કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ઔદ્યોગિકરણના પગલે જમીનોના ભાવ ઉત્તરોત્તર વધી રહ્યાં છે. પરિણામે, કચ્છ બહાર દેશ-વિદેશમાં સ્થાયી થયેલાં જમીન માલિકોને અંધારામાં રાખી, બારોબાર બોગસ દસ્તાવેજો બનાવીને બહુમૂલ્ય જમીનો હડપ કરી જવાના કૌભાંડો આચરાય છે. કેટલાંક કૌભાંડોમાં મહેસુલ કર્મચારીઓ પણ સંડોવાયેલાં છે. પશ્ચિમ કચ્છમાં આવી ત્રણ જુદી જુદી ઘટનાઓ બહાર આવી છે અને તે મામલે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. વાંચો વિગતે. મહેસુલ શાખાના પૂર્વ ક્લાર્ક સામે ફરિયાદ
કલેક્ટર કચેરીની મહેસુલ શાખામાં ભૂતકાળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી ગયેલા એ.બી. કરેણ વિરુધ્ધ માપણી વધારા મામલે કલેક્ટરના ચીટનીસનો ખોટો પત્ર બનાવી, માપણી વધારો નિયમિત કરતો કલેક્ટરની ખોટી સહીવાળો બોગસ હુકમ જારી કરીને કૌભાંડ આચર્યું હોવાનો મામલો બહાર આવ્યો છે. ભુજ ગ્રામ્યના મામલતદાર અરુણ શર્માએ કરેણ વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ઠગાઈના હેતુ બોગસ દસ્તાવેજો બનાવવા સબબના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
અંજારના સ્કેમમાં પણ ક્લાર્કની સંડોવણીની શંકા
ભુજની ભાગોળે હરિપર પાસે સરદાર પટેલનગરમાં રહેતા લક્ષ્મણભાઈ વિશ્રામભાઈ રાઘવાણીએ ફેબ્રુઆરી માસમાં ભુજના રતિયા ગામે સર્વે નંબર ૨૦૬વાળી જમીનમાં બે એકર ૩૧ ગુંઠાનો માપણી વધારો નિયમિત કરી આપવાનો ૧૭ એપ્રિલના રોજ કલેક્ટરે કરેલા લેખીત હુકમની નકલ સાથે અરજી રજૂ કરેલી. અરજી સાથે કલેક્ટર ચીટનીસનો પત્ર, બે લાખ રૂપિયા ભર્યાનું ચલણ, કલેક્ટરે માપણી વધારા અંગે કરેલા આખરી હુકમ વગેરે દસ્તાવેજો જોડેલાં.
કંઈક ખોટું થયું હોવાનું ધ્યાને આવતા નાયબ કલેક્ટરે બુધવારે મામલતદારને તપાસ કરવા હુકમ કરેલો. તપાસ કરાતાં કલેક્ટર કચેરીની મહેસુલ શાખાના તત્કાલિન ક્લાર્ક એ.બી. કરેણ જ બોગસ સહીઓ સાથે આ હુકમો અને પત્રોનું રેકર્ડ કોમ્પ્યુટરમાં જનરેટ કર્યું હોવાનું સ્પષ્ટ થયેલું.
હકીકતે આ ફાઈલ ચીટનીસ પાસે આવી જ નહોતી. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ અંજાર મામલતદારે પણ સિનુગ્રાના એક જમીન માલિક વિરુધ્ધ માપણી વધારા અંગેના ચીટનીસના બોગસ પત્રને રજૂ કર્યો હોવાની ફરિયાદ દાખલ થયેલી. આ કાંડમાં પણ કરેણની સંડોવણી હોવાની શંકા સેવાય છે.
જખૌમાં મૃત માણસને જીવિત દર્શાવી જમીન કૌભાંડ
અબડાસાના જખૌ ગામે આવેલી જમીન મૃત માલિકને ચોપડા પર જીવિત દર્શાવીને બારોબાર હડપ કરી જવાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. વર્ષોથી સિંગાપોર સ્થાયી થયેલાં ૭૭ વર્ષિય મહેશ શાંતિલાલ મોઢ (મહેતા)એ જખૌ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા શાંતિલાલ પરસોત્તમ મોઢ જખૌમાં સર્વે નંબર ૫૫થી ખેતર ધરાવતા હતા. વર્ષોથી તેમના પિતા ભાઈ ભાડુંઓ સહિત સિંગાપોર સ્થાયી થઈ ગયેલાં.
૧૯૮૯માં તેમના પિતાનું સિંગાપોરમાં મૃત્યુ નીપજેલું અને ત્યાં જ તેમની અંતિમ વિધિ કરવામાં આવેલી. ડિસેમ્બર ૨૦૨૪માં મહેશભાઈ જખૌમાં દેવસ્થાનના દર્શને આવેલા અને મામલતદાર કચેરીએ જઈને જમીનના દસ્તાવેજો કઢાવતાં ખબર પડેલી કે તેમના પિતાની આ જમીન તો ૨૦૧૫માં બારોબાર વેચાઈ ગયેલી.
તપાસ કરતા સ્પષ્ટ થયેલું કે જખૌમાં રહેતા પદમશી ઉકેડા નામના શખ્સને શાંતિલાલ તરીકે મામલતદાર કચેરીમાં રજૂ કરાઈને, તેના ફોટો તથા અંગુઠાના બોગસ નિશાનના આધારે આ જમીન ૩૦-૦૪-૨૦૧૫ના રોજ મુંબઈ રહેતા ધરમશી બચુ ભાનુશાલીએ ખરીદી લીધી હોવાની નોંધ પડેલી. આ વેચાણ દસ્તાવેજમાં મુંબઈના કિશોર લક્ષ્મીદાસ ભાનુશાલી અને કાન્તિલાલ ભચુભાઈ ભાનુશાલીએ સાક્ષી તરીકે હાજર રહીને સહીઓ કરેલી. જખૌ પોલીસે ફોર્જરીની ધારાઓ તળે ચારેય લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
ભારાપરમાં ભાણેજે જ બોગસ દસ્તાવેજો બનાવ્યાં
ભુજ તાલુકાના કેરા ગામે રહેતી ૭૮ વર્ષિય વાલબાઈ કાનજીભાઈ વરસાણીએ તેમની નાની બહેનના પુત્રએ કાવતરું રચીને બોગસ સોગંદનામા મારફતે વડીલોપાર્જીત જમીન હડપ કરવા પ્રયાસ કર્યો હોવાની ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાલબાઈએ જણાવ્યું કે તેમના પિતા નાથા ગોવિંદ કણબી ભારાપર ગામે સીમ સર્વે નંબર ૮/૧૨ અને ૧૦/૧ જમીન ધરાવતા હતા.
૨૦૦૬માં નાથાભાઈનું નિધન થતાં સીધી લીટીના વારસદાર તરીકે આઠ ભાઈ બહેનના નામ ચોપડે ચઢ્યા હતા. ૨૦૧૨માં નાની બહેન લખીબેનનું નિધન થતાં તેની ત્રણ દીકરી અને બે પુત્રોના નામ વારસદાર તરીકે ચઢ્યાં હતા.
દરમિયાનલ ૨૦૨૨ ૨૦૨૩માં લખીબેનના પુત્ર લાલજી નારણ હિરાણીએ ભુજના નોટરી રાજેશ્વરી રાવલ પાસે જમીનના હક્કો લાલજી નારણ હિરાણીની તરફેણમાં જતા કરતા હોવાના વાલબાઈ, બહેન રતનબેન, ૨૦૧૫માં મૃત્યુ પામેલાં ભાઈ ધનજી નાથા કણબીના બોગસ સોગંદનામા તૈયાર કરાવીને મામલતદાર કચેરીમાં રજૂ કરીને નોંધ પડાવવા પ્રયાસ કરેલો. પોલીસે લાલજી વિરુધ્ધ ફોર્જરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|