને શનિવારે બપોરે કારમાં ફરાર થઈ હતી.

રાપર તાલુકાના કલ્યાણપર ગામે રહેતા ૫૮ વર્ષિય મેપાભાઈ રબારીને જમણાં હાથમાં ઘણાં સમયથી દુઃખાવો રહે છે. ચાર દિવસ પૂર્વે તેમના ઘેર ઝભ્ભો ધોતી પહેરી, મહારાજ બનીને રમેશનાથ અને નરેશનાથ આવેલાં.

‘તમને કોઈ દુઃખ કે તકલીફ હોય તો અમને જણાવો અમે વિધિ કરીને દુઃખ દરદ દૂર કરી દઈશું’ કહીને મેપાભાઈને વિશ્વાસમાં લીધેલાં.

મેપાભાઈએ જમણાં હાથમાં લાંબા સમયથી દુઃખાવો થતો હોવાનું જણાવતાં બેઉ જણે પોતાનો મોબાઈલ નંબર આપીને બે-ચાર દિવસ પછી આવીને વિધિ કરી આપવાનું જણાવી, ૭૦૦ રૂપિયાની દક્ષિણા મેળવીને નીકળી ગયેલાં.

રૂપિયા ઘરેણાં ભરેલો લોટો સિફતપૂર્વક સરકાવી લીધો

શનિવારે બપોરે રમેશ અને નરેશ સાથે આંબાનાથ નામનો ત્રીજો શખ્સ મેપાભાઈના ઘેર આવેલાં. વિધિ કરવાના નામે સૌ ઘરમાં બેસેલાં. ત્રિપુટીએ લીલું કપડું ઢાંકેલા બે લોટા કાઢીને ધાર્મિક વિધિ કરવાનું શરૂ કરેલું. એક લોટામાં ઘરમાં રહેલાં સોનાના ઘરેણાં અને ૧૫૦૦ રોકડાં રૂપિયા મૂકાવી ઉપર લીલું કપડું ઢાંકી દીધેલું.

ત્યારબાદ અષ્ટમપષ્ટમ વિધિ કરીને ત્રિપુટીએ રોકડાં રૂપિયા અને ઘરેણાં ભરેલો લોટો સિફતપૂર્વક પોતાના થેલામાં સરકાવી દીધો હતો.

લીલું કપડું બાંધેલો બીજો લોટો આપી તેને ખોલ્યાં વગર તીજોરીમાં મૂકી રાખવાનું કહીને કારમાં નીકળી ગયેલાં. ફરિયાદીએ તીજોરીમાં મૂકવા લોટો ઊંચક્યો ત્યારે તે ઘણો વજનદાર જણાયેલો. શંકાના આધારે તેમણે લીલું કપડું હટાવીને જોયું તો લોટામાં રેતી ભરેલી હતી!

ગ્રામજનો અને પોલીસની સતર્કતાથી ઝડપાયાં

પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે મેપાભાઈએ ગ્રામજનોને વાત કરેલી. થોડીકવારમાં જ સોશિયલ મીડિયા મારફતે સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના ફોટો વાગડમાં ફેલાઈ ગયેલાં. ઘટનાના પગલે રાપર પોલીસ પણ તુરંત હરકતમાં આવેલી. લોકોએ કારમાં નાસી રહેલી ત્રિપુટીને દબોચીને પોલીસ હવાલે કરી દીધી હતી. બનાવ અંગે મોડી રાતે રાપર પોલીસે ત્રણે સામે ઠગાઈ વિશ્વાસઘાતની કલમો તળે ગુનો દાખલ કરીને ઘરેણાં અને રૂપિયા રિકવર કરી લીધાં છે. આવતીકાલે તેમને કૉર્ટમાં રજૂ કરાશે તેમ રાપરના પીઆઈ આર.એલ. ખટાણાએ જણાવ્યું છે.

સણવા અને રવ ગામે ત્રિપુટીએ ઠગાઈ કરેલી

આ જ ત્રિપુટીએ ગત ૧૫-૦૨-૨૦૨૬ના રોજ શિવરાત્રિના દિવસે રાપર તાલુકાના સણવા ગામે એક અન્ય રબારી પરિવારને પણ તમારા ‘દીકરા ઉપર ઘાત છે, ઘરમાં હાલ માઠાં દિવસો ચાલે છે’ આ જ મોડસ ઓપરેન્ડીથી ધાર્મિક વિધિના નામે લોટામાં ૧.૬૦ લાખના દાગીના મૂકાવીને છૂમંતર થઈ ગયેલી. રાપર પોલીસે આ ત્રિપુટીને પકડી પાડી હોવાની જાણ થતાં માધુબેન જગાભાઈ રબારી નામની મહિલાએ આજે આડેસર પોલીસ મથકે ત્રણે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન, રાપર તાલુકાના રવ ગામે પણ આ ત્રિપુટીએ ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરી હોવાની માહિતી બહાર આવતાં રાપર પોલીસે તપાસ હાથ ધરી વધુ એક ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
બ્રાસ સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદારીના નામે દોઢ કરોડ રૂપિયા મેળવી વેપારી સાથે ઠગાઈ
 
૧૭.૫૦ લાખની ઠગાઈમાં FIR ના નોંધાઈ અને રિકવર નાણાં પરત લેવા આરોપી કૉર્ટમાં ગયાં!!
 
NO ONE KILLED JYOTI નાળામાંથી મળેલી અજાણી લાશના કેસમાં કોઈ ગુનો ના નોંધાયો!