કચ્છખબરડૉટકોમ, સુરેન્દ્રનગરઃ પંજાબથી ઈંગ્લિશ શરાબનો જથ્થો ભરીને મુંદરામાં ડિલિવરી આપવા આવી રહેલી બલ્કર ટ્રકને સુરેન્દ્રનગરના વઢવાણ પાસે ઝડપીને સ્ટેટ મોનિટરીંગ સેલે ૧ કરોડ ૩૧ લાખ ૧૪ હજારના શરાબનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. ડ્રાઈવરની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તે ત્રીજીવાર આ રીતે ટ્રકમાં શરાબનો જથ્થો ભરીને મુંદરા આપવા જતો હતો!
શરાબની ૨૪ હજાર ૬૩૦ નાની મોટી બોટલો જપ્ત
બાતમીના આધારે SMCની ટીમે ગત મધરાત્રે અમદાવાદ રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે વૉચ ગોઠવી હતી. બગોદરાથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બલ્કર ટ્રક પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા ગઈ ત્યારે SMCએ ડ્રાઈવરને ઝડપી પૂછપરછ કરતાં તેણે તેમાં શરાબનો જથ્થો ભરેલો હોવાનું કબૂલ્યું હતું. બલ્કર ટ્રકને જોરાવનગરનગર પોલીસ સ્ટેશન ખાતે લવાઈને ટ્રક ખાલી કરાતાં અંદરથી રોયલ ચેલેન્જ અને ગ્રીન લેબલ બ્રાન્ડની વ્હિસ્કી તથા મેજિક મોમેન્ટ વોડકાના ૭૫૦ ML, ૩૭૫ ML અને ૧૮૦ MLની કુલ ૨૪ હજાર ૬૩૦ બાટલીઓ નીકળી પડી હતી. શરાબની કિંમત ૧ કરોડ ૩૧ લાખ ૧૪ હજાર અંકાઈ હતી.
અનિલ પંડ્યા સૂત્રધાર, અગાઉ બેવાર મુંદરા માલ મોકલેલો
પોલીસ ડ્રાઈવર ચુતરારામ જાટ અને ક્લિનર રહેલા તેના ભાણિયા માંગીલાલ (બંને રહે બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં ચુતરારામે જણાવ્યું હતું કે તે અનિલ પંડ્યા નામનો શખ્સની સૂચના મુજબ તે જણાવે તે વાહનમાં દારૂની ખેપ મારવાનું જાન્યુઆરી માસથી કામ કરે છે.
આ અગાઉ તે બેવાર મુંદરા ખાતે દારૂની ખેપ મારી ચૂક્યો છે અને આ ત્રીજી ખેપ છે.
અનિલ પંડ્યાની સૂચના મુજબ પંજાબથી અજાણ્યો શખ્સ ગાડીમાં માલ ભરીને તેને આપી ગયેલો. બાદમાં તે આ ટ્રક લઈને આગ્રા, દિલ્હી, એમપી, છોટા ઉદેપુર, વડોદરા થઈ બગોદરાના માર્ગે મુંદરા તરફ જતો હતો. પંડ્યા તેને દરેક ખેપ માટે એક લાખ રૂપિયા આપતો હતો જેમાં ડિઝલ તેણે ભરાવવાનું રહેતો. ભાણિયા માંગીલાલને પંદર હજાર મહેનતાણું આપવાનું કહીને ક્લિનર તરીકે સાથે લાવ્યો હતો.
મુંદરા પહોંચ્યા બાદ અજાણ્યો માણસ દારૂ ભરેલું વાહન લઈ જતો અને ખાલી કરી તેને પાછું આપી જતો.
SMCએ શરાબ ઉપરાંત ૩૦ લાખની ટ્રક, બે ફોન, અંગઝડતીમાંથી મળેલા ૨૧૧૦ રોકડાં રૂપિયા મળી કુલ ૧ કરોડ ૬૧ લાખ ૨૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બેઉ ડ્રાઈવર ક્લિનર સાથે દારૂની લાઈન ચલાવતા અનિલ પંડ્યા, પંજાબથી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ, મુંદરામાં દારૂની ડિલિવરી લેનારા અજાણ્યા બૂટલેગર સહિત છ લોકો સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવ્યો છે.
Share it on
|