click here to go to advertiser's link
Visitors :  
07-Aug-2026, Friday
Home -> Bhuj -> No One Killed Jyoti Police Inaction Leaves 18 Month Old Mundra Death Case in Limbo
Friday, 07-Aug-2026 - Bhuj 1017 views
NO ONE KILLED JYOTI નાળામાંથી મળેલી અજાણી લાશના કેસમાં કોઈ ગુનો ના નોંધાયો!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ભુજમાં નિવૃત્ત ASIના ઘરમાં ચોરી થઈ તે અંગે ખુદ SPએ ગુનો દાખલ કરવા કરેલી ભલામણના પગલે પોલીસે એક મહિના બાદ FIR દાખલ કરી! જો એક નિવૃત્ત ASI સાથે થયેલા ગુનાની ફરિયાદ દાખલ કરવામાં પશ્ચિમ કચ્છ પોલીસ ‘અખાડા’ કરતી હોય ત્યારે પોલીસ તંત્રની કામગીરી અને મથરાવટી પર શંકા સર્જાય છે.
આપને જાણીને આઘાત લાગશે કે આ જ પશ્ચિમ કચ્છ પોલીસે છેલ્લાં દોઢ વર્ષથી એક ગંભીર બનાવની ફરિયાદ દાખલ કરી નથી! કારણ કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું ના હોવાનો દાવો પોલીસ કરી રહી છે. એટલું જ નહીં, મરનારની પણ કશી ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નથી.

દોઢ વર્ષ અગાઉ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મુંદરાના નાના કપાયા ગામ નજીક ગટરના ખૂલ્લાં નાળામાંથી અંદાજે ૨૫ વર્ષની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ પાણીમાં ડૂબેલી અને ફૂલાઈ ગયેલી હાલતમાં હતી. મૃતક મહિલાએ સફેદ ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો.મૃત મહિલાની જીભ બહાર નીકળી ગયેલી હાલતમાં હતી. પ્રથમ દ્રષ્ટિએ મહિલાને લુગડાંથી ગળેટૂંપો આપી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દેવાઈ હોવાનું જણાઈ આવતું હતું. કારણ કે, મોઢાં પર કાળા રંગનો દુપટ્ટો વીંટાળેલો હતો અને ગળામાં બે ફૂટનું સફેદ મેલું કપડું કસીને બે ગાંઠ વાળેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ડૅડ બૉડીના હાથ પર ‘જ્યોતિ’ નામ ત્રોફાવેલું

મહિલાના શરીર પર ઠેર ઠેર છુંદણા (ટેટૂ) ત્રોફાયેલાં નજરે પડતાં હતા. જમણા હાથે કાંડાથી કોણી સુધીના વચ્ચેના ભાગમાં અંગ્રેજીમાં ‘જ્યોતિ’ નામ લખેલું હતું અને બાજુમાં ફૂલ જેવી ડિઝાઈનનું છૂંદણું ત્રોફાવેલું હતું. ડાબા હાથે પંજા ઉપર હથેળીની બાજુમાં છુંદણાથી અંગ્રેજીમાં ‘કન્હૈયા’ નામ ત્રોફાવેલું હતું. એ જ રીતે, દિલની અંદર અંગ્રેજીમાં ‘લવ’ લખેલું હોવાનું, તેની બાજુમાં બાજુમાં ઊડતાં પંખીની પાંખની ભાત તથા છુંદણાથી ‘એસ’ અને હૃદયના ધબકારાના ગ્રાફની ડિઝાઈન ત્રોફાવેલી જોવા મળેલી. આંગળી પરની દિલ આકારની વીંટી પહેરેલી હતી જેના પર અંગ્રેજીમાં ‘કેજે’ લખેલું છે. કાંડા પર લાલ ધાગો અને જમણા પગમાં કાળો દોરો બાંધેલો હતો.

દોઢ વર્ષથી FIRના બદલે AD પર તપાસ ચાલે છે!

પોલીસે મૃત મહિલાની ઓળખ માટે તપાસ શરૂ કરીને લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપેલી. પરંતુ મૃત મહિલાની આજ દિન સુધી કોઈ ઓળખ થઈ નથી. આપને આશ્ચર્ય સાથે આઘાત લાગશે કે આ મહિલાનું મૃત્યુ કેવી રીતે થયેલું તે અંગે આજ દિન સુધી પોલીસ ગોથાં ખાય છે! પોલીસ મેન્યુઅલમાં સ્પષ્ટ લખેલું છે કે આવા મૃત્યુના કિસ્સામાં જો સ્હેજ પણ શંકા જણાતી હોય તો પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવી. પરંતુ આ કેસમાં પોલીસે કોઈ વિધિવત્ FIR રજિસ્ટર કરી નથી. આજ દિન સુધી ‘એક્સિડેન્ટલ ડેથ’ના આધાર પર કહેવાતી તપાસ ચાલી રહી છે!!

FIR વગર રચાયેલી SITએ કશું ઉકાળ્યું નહીં

સામાન્ય રીતે કોઈ ગંભીર બનાવ જેમ કે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જેવું આતંકી કૃત્ય અથવા મોરબી પુલ હોનારત જેવી ભયંકર દુર્ઘટના કે જેમાં કોઈ એક પોલીસ અધિકારી માટે તપાસ સંભાળવી અશક્ય હોય, સર્વગ્રાહી રીતે તપાસ કરવી અનિવાર્ય હોય તે સંજોગોમાં ગુનાની ફરિયાદના આધારે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાતી હોય છે. સામાન્યતઃ શંકાસ્પદ મૃત્યુના કેસની PSI કે PI સ્તરનો એક અધિકારી તપાસ કરતો હોય છે.

સામાન્ય રીતે આવું શંકાસ્પદ મૃત્યુ થયું હોય, હત્યા થઈ હોવાની આશંકા હોય તો તબીબો પોલીસને પોસ્ટ મોર્ટમ કર્યાના તુરંત બાદ મર્ડર હોવાનું મૌખિક રીતે જણાવી દેતાં હોય છે.

મુંદરાના SDPO તરીકે નિયુક્ત IPS ગૌતમ વિવેકાનંદન કહે છે કે જે તે સમયે ગુનાની તપાસ કરવા SPએ ખાસ SIT રચેલી. આવી કોઈ SIT રચાયેલી કે કેમ તેની માહિતી ક્યાંય કોઈ જગ્યાએ ‘પબ્લિક ડોમેઈન’માં નથી. SIT રચાઈ હોવાનો દાવો સાચો ગણીએ તો પણ SITની તપાસમાં કોઈ ફળદાયી પ્રગતિ ના થઈ હોવાનું સ્વયંસ્પષ્ટ થાય છે.

આ કેસમાં દોઢ વર્ષે પણ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.

SDPO કહે છે કે ‘કૉઝ ઑફ ડેથ’ સ્પષ્ટ થયું નથી. FSLમાંથી વિસેરાનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી તબીબોએ તેમનો રિપોર્ટ પેન્ડિંગ રાખ્યો હતો. તાજેતરમાં વિસેરા રિપોર્ટ આવી ગયેલો અને હવે તેના આધાર પર ડૉક્ટરો ‘કૉઝ ઑફ ડેથ’ અંગેનો અંતિમ અભિપ્રાય આપશે. ફોરેન્સિક ટોક્સિકોલોજી અંતર્ગત પોસ્ટમોર્ટમ સમયે લેવાતા ‘વિસેરા’માં મૃતકના જઠર, આંતરડાં, લિવર અને કીડની જેવા અંગોના કોષો (ટીસ્યૂ) તેમાં રહેલાં પ્રવાહી (ફ્લુઈડ) સાથે કાઢી લઈ તપાસ માટે મોકલાય છે. જેનાથી કોઈ ઝેર યા ઝેરી કેમિકલ્સ, દારૂ યા ડ્રગ્ઝના સેવનથી મૃત્યુ થયું છે કે કેમ તે સ્પષ્ટ થાય.

જરૂરી નથી કે ફોરેન્સિક તજજ્ઞો વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુના કારણ અંગેનો સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય આપે. ત્યારે, પોલીસ શું કરશે?

લઠ્ઠો પીવાથી માણસનું મૃત્યુ નીપજ્યું હોવાના આરોપ થયો હોય  તેવા કેસોમાં અગાઉ આ જ ગુજરાત પોલીસે ૨૪ કલાકમાં વિસેરાના રિપોર્ટ સાથે મૃત્યુ લઠ્ઠાથી ના થયું હોવાના દાવો કરેલો છે. ત્યારે વિસેરા રિપોર્ટના અભાવે તજજ્ઞ તબીબોનો અંતિમ અભિપ્રાય ના આવ્યો હોવાના આધાર પર દોઢ દોઢ વરસ સુધી ADની કથિત તપાસ ચાલી રહી છે તે બાબત ખુદ પોલીસ ખાતાનાં જ જાણકાર અને સિનિયર અધિકારીઓના ગળે ઉતરતી નથી.

ગાંધીધામમાં ગટરના નાળામાં કોથળામાં બાંધેલી હાલતમાં મળેલી લાશના કિસ્સામાં પોલીસે એક જ પખવાડિયામાં મર્ડરનો ગુનો દાખલ કરીને બિહાર જઈને આરોપીઓને પકડી લાવેલી.

મુંદરા પોલીસે કમસે કમ આ કેસની સ્ટડી કરવી જોઈએ. લાગે છે કે જ્યોતિનો ‘આત્મા’ જ્યાં સુધી પોલીસને આવીને ના કહે કે હું ગળામાં રૂમાલ બાંધીને જાતે જ ટૂંપો આપી મરી ગયેલી અને પછી મારી લાશ જાતે જ નાળામાં કૂદી પડેલી ત્યાં સુધી ADનો અંતિમ નિકાલ નહીં થાય!

Share it on
   

Recent News  
૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં વધુ પાંચ આરોપી ઝડપાયાં: ૧૭ દિવસમાં ૭૫ ટકા રકમ રિકવર
 
ગાંજાની કમાણીથી વસાવેલી મિલકતો જપ્તઃ પૂર્વ કચ્છ પોલીસે પિન્ટુને રસ્તે લાવી દીધો!
 
રામમંદિરમાં ચંદા ચોરી બદલ કચ્છના સંતો સનાતનીઓની લાગણીઓ ના દુભાઈ!