કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ‘કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ’ હિન્દી ફિલ્મોમાં વર્ષોથી સંભળાતો આ ડાયલૉગ ભલે ચવાઈ ગયો હોય પણ તેનો સંદેશ એકદમ સાફ અને સચોટ છે. પૂર્વ કચ્છમાં દારૂ પહોંચાડતાં રાજસ્થાની બૂટલેગરોને પકડવા માટે છેલ્લાં ઘણાં દિવસોથી તેમના પર ફોકસ કેન્દ્રીત કરનારી LCBએ ૨૨ વર્ષ જૂનાં મર્ડરના એક કેસમાં નાસતાં ફરતાં રાજસ્થાની શખ્સની આજે ધરપકડ કરી છે! પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાડમેરથી કમળારામ મીરારામ ભીલ નામના ૪૨ વર્ષના શખ્સની ધરપકડ કરી છે.
જાણીને ચોંકી ઉઠશો કે કમળારામ ભીલ બે પોલીસ કર્મચારીઓના મર્ડરના ગુનામાં નાસતો ફરતો હતો!
પોલીસે આપેલી માહિતી મુજબ ૧૫-૧૨-૨૦૦૩ના રોજ ભચાઉના કુંજીસર પાસે બાતમીના આધારે ભચાઉ પોલીસ અને સ્ટ્રાઈકીંગ ફોર્સની ટૂકડી દારૂ ભરીને આવી રહેલી એક મહિન્દ્ર પીક અપની વૉચમાં ઉભી હતી. જેવી ગાડી આવી કે પોલીસ કર્મચારીઓએ તેને અટકાવવા પ્રયાસ કરેલો પરંતુ બૂટલેગરોએ પોલીસ ટીમ પર જ ગાડી ચઢાવી દીધી હતી. જેમાં બે પોલીસ કર્મચારીના મૃત્યુ નીપજ્યાં હતા અને એક જણ ગંભીર રીતે ઘવાયો હતો.
આ ગુનામાં પોલીસે તે સમયે આઠ આરોપીઓ સામે કાવતરું રચીને પોલીસ કર્મચારીઓને મારી નાખવા હેતુપૂર્વક જીપ ચઢાવી દઈ હત્યા કર્યાનો ગુનો નોંધ્યો હતો.
ગુનામાં કમળારામનું પણ નામ ખૂલ્યું હતું પરંતુ આજ દિન સુધી તે ઝડપાયો નહોતો. જો કે, હવે બે દાયકા બાદ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|