કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મારામારી, ધાક ધમકીના વિવિધ ગુના ઉપરાંત ઘરફોડ સાથે પવનચક્કીના વાયરો અને વાહનો સહિતની ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીને લાકડીયા પોલીસે કચ્છ સહિત પડોશના પાંચ જિલ્લામાંથી તડીપાર કર્યાં છે. ત્રણે સામે લાકડીયા ઉપરાંત અન્ય વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના દાખલ થયેલાં છે. તડીપાર થયેલાં શખ્સોમાં ધર્મેન્દ્રસિંહ ઊર્ફે ભોપલો રઘુભા જાડેજા, જાનમામદ ઊર્ફે જાનુ અલીમામદ સમા અને શૌકત ઈબ્રાહિમ ઊર્ફે અબ્રાહમ ઊર્ફે અભરામ રાઉમાનો સમાવેશ થાય છે. ભોપલા (રહે. લાકડીયા) સામે લાકડીયા પોલીસ મથકમાં મારામારી અને ધાક-ધમકીના ચાર ગુના નોંધાયેલાં છે. જાનમામદ (રહે. મોથાળા વાંઢ, ચાંદ્રોડી, ભચાઉ) પવનચક્કીઓના વાયરોની ચોરીના પાંચ ગુનામાં વિવિધ પોલીસ મથકના ચોપડે ચઢી ચૂકેલો છે. પવનચક્કીના કેબલ ઉપરાંત વાહન ચોરી અને આડેસરમાં ઘરફોડ ચોરીના ત્રણ ગુના તેની સામે નોંધાયેલાં છે. શૌકત (રહે. જૂના કટારીયા) સામે લાકડીયા, ગાંધીધામ અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ત્રણ ગુના નોંધાયેલાં છે.
લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા અને તેમની ટીમે ત્રણેની ક્રાઈમ કુંડળી ભચાઉ પ્રાંત અધિકારીને મોકલી તેમને હદપાર કરવા દરખાસ્ત કરેલી. જેને ગ્રાહ્ય રાખીને પ્રાંત અધિકારીએ ધર્મેન્દ્ર અને જાનમામદને એક વર્ષ તથા શૌકતને છ માસ માટે કચ્છ ઉપરાંત આસપાસના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાંથી હદપાર કર્યાં છે.
Share it on
|