કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારના મેઘપર બોરીચીમાં લાકડાંની આયાત નિકાસની પેઢી ધરાવતાં વેપારીના બેન્ક ખાતામાં કોઈપણ પ્રયુક્તિથી સાયબર ગઠિયાઓએ ‘ઓનલાઈન ખાતર’ પાડીને ૨૪.૭૬ લાખ રૂપિયા જેવી માતબર રકમ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી છે. વેપારીએ તુરંત બેન્ક ખાતું બ્લોક કરાવી, સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરતાં મોટાભાગની રકમ ‘ફ્રીજ’ થઈ જતાં બચી ગઈ છે. મેઘપર (બો)ના ભાગીરથનગરમાં રહેતા ૫૫ વર્ષિય કમલેશ તિવારી અંજાર ICICI બેન્કમાં તેમની વેપારી પેઢીનું કરંટ ખાતું ધરાવે છે. ૮મી એપ્રિલે બપોરે બાર વાગ્યે અચાનક તેમના ખાતામાંથી ૪.૯૦ લાખ રૂપિયા અન્ય અજાણ્યા બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયાં હોવાનો તેમને મોબાઈલમાં મેસેજ મળ્યો હતો. મેસેજ વાંચીને તેઓ ભડક્યાં હતા. તુરંત બેન્ક મેનેજરનો સંપર્ક કરી ખાતું બ્લોક કરી દેવા જણાવેલું. મેનેજરે તેમને મોબાઈલ ફોન તરત સ્વિચ ઓફ્ફ કરી દેવાની સલાહ આપી રૂબરૂ બેન્કમાં બોલાવ્યાં હતાં.
તિવારી મોબાઈલ સ્વિચ ઓફ્ફ કરે તે પહેલાં વધુ ચાર ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યાં હતાં. અજાણ્યા ગઠિયાઓએ કુલ પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે ૨૪.૭૬ લાખ રૂપિયા ગણતરીની મિનિટમાં એક્સિસ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાં હતાં.
મેનેજરે તેમનું ખાતું તરત બ્લોક કરી દીધું હતું અને તેની સલાહ મુજબ તેમણે તુરંત સાયબર ફ્રોડ અંગે સરકારના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવેલી. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને અજાણ્યા લોકો સામે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પીઆઈ ડી.જી. પટેલે જણાવ્યું કે વેપારીની સતર્કતાના કારણે મોટાભાગની રકમ ફ્રીજ થઈ જતાં બચી ગઈ છે.
Share it on
|