કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોટા પાયે દારુની હેરફેર, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલા કચ્છના પાંચ બૂટલેગરો સહિત સાત રીઢા બૂટલેગરોએ કરેલી જુદી જુદી નિયમિત જામીન અરજીઓ ભુજ અને ભચાઉ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ભુજની ખાસ કૉર્ટે સ્ટેટ મોનિટરીંગ સેલે દાખલ કરેલા ગુજસીટોકના ગુનામાં ઝડપેલાં ત્રણ બૂટલેગરોની અરજીઓ પણ ફગાવી દીધી છે. ગુજસીટોકના ત્રણ બૂટલેગરો અંદર જ રહ્યાં
રાજસ્થાનથી મોટા પાયે ગુજરાતમાં ઈંગ્લિશ દારૂ ઠાલવવાના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા રાજસ્થાન અને કચ્છના છ બૂટલેગરો વિરુધ્ધ SMCએ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયા બાદ તૌફિક નઝીરખાન મુસલમાન (રહે. ચુરુ, રાજસ્થાન), રામા વજા ભરવાડ (રહે. મેઘપર બોરીચી, મૂળ રહે. પલાસવા, રાપર) અને મહેન્દ્ર ઊર્ફે મેંદો જીવણ મકવાણા (કોલી) (રહે. મૂળ ખાનપર, રાપર)એ ભુજની વિશેષ ગુજસીટોક કૉર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરેલી. જો કે, તૌફિક સામે ગુજરાતના વિવિધ પોલીસ મથકમાં બૂટલેગીંગના ૬, રામા ભરવાડ સામે ૩૧ અને મેંદા વિરુધ્ધ ૧૯ ગુના દાખલ થયેલા હોવાનું, બધા આરોપીઓ સંગઠિત ટોળકી બનાવીને ગુનો આચરતાં હોવાનું, જામીન મળે તો ફરી એ જ ધંધો કરશે તેવી દલીલોના આધારે સ્પે. એન્ડ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ત્રણેની અરજી ફગાવી દીધી છે.
કેરાના અનોપસિંહ સહિત ૪ને પણ જામીનનો ઈન્કાર
SMCએ ગત ૨૨ જૂનના રોજ કેરા ગામે કટિંગ ટાણે રેઈડ પાડીને ૧.૩૮ કરોડના જપ્ત કરેલા ઈંગ્લિશ દારૂના પ્રકરણમાં ઝડપાયેલા કેરાના બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડની જામીન અરજી ભુજના આઠમા અધિક સેશન્સ તુષાર ખંધડીયાએ ફગાવી દીધી છે. આરોપી ગુનાનો સૂત્રધાર હોવાનું, તેની વિરુધ્ધ ૪૨ ગુના નોંધાયેલા હોવા સહિતની દલીલોના ગ્રાહ્ય રાખીને કૉર્ટે જામીન આપવા ઈન્કાર કર્યો હતો.
ગત બીજી જૂનના રોજ રાપર બસ સ્ટેન્ડ નજીક આવેલા કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને પોલીસે પાંચ લાખથી વધુ મૂલ્યના જપ્ત કરેલાં ઈંગ્લિશ શરાબ બિયરના ગુનામાં ઝડપાયેલાં રાપરના રીઢા બૂટલેગર રામદેવસિંહ ઉદુભા જાડેજા અને રામાની અલ્ટો કાર લઈને સાંતલપુરના વૌવા પાસેથી માલ લઈ આવી ડિલિવરી આપનાર રીઢા બૂટલેગર પ્રદીપસિંહ ગંભીરસિંહ સોઢા (રહે. ડાભુંડા, રાપર)એ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર બેઈલ અરજી ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરતભાઈ લાલચંદ ચોઈથાણીએ નામંજૂર કરી છે.
એ જ રીતે, લાકડીયા પોલીસે હાઈવે પર આવેલી હોટેલ બળિયા દેવમાંથી જપ્ત કરેલા ૩૨ હજારના ઈંગ્લિશ શરાબના ગુનામાં માલ સપ્લાય કરનારા ગાંધીધામના રીઢા બૂટલેગર દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડીની જામીન અરજી પણ ભચાઉ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે.
Share it on
|