કચ્છખબરડૉટકોમ, માળિયાઃ કચ્છ મોરબી હાઈવે પર સૂરજબારી બ્રિજથી થોડેક આગળ જતા દેવ સૉલ્ટ પાસે ગત રાત્રે સર્જાયેલા ટ્રિપલ એક્સિડેન્ટ અને ત્યારબાદ ભભૂકી ઉઠેલી આગમાં મીઠીરોહરના ૧૫ વર્ષના બે આહીર કિશોરો સહિત ચાર જણ ભુંજાઈ જતા અરેરાટી છવાઈ ગઈ છે. મૃતક કિશોરો કચ્છના આહીર પરિવારોના અન્ય સહપાઠીઓ સાથે જૂનાગઢની શાળામાં ભણતાં હતા અને રક્ષાબંધન તથા સાતમ આઠમના તહેવાર મનાવવા ઘરે પાછાં ફરતાં હતા પરંતુ રસ્તામાં ટાંપીને બેઠેલાં કાળનો કોળિયો બની ગયાં હતા.
આ રીતે સર્જાયો હતો ટ્રિપલ એક્સિડેન્ટ
માળિયા મિંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે પોણા નવના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. GJ-12 BX-8482 નંબરની કન્ટેઈનર ટ્રક કચ્છથી પૂરપાટ મોરબી તરફ જતી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં મોરબીથી કચ્છ તરફ જઈ રહેલી RJ-07 GD-0612 નંબરની ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. એક્સિડેન્ટથી બચવા રાજસ્થાન પાસિંગની ટ્રકના ચાલકે કાવો મારીને ટ્રકને સાઈડમાં લેવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનની ટ્રકની પાછળ રહેલી અર્ટિગા કાર પણ ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી.
કચ્છ આવતી કારમાં ૭ કિશોરો હતા સવાર
ચાંદ્રોડાના શાંતિલાલ વેલજીભાઈ આહીર તેમની અર્ટિગા કાર લઈને જૂનાગઢ બાજુ ગયેલા અને પાછાં ફરતાં જૂનાગઢની પી.એમ. ચાવડા હાઈસ્કુલમાં ધોરણ નવમાં ભણતાં મીઠીરોહરના રુદ્ર ગોપાલભાઈ હદાભાઈ ગુજરીયા (આહીર), જૈમિન જગદીશભાઈ બાબરીયા, ક્રિષ્ના રમેશભાઈ જરુ, શિવમ્ નારણભાઈ બકુત્રા, ક્રિષ્ના ગોપાલભાઈ જરુ, મીત રમેશભાઈ બાબરીયા, વિષ્ણુ દેવરાજભાઈ ડાંગર એમ સાત છોકરાઓને લઈ કચ્છ પરત ફરતાં હતા.
રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોની છોકરાઓ પરિવાર સાથે ઉજવણી કરે તે હેતુથી તેઓ તેમને લઈ પરત ફરતાં હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
દુર્ઘટનામાં રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા અને જૈમિન જગદીશભાઈ બાબરીયા (બંનેની ઉ.વ. ૧૫, રહે. મીઠીરોહર, ગાંધીધામ)ના કારમાં ફસાઈને ભીષણ આગમાં ગંભીર રીતે બળી જવાથી મૃત્યુ નીપજ્યાં હતા. બંને બાળકો એટલી હદે બળી ગયાં હતા કે તેમના મૃતદેહની ઓળખ કરવી પણ અઘરી થઈ ગઈ હતી. દુર્ઘટનામાં કારના ચાલક શાંતિલાલ અને અન્ય બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.
ટ્રકના ડ્રાઈવર ક્લિનર પણ બચવાની તક ના મળી
અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને બચવા માટે તક મળી નહોતી. ટ્રકના ડ્રાઈવર શિવરામ મંગલારામ નાઈ અને ક્લિનર કિશન રામલાલ નાયક (બંને રહે. બિકાનેર, રાજસ્થાન) બેઉના ભુંજાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. એકનો ભડથું થઈ ગયેલો મૃતદેહ ટ્રકના દરવાજા પાસે લટકતી હાલતમાં મળ્યો હતો.
આગ લાગવાનું કારણ આ હોઈ શકે છે
માળિયાના પીઆઈ ડી.કે. દરબારે કચ્છખબરને જણાવ્યું કે અર્ટિગા કાર સીએનજી સંચાલિત હતી પરંતુ આગ રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી લીકેજ થયેલા ડીઝલના લીધે ફાટી નીકળી હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રક લોખંડની રેલિંગ સાથે ઘસડાતાં તણખાં ઝરતાં ડીઝલે આગ પકડી લીધી હશે અને પળ બે પળમાં જ વાહનો ભીષણ આગની જ્વાળામાં લપેટાઈ ગયાં હશે. દુર્ઘટનાના પગલે મોરબી અને ભચાઉથી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને મોડી રાત્રે આગ બૂઝાવી હતી.
Share it on
|