કચ્છખબરડૉટકોમ, માંડવીઃ નકલી પોલીસ બનીને માંડવીમાં નિર્દોષ લોકોને હની ટ્રેપ કરી અથવા ખોટાં કેસોમાં ફસાવવાની ધમકી આપી તોડ કરતા ત્રગડીના બૂટલેગરને અંદરખાને એક અસલી પોલીસવાળો સપોર્ટ કરતો હતો! નકલી પોલીસ બનીને તોડ કરતા શક્તિસિંહ ભરતસિંહ જાડેજાએ દોઢેક વર્ષ અગાઉ માંડવીના શિરવા ગામે રહેતા ૬૩ વર્ષિય વૃધ્ધ જોડે ૧.૪૨ લાખની ખંડણી વસૂલી હતી તે ગુનામાં માંડવી પોલીસે ૫૪ વર્ષિય ASI રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે. જાણો કઈ રીતે વૃધ્ધને નિશાન બનાવાયો હતો
૨૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ શિરવા ગામના છગનલાલ મીઠુભાઈ ચાંદ્રા (ભાનુશાલી)એ માંડવી પોલીસ મથકે ત્રગડીના શક્તિ અને શિરવાના કિશોર ઊર્ફે પપ્પુ કંસાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલી. કિશોર ઊર્ફે પપ્પુ છગનલાલને ‘મિત્રએ મસ્કા રોડ પર પાર્ટી પ્લોટ બનાવ્યો છે અને તેનું ઓપનીંગ છે, આપણે થોડીકવાર માટે જઈ આવીએ’ એમ કહીને રુદ્રના રિસોર્ટ ખાતે લઈ આવેલો. પપ્પુએ ફરિયાદીને એક રુમમાં બેસાડેલો અને દારૂની બાટલી મૂકી ગયો હતો. થોડીવાર બાદ નકલી પોલીસ શક્તિસિંહ અને અસલી પોલીસ રુદ્રએ રૂમમાં આવીને ફરિયાદીને પોલીસ તરીકે ઓળખ આપી, મારકૂટ કરી, દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૬૦ હજારનો તોડ કરેલો. બાદમાં અવારનવાર વિવિધ બહાને છગનલાલને ફોન કરીને આરોપીઓએ ટુકડે ટુકડે ૧.૪૨ લાખની ખંડણી વસૂલી હતી.
આરોપી પોલીસવાળાનો ભૂતકાળ રહ્યો છે વિવાદી
આ ગુનામાં જે-તે સમયે પપ્પુ અને શક્તિ વિરુધ્ધ ગુનાહિત કાવતરું રચી, નકલી પોલીસ બનીને ખંડણી વસૂલવા સહિતની કલમો તળે નામજોગ ગુનો દાખલ થયેલો. તપાસમાં રુદ્ર પણ સંડોવાયેલો હોવાનું સ્પષ્ટ થતા માંડવી પોલીસે તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભચાઉનો રહેવાસી આ પોલીસવાળો અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ફરજ દરમિયાન વિવિધ કારણોસર ઉચ્ચ અધિકારીઓની નજરે ચઢી ચૂકેલો છે અને તેની જિલ્લા બહાર બદલીઓ થયેલી છે. હાલ તે બનાસકાંઠાના થરામાં ફરજ બજાવે છે. તેની ધરપકડ અને અસલિયત અંગે પોલીસે માહિતી છૂપાવવા હવાતિયા માર્યા હતા.
Share it on
|