કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલાથી ટેન્કરમાં કાચું સોયાબીન તેલ ભરીને ગાંધીનગરના છત્રાલમાં ડિલિવરી આપવા નીકળેલા ડ્રાઈવરે ૩૩.૩૮ લાખનું ૨૮ ટન તેલ કાઢી લઈને માળિયા પાસે ટેન્કરને પલટી ખવડાવી તેલ ઢોળાઈ ગયું હોવાનો પ્રપંચ રચ્યાનો બનાવ બહાર આવ્યો છે. કંડલા મરીન પોલીસે ટેન્કર ડ્રાઈવર સામે ગુનાહિત કાવતરું રચીને, મળતિયાઓની મદદથી ૨૮ ટન તેલ કાઢી લઈ સગેવગે કરીને નિયત સ્થળે માલ ના પહોંચાડી વિશ્વાસઘાત કર્યાના આરોપ તળે ગુનો દાખલ કર્યો છે. આરોપી લાલાભાઈ દાનાભાઈ ભરવાડ (રહે. કાનમેર, રાપર) ૩૦ ઑગસ્ટના રોજ કંડલાથી ૪૨ ટન ડિગમ સોયાબીન તેલ ટેન્કરમાં ભરીને છત્રાલ જવા નીકળેલો. બીજા દિવસે પરોઢે સાડા ચાર વાગ્યે માળિયા નજીક વરસાદી નાળામાં ટેન્કર પલટી ખાઈ ગયેલું. ટ્રાન્સપોર્ટરે સ્થળ પર દોડી જઈ તપાસ કરતાં ટેન્કરમાંથી રહ્યુંસહ્યું ૧૩.૭૧ ટન તેલ મળી આવેલું અને બાકીનો જથ્થો ઢોળાઈ ગયો હતો.
સ્થળ પર ઢોળાયેલા તેલની માત્રા ઓછી જણાતાં ટ્રાન્સપોર્ટરે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.
જીપીએસના આધારે ચેક કરતા જણાયેલું કે ડ્રાઈવર કંડલાથી ટેન્કર લઈને નીકળ્યો ત્યારબાદ વરસાણા રામદેવ પીર મંદિર પાસે મહાદેવ ઢાબા પાછળ એક કલાક સુધી ટેન્કર સાથે રોકાયો હતો.
ત્યાં જઈ તપાસ કરાતા જમીન પર કાચાં સોયાબીન તેલનું નાનું ખાબોચિયું અને ટેન્કરના ટાયર માર્ક જોવા મળ્યાં હતા.
ડ્રાઈવરે પાર્સલ લેવા રોકાયો હોવાનો કરેલો ખુલાસો શંકાસ્પદ જણાયો હતો. એટલું જ નહીં, જ્યારે ટેન્કર પલટી મારી ગયું ત્યારે તેની સ્પીડ કલાકના આઠથી દસ કિલોમીટરની હતી. ટેન્કરનો આગળનો કાચ અકબંધ હાલતમાં હતો. ટ્રાન્સપોર્ટર સુનીલ ધનજી ડાંગરે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Share it on
|