click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2025, Thursday
Home -> Bhachau -> Conman Saint Tricks Farmer into Losing 52 Lakh with Buried Wealth Ploy
Thursday, 18-Sep-2025 - Dudhai 2882 views
‘ઘરનું ધન વાડીમાં દાટો, ડબલ થશે’ ઢોંગી મહંતના ભરોસે ખેડૂતે અડધા કરોડનું ધન ખોયું
કચ્છખબરડૉટકોમ, દુધઈઃ ભચાઉ તાલુકાના સંગમનેર ગામના ૬૧ વર્ષિય પરસોત્તમ મનજીભાઈ છાભૈયા (પટેલ)ને ઢોંગી મહંત પર ભરોસો રાખવો ભારે પડી ગયો છે. ઘરનું ધન ડબલ કરવાની લાલચમાં પરસોત્તમભાઈએ ઘરમાં હતું તે ૨૨ લાખની રોકડ સહિત તમામ ધન રાતોરાત ગુમાવ્યું છે. દુધઈ પોલીસે બનાવ અંગે ભચાઉના વાદીનગરમાં રહેતા રમેશનાથ ધીરાનાથ વાદી (હાલ રહે. જૂની મોટી ચીરઈ) વિરુધ્ધ વિશ્વાસઘાત, ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને દબોચી લીધો છે.
પિંગલેશ્વર મહાદેવ આશ્રમના મહંત તરીકે પરિચય કેળવેલો

૧૯ ઑગસ્ટની સવારે ફરિયાદી પરસોત્તમભાઈ ગામના મંદિરના ઓટલે બેઠેલાં ત્યારે GJ 12 DS 6789 નંબરની મારુતિ સ્વિફ્ટ કારમાંથી ઉતરીને ભગવા વસ્ત્રો ધારણ કરેલો સાધુ તેમની પાસે આવ્યો હતો. આ સાધુએ પોતે નલિયા પિંગલેશ્વર મહાદેવ આશ્રમનો મહંત હોવાનું અને જૂનાગઢ જતો હોવાનું કહીને ફરિયાદીને કાળો પીવડાવવા કહી પરિચય કેળવેલો. ફરિયાદીએ ઘરેથી કાળો બનાવીને તેને પીવડાવેલો. કાળો પીને આ સાધુ રવાના થયેલો અને જતી વખતે ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવી લીધેલો.

મને તમારું સપનું આવેલું, ખેતરમાં વિધિ કરવી પડશે

બીજા દિવસે આ મહંતે ફરિયાદીને ફોન કરીને જણાવેલું કે ‘રાત્રે મને તમારા વિશે સપનું આવેલું છે. તમારું દુઃખ દૂર કરવા કુદરતે મને નિમિત્ત બનાવ્યો હોય તેવું મને લાગે છે’ સાધુએ ફરિયાદીને તમારા ખેતરમાં વિધિ કરવી પડશે તેમ કહીને એક માટલું, કંકુ, ચોખા, અગરબત્તી વગેરે તૈયાર રાખવા જણાવી પોતે કાલે રૂબરૂ આવીને મળશે તેમ જણાવેલું. બીજા દિવસે ફરિયાદીને ફોન કરીને ગામના પાટિયે બોલાવેલો. ફરિયાદી માટલું અને અન્ય સામગ્રી સાથે તેની કારમાં બેસીને તેના કહ્યા મુજબ તેને પોતાના સુખપર ગામના સીમાડે આવેલા ખેતરે લઈ ગયેલાં. અહીં ફરિયાદી સાથે સાધુએ ખેતરના શેઢે જઈને ખાડો ખોદાવીને માટલું દટાવેલું અને તેના પર અગરબત્તી કરી મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરેલી.

માટલાં પરની માટી હટાવી તો મૂર્તિઓ, ચાંદીના સિક્કા નીકળ્યાં

સાંજે સાધુએ ફરિયાદીને ફોન કરીને જ્યાં માટલું દાટ્યું છે ત્યાં જઈ માટી હટાવી તપાસ કરવા કહેલું. ફરિયાદીએ માટલાં પરની માટી હટાવી તો ત્યાંથી રાધાકૃષ્ણની મૂર્તિ, શેષનાગવાળા લક્ષ્મીનારાયણની મૂર્તિ અને સિલ્વર કલરના ૧૫ નંગ સિક્કા જોવા મળેલાં. ફરિયાદીએ તુરંત સાધુને ફોન કરતાં તેણે જણાવેલું કે ‘ભગવાન સ્વયં તમારા પર પ્રસન્ન થયાં છે. તમને કંઈક આપવા માગે છે. તમારા ખેતરમાં લક્ષ્મીનો વાસ છે. તમે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા વગેરે ધન આ રીતે વાડીમાં દાટીને રાખશો તો તે ડબલ થઈને બહાર નીકળશે’

ચમત્કાર બતાવીને ઢોંગી સાધુએ આ રીતે મોટો ખેલ પાડ્યો

માટલાંમાંથી મૂર્તિઓ અને ચાંદીના સિક્કા નીકળતાં ફરિયાદી તેને ચમત્કાર માની બેઠેલા. સાધુની વાતોનો ભરોસો કરીને ફરિયાદીએ ઘરમાં ખેતી પાકની આવકના રહેલા ૨૨ લાખ રોકડાં અને ચાર લાખનું સોનાનું મંગળસૂત્ર, ચાર લાખનો માતાનો હાર, પોંચી, ૬.૭૦ લાખની સોનાની ૯ વીંટી, ૧૦ લાખના મૂલ્યનું ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કીટ, દોઢ લાખની ચેઈન વગેરે ઘરેણાં મળી કુલ ૫૨.૨૦ લાખ રૂપિયાની માલમતા ડબ્બામાં મૂકી, વાડીના શેઢે ખાડો કરીને દાટી દીધેલી.

સાધુએ ૧૧ સપ્ટેમ્બર સુધી રોજ સવાર સાંજ અહીં અગરબત્તી કરવા કહેલું તે મુજબ અગરબત્તી કરેલી. ૧૧ સપ્ટેમ્બરે ફરિયાદીએ સાધુને ફોન કરતા તેણે ઉપાડ્યો નહોતો. ફરી ફોન કર્યો તો સ્વિચ ઓફ્ફ થઈ ગયેલો.

શંકા જતા ફરિયાદીએ ખેતરે આવીને દાટેલો ડબ્બો બહાર કાઢીને ચેક કરતાં ડબલ ધન નીકળવાના બદલે જે ધન રાખ્યું હતું તે પણ ગાયબ થઈ ગયું હતું. ફરિયાદીએ આ સાધુનો ફોનમાં ફોટો પાડી લીધો હતો. તેના આધારે પિંગલેશ્વર આશ્રમમાં તપાસ કરતાં આવો કોઈ વ્યક્તિ આશ્રમનો મહંત ના હોવાનું સ્પષ્ટ થયેલું.

તપાસમાં સ્પષ્ટ થયું કે આ ઢોંગી સાધુ મૂળ ભચાઉના વાદીનગરનો અને હાલ ચીરઈ રહેતો રમેશનાથ વાદી છે.

દુધઈ પોલીસે BNS કલમ ૩૧૬ (૨), ૩૦૫,  ૩૩૧ (૩) અને ૩૩૧ (૪) હેઠળ ફરિયાદ દાખલ કરી, પીઆઈ આર.આર. વસાવાએ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપીને પોલીસે દબોચી લીધો છે.

Share it on
   

Recent News  
ભુજના મમુઆરા પાટિયા પાસે સરાજાહેર ભરબપોરે માનકૂવાના યુવકની છરી મારી ઘાતકી હત્યા
 
ભચાઉઃ જૂના કટારીયામાં ૬.૧૮ એકરનું ખેતર પચાવી પાડનારની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ
 
સાળીના માથામાં કુહાડી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર જીજાજીને સાત વર્ષનો કારાવાસ