click here to go to advertiser's link
Visitors :  
29-May-2025, Thursday
Home -> Gandhidham -> Suspended ASI arrested in 6 year old quality case of IMFL registered in Bhachau
Wednesday, 27-Dec-2023 - Gandhidham 60723 views
૨૧.૫૮ લાખનો દારૂ જે ડમ્પરમાં કટિંગ થતો હતો તે ડમ્પર ASI કિરીટ ઝાલાએ મોકલેલું!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મુંદરામાં સ્મગલિંગથી લવાયેલી સોપારીનો જથ્થો સીઝ કરવાની ધમકી આપી ૩.૭૫ કરોડનો તોડ કરવાના ગુનામાં ફરાર સસ્પેન્ડેડ ASI કિરીટસિંહ બળદેવસિંહ ઝાલાની ભચાઉમાં નોંધાયેલાં ૨૧.૫૮ લાખના દારૂના ગુનામાં ધરપકડ કરાઈ છે. કિરીટે ગઈકાલે ભચાઉ કૉર્ટમાં સરન્ડર કર્યાં બાદ ભચાઉના દારુના ગુનાની તપાસ કરી રહેલી પૂર્વ કચ્છ એલસીબીએ તેનો કબજો મેળવ્યો હતો. આજે વિધિવત્ ધરપકડ કરી આરોપીને કૉર્ટમાં રજૂ કરાયો હતો. કૉર્ટે કિરીટના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
દારૂના કટિંગ માટે કિરીટે ડમ્પર મોકલેલું

૦૫-૦૧-૨૦૧૮ના રોજ ભચાઉ પોલીસે ચોબારી નજીક અમરસરના રણ વિસ્તારમાં ખારી બાવળોની ઝાડીની ઓથે રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી ડમ્પરમાં ઈંગ્લિશ શરાબના થતાં કટિંગ સમયે દરોડો પાડેલો. પોલીસને જોઈ કટિંગ કરી રહેલાં ચાર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયેલાં. પોલીસે RJ-19 GC-6867 નંબરની ટ્રક અને GJ-03 BT-3314ના બે ચાલક અને બે અજાણ્યા શખ્સ મળી ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. ટ્રક અને ડમ્પરમાંથી પોલીસે ૨૧.૫૮ લાખનો શરાબ જપ્ત કર્યો હતો. ડમ્પરમાંથી પોલીસને બે મોબાઈલ ફોન મળ્યાં હતાં. ગુનાની તપાસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરતાં કિરીટની સંડોવણી ખૂલી હતી. ટ્રકમાં રહેલો દારૂ જે ડમ્પરમાં ભરાતો હતો તે ડમ્પર કિરીટે ધાણેટીથી મોકલાવ્યું હોવાનું બહાર આવતા ગુનામાં તેને આરોપી બનાવાયો હતો. તે સમયે કિરીટ આર.આર. સેલમાં ફરજ બજાવતો હતો અને ધાણેટી ખાતે શૈલેન્દ્રસિંહ સોઢા સાથે ભેગો મળીને પેટ્રોલ પંપ ચલાવતો હતો.

છ વર્ષ સુધી કિરીટ સામે કોઈ પગલાં ના લેવાયાં

૨૦૧૮ના દારૂના ગુનામાં પોલીસ રેકર્ડ પર કિરીટની સત્તાવાર સંડોવણી સ્પષ્ટ થયાં બાદ પણ આ કેસમાં પોલીસે કિરીટની પૂછપરછ કરવાની કે ધરપકડ કરવાની હિંમત દાખવી નહોતી. એટલું જ નહીં, કોઈ અધિકારીએ કિરીટ વિરુધ્ધ એક્શન લીધાં નહોતાં અને નવા આઈજી આવતાં કિરીટ ફરી પાછો રેન્જમાં ગોઠવાઈ ગયો હતો. સૂત્રોના દાવા મુજબ કિરીટ અને ભાણુભાએ ભેગાં મળીને અગાઉ ઘણાં ખેલ કરેલાં છે અને આગામી દિવસોમાં તે અંગે પણ ગાળિયો કસાય તેવી શક્યતા છે.

તોડકાંડમાં ત્રણ આરોપી ઝડપાઈ ચૂક્યાં છે

મુંદરા પોલીસ મથકે ૧૦-૧૦-૨૦૨૩ના રોજ કિરીટ સહિત સાયબર ક્રાઈમ પોલીસ મથકના ચાર પોલીસ કર્મચારીઓ અને બે વચેટિયા સહિત ૬ લોકો સામે અપહરણ, ખંડણી તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તળે ગુનો દાખલ થયો હતો. આરોપીઓએ ૧૩-૦૪-૨૦૨૩ના રોજ મુંદરામાં ટ્રક પકડ્યાં બાદ ગોડાઉન મેનેજરનું અપહરણ કરી તોડ પેટે પોણા ચાર કરોડ રૂપિયામાં મામલો સેટલ કર્યો હતો. એપ્રિલના અંતિમ સપ્તાહમાં મામલો રેન્જ આઈજી સમક્ષ પહોંચ્યો ત્યારથી જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. પાછળથી ગુનાની તપાસ કરી રહેલા થરાદ DySP એસ.એમ. વારોતરીયાએ વચેટિયા પંકિલ મોહતા, કિરીટના ભાણિયા ક્રિપાલસિંહ વાઘેલા અને શૈલેન્દ્રસિંહ ઊર્ફે ભાણુભા જાડેજાની ધરપકડ કરી હતી. ત્રણે હાલ પાલારા જેલમાં છે.

Share it on
   

Recent News  
ગાંધીધામ DGGIએ નવતર આર્થિક સ્કેમનો કર્યો પર્દાફાશઃ દિલ્હીના બે શખ્સોની ધરપકડ
 
કચ્છની ૪૦૭ પંચાયતોમાં ૨૨ જૂને ચૂંટણીઃ અનેક ગામોમાં વહીવટદાર રાજનો આવશે અંત
 
SMCએ ભુજમાં બીજીવાર દરોડો પાડી ચાલતી કારમાં ઓનલાઈન સટ્ટો રમાડતાં બુકીને ઝડપ્યો