કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સુરતમાં રહેતી ૩૬ વર્ષિય પરિણીતાને પડોશમાં રહેતાં પરિણીત પુરુષ સાથે લગ્નેતર સંબંધો બાંધવા ભારે પડી ગયાં છે. છેલ્લાં ચાર વર્ષથી પરપુરુષ અને તેની માતા તથા પત્ની અનૈતિક સંબંધો અંગે તેના પતિ અને પરિવારજનોને જાણ કરી બદનામ કરવાની ધમકી આપીને ટૂકડે ટૂકડે અઢી લાખ રૂપિયા પડાવી લીધાં છે. આરોપીઓના બ્લેકમેઈલીંગથી કંટાળીને ગાંધીધામમાં ભાઈના ઘેર રોકાવા આવેલી પરિણીતાએ ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સુરતના અઝીઝ ખાન, તેની પત્ની સાઝિયા અને માતા હમીદા વિરુધ્ધ ધમકી આપીને ખંડણી વસૂલવા સબબ ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ જણાવ્યું કે ૨૦૨૦માં કોરોના સમયથી બ્લેકમેઈલીંગ શરૂ થયેલું. ફરિયાદીનો પતિ ઘરે ના હોય ત્યારે આરોપીઓ તેના ઘેર આવી દર મહિને બે-પાંચ હજાર રૂપિયા પડાવી જતાં. અઝીઝે એકવાર સ્કુટી લેવાના નામે ૬૦ હજાર પડાવેલાં.
ફરિયાદી ચાર વર્ષથી તેમનો ત્રાસ સહન કરતી હતી. ગાંધીધામમાં તે ભાઈના ઘેર રોકાવા આવી ત્યારે ૨૯ જૂલાઈના રોજ અઝીઝે તેને વૉટસએપ કૉલ કરી બ્લેકમેઈલીંગ અંગે કોઈને જાણ ના કરવા ચીમકી આપી નહીંતર તેના ફોટો વાયરલ કરી દેશે તેવી ધમકી આપેલી.
Share it on
|