|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા કરોડો રૂપિયાના મૂલ્યનાં ત્રણ ખેતરો બોગસ આધાર દસ્તાવેજોના આધારે વેચી મારવાના કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારાં વધુ એક આરોપીને કૉર્ટે ઝટકો આપ્યો છે. ઝીંકડી ગામના ૫૭ વર્ષિય હરજી માવજીભાઈ કેરાસિયાએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે રીજેક્ટ કરી દીધી છે. નકલી માલિક ઊભો કરાઈ પાણીના મૂલે જમીન વેચાયેલી
મોખાણા ગામના સર્વે નંબર ૧૩૨નું ૭ એકર ખેતર, સર્વે નંબર ૨૭૭નું ૧૧ એકર ખેતર અને સર્વે નંબર ૫૯૪/૧નું ૬ એકર ખેતરના માલિક તરીકે ધરમશી કલ્યાણ શાહનું નામ બોલે છે. પરંતુ વર્ષોથી ધરમશીભાઈનો કોઈ અતોપત્તો નથી અને ખેતરો વર્ષોથી ગણોતિયાઓના કબજા ભોગવટામાં છે. મૂળ માલિકનો અતોપત્તો ના હોવાનું જાણતાં આરોપીઓએ એકસંપ થઈને બોગસ માણસને ધરમશીભાઈ તરીકે ઊભો કરીને બોગસ આધાર દસ્તાવેજો પર ૨૦૨૩માં આ ત્રણે ખેતરો પાણીના મૂલે વિવિધ વ્યક્તિઓને ચોપડાં પર વેચી મારેલી.
ત્રણે ખેતરના વેચાણ દસ્તાવેજમાં કંકુબેન વાલજી શાહ (રહે. શિવાજીનગર, મલાડ વેસ્ટ, મુંબઈ) અને કરસન વાઘા દોઢિયા (કાંદિવલી વેસ્ટ, મુંબઈ)એ સાક્ષી તરીકે સહી કરી હતી.
કૌભાંડ અંગે ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પધ્ધર પોલીસ મથકે ધરમશી શાહ, દસ્તાવેજમાં ઓળખાણ આપનાર સાક્ષી બનનાર કંકુબેન વાલજી શાહ અને કરસન વાઘા ડોઢિયા સામે પધ્ધર પોલીસ મથકે ફોર્જરી, ચીટીંગ સહિતની કલમો તળે ગુનો દાખલ થયેલો. જેમાં ધ્રંગના વિપુલ ભગુભાઈ કોવાડીયા (આહીર), હરદેવસિંહ ભગુભા વાઘેલા, વિજય ઊર્ફે વીજેશ કરસન ઢીલા, અજય રસિકલાલ ઠક્કર, મહેશ વાલજી બાળા (આહીર), હરદેવસિંહ વગેરેની સંડોવણી સ્પષ્ટ થતાં ધરપકડ થયેલી. વિપુલ કોવાડીયા અને હરજી માવજીભાઈ કેરાસિયાએ જ સમગ્ર કાવતરું રચીને અન્ય આરોપીઓની મદદથી કૌભાંડ આચર્યું હોવાનું સ્પષ્ટ થયેલું.
ગુનામાં હરજીની ભૂમિકા મુખ્ય સૂત્રધાર જેવી હોવાનું જણાવીને સેશન્સ જજ દિલીપ મહિડાએ અરજી ફગાવી દીધી છે. દરમિયાન, પધ્ધરના પીઆઈ એ.ડી. ખાંટે જણાવ્યું કે હરજી સહિતના કેટલાંક આરોપીઓ લાંબા સમયથી નાસતાં ફરે છે,
આરોપીઓને શોધી લેવા પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં જેલમાં રહેલાં એક આરોપીને બાદ કરતાં મોટાભાગના આરોપીઓની નિયમિત જામીન અરજીઓ કૉર્ટો રદ્દ કરી ચૂકી છે.
Share it on
|