|
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના વૉર્ડ 2-સીમાં રહેતા શિપીંગ બિઝનેસમેનના ઘરમાંથી ૪.૨૫ લાખ રોકડાં અને સોનાના ઘરેણાં મળી ૧૧.૭૨ લાખની ચોરી કરનારી નેપાળી કામવાળી બાઈ આખરે પાંચ મહિને તેની સહેલી સાથે ઝડપાઈ ગઈ છે. ૧૯ માર્ચના રોજ કામવાળી સલિના ધનબહાદુર સાહી બિઝનેસમેન ગગનપ્રીતસિંઘ ઓલકના ઘરમાં હાથફેરો કરીને ગાયબ થઈ ગઈ હતી. સલિનાએ ઘરઘાટી તરીકે જોડાયાનાં દોઢેક મહિનામાં જ ગગનસિંઘના પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. પાંચ મહિને આદિપુરમાં ફરી આવી ને સતર્ક પોલીસે પકડી પાડી
આદિપુર પોલીસ ધીરજપૂર્વક હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી સલિના અને તેના સંપર્કમાં રહેલાં લોકો પર ગુપ્ત નજર રાખીને બેઠી હતી. ચોરીના બનાવને પાંચ મહિના વીતી જતાં લોકો ભૂલી ગયાં હશે તેમ માનીને સલિના તેની સહેલી રવિના જોડે ફરી ગાંધીધામ આદિપુરની અલગ અલગ સોસાયટીઓમાં કામ કરવા માટે ઘર શોધવા આવી હતી. બાતમી મળતાં જ આદિપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સલિનાને તેની સહેલી સાથે ઝડપી પાડી છે.
આ રીતે ધનાઢ્ય પરિવારોને ટાર્ગેટ કરતી
૨૬ વર્ષની સલિના અને ૨૮ વર્ષની રવિના બેઉ નેપાળની વતની છે. બેઉ જણી વિવિધ શહેરોના પોશ વિસ્તારોમાં આવેલા માલદાર લોકોના બંગલાઓમાં કામવાળી બાઈ તરીકે કામે લાગતી. પરિવારનો વિશ્વાસ જીતતી. સૌ સદસ્યોની વિગતોથી વાકેફ થઈ તેમની ગતિવિધિ પર નજર રાખતી. લાગ મળ્યે ઘરની માલમતા સાફ કરીને ફ્લાઈટ પકડીને તે શહેરમાંથી નાસી છૂટતી. ક્યારેક શક ના જાય તે માટે ચોરેલી માલમતા પરિવારના અન્ય સભ્યોને આપીને પોતે નિત્યક્રમ મુજબ કામ કરતી રહેતી.
સલિના અને રવિના બેઉ વૈભવી લાઈફની શોખીન
પોલીસે જણાવ્યું કે બેઉ જણી મોંઘીદાટ હોટેલોમાં રોકાવાની, ફ્લાઈટોમાં ઉડવાની અને હરવા ફરવાની શોખીન છે. ચોરેલી માલમતા નેપાળમાં વેચી મરાતી. તેમાંથી ઉપજતાં પૈસાથી સલિના તેના બૉયફ્રેન્ડ પ્રિન્સ ઊર્ફે ભીમબીર સાહી અને રવિના તેના પતિ બિરેન્દ્ર ઊર્ફે વિવેક સાહી સાથે મોજમજા માણતી. બીજા શહેરમાં જ્યાં સુધી ઘરકામ ના મળે ત્યાં સુધી બેઉ જણી શહેરની સારી હોટેલમાં મોંઘુદાટ ભાડું ખર્ચીને રોકાતી. ચોરીના ગુનાઓમાં સલિના અને તેના બોયફ્રેન્ડ પ્રિન્સ, રવિના અને તેના પતિ બિરેન્દ્ર તથા તેના ભાઈ ભીમબહાદુરની પણ સંડોવણી સ્પષ્ટ થઈ છે.
પૂણે, બેંગ્લોર સહિતની ૧ કરોડથી વધુની ૬ ચોરીનો ભેદ ખૂલ્યો
આ ટોળકી સામે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આદિપુર ઉપરાંત મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ત્રણ, થાણે તથા બેંગ્લૉર સીટીમાં ઘરફોડ ચોરીના એક-એક મળીને નોંધાયેલાં ૬ ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તમામ ગુનાઓમાં તેમણે એક કરોડથી વધુની માલમતા ચોરી હોવાનું ફરિયાદો પરથી સ્પષ્ટ થયું છે. જો કે, બેઉ જણીએ મોટાભાગનો માલ મોજશોખમાં ઉડાવી દીધો છે. હાલ તેમની પાસેથી પોલીસે ૫૫ હજાર રોકડાં રૂપિયા, ૧.૨૦ લાખની સોનાની ડાયમંડ રીંગ, મોબાઈલ ફોન વગેરે મળી ૧.૮૫ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આદિપુર પીઆઈ એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવાએ લોકોને સલાહ આપી છે કે ઘરમાં જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિને ઘરઘાટી તરીકે કામે રાખો ત્યારે સ્થાનિક પોલીસ મથકે તેની જાણ કરી નોંધણી કરાવો. જેથી પાછળથી પસ્તાવાનો વારો ના આવે.
Share it on
|