કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ભણતાં માથાફરેલા વિદ્યાર્થીએ કોલેજના આચાર્યને થપ્પડ ઝીંકી દેતાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
Video :
આજે સવારે કોલેજના છાત્રોએ આદિપુર પોલીસ સ્ટેશન સુધી વિશાળ રેલી યોજીને તમાચો મારનાર રાજવીર ચાવડા નામના વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
કોલેજના આચાર્ય સુશીલકુમાર ધર્માણીને લાફો મારી દેવાનો સમગ્ર બનાવ કોલેજના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગયો હતો.
ધર્માણીએ જણાવ્યું કે ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે શિક્ષણ કાર્ય પૂરું થઈ ગયા બાદ તે કાર પાર્કિંગ તરફ જતા હતા ત્યારે રાજવીર સહિત પાંચ છ વિદ્યાર્થીઓનું ગૃપ યુનિફોર્મ વગર ત્યાં બેઠું હતું. આ છાત્રોને અગાઉ પણ યુનિફોર્મ પહેર્યાં વગર કોલેજમાં ના આવવા તાકીદ કરાયેલી. આચાર્યએ આ વિદ્યાર્થીઓને ફરી યુનિફોર્મ પહેરીને જ કોલેજમાં આવવા તાકીદ કરી શિક્ષણ કાર્ય પૂરું થઈ ગયું હોઈ ઘરે જવા જણાવ્યું હતું.
આચાર્ય આ યુવકોને સૂચના આપતા હતા ત્યાં સેકન્ડ યર બીએનો વિદ્યાર્થી રાજવીરસિંહ એમ. ચાવડા તાડુકીને બોલ્યો હતો કે સાહેબ, બે દિવસ અગાઉ કોલેજના બગીચામાં હું બેન્ચ ઉપર બેઠેલો ત્યારે તમે મને સરખો બેસવા જણાવી જાહેરમાં મારું અપમાન કરેલુ તે બદલ તમારે મારી માફી માગવી પડશે, કારણ કે તમે મારી ઈમેજ બગાડી છે.
હું કાલે બગીચામાં એ જ બેન્ચ ઉપર ફરી એ જ રીતે બેસીશ અને તમે ત્યાં આવીને જાહેરમાં મારી માફી માગવી પડશે.
આમ કહીને અચાનક જ તેણે આચાર્યને જોરદાર ફડાકો ઝીંકી દીધી હતો. અચાનક હુમલાના કારણે આચાર્યને તમ્મર આવી ગયા હતા અને બાદમાં તે ત્યાંથી જતા રહ્યા હતા. આ લુખ્ખાગીરીની જાણ થતાં આજે સવારે કોલેજના છાત્રો અને અધ્યાપકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
આચાર્યએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રાજવીર સામે અગાઉ પણ એક છાત્ર જોડે મારામારી કરવાની ફરિયાદ થયેલી પરંતુ ધાક ધમકી કરી તેણે ફરિયાદ પાછી ખેંચાવડાવી હતી.
કોલેજના છાત્રોએ રાજવીર અને આ રીતે લાંબા સમયથી દાદાગીરી કરી રંજાડતા તેના ગૃપના છાત્રોને કોલેજમાંથી રસ્ટીકેટ કરી દેવા માંગણી કરી છે.