કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામસ્થિત કેન્દ્રીય એજન્સી દિલ્હીથી બે કથિત વેપારીની ધરપકડ કરી ગાંધીધામ લઈ આવી છે. કાગળ પર ગાંધીધામમાં પોતાની વેપારી પેઢી ચાલતી હોવાનું દર્શાવીને ચોખા, બ્રાન ઓઈલ અને કોલસાના ખરીદ વેચાણના બોગસ દસ્તાવેજો, તેના જીએસટી રીટર્ન અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાના ડોક્યુમેન્ટ્સ જનરેટ કરતાં હતાં. ડિરેક્ટર જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI)એ દિલ્હીથી આશિષ વાસુદેવ મદન અને વરુણ લક્ષ્મીનારાયણ ટંડનની ધરપકડ કરી છે.
બેઉને આજે ગાંધીધામના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતાં મેજિસ્ટ્રેટએ બેઉને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. બંને સામે ગાંધીધામ રીજીયોનલ DGGIએ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની કલમ ૧૩૨ (૧) (બી) અને (સી) હેઠળ ગુનો નોંધ્યો છે.
૫૭ વર્ષિય આશિષ મદને મેસર્સ આદમ સ્મિથ કોમોડિટીઝ પ્રા.લિ. અને વરુણ ટંડને વારસુર ઈમ્પેક્સ પ્રા.લિ. નામથી ગાંધીધામમાં પોતાની પેઢીઓ દર્શાવી હતી. જો કે, પેઢીઓના જે સરનામા દર્શાવ્યા હતા ત્યાં તેવી કોઈ પેઢી જોવા મળી નહોતી.
DGGIના આરોપ મુજબ આશિષ મદને ૧૬ કરોડ ૭૯ લાખ અને વરુણ ટંડને ૫૭.૨૬ કરોડના ચોપડા પર વહેવારો દર્શાવ્યાં છે. હકીકતમાં તેઓ કોઈ ચીજવસ્તુનો વેપાર જ કરતાં નહોતાં.
કરોડોની બેન્ક લોન મેળવી હજમ કરવાના કૌભાંડની શંકા
જાણકાર સૂત્રોના મતે આ પ્રકારે ચોપડા પર કરોડો રૂપિયાનો વેપાર દર્શાવી તે પેટે જીએસટી રીટર્ન અને આઈટીસીના ડોક્યુમેન્ટ ઊભાં કરવાનો હેતુ બીજો જ છે. પોતે કરોડોનું ટર્નઓવર ધરાવે છે તેમ દર્શાવી બેઉ જણે હજમ કરી જવાના હેતુથી વિવિધ બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી હોવાની DGGIને આશંકા છે. આ સ્કેમમાં અન્ય આઠથી દસ પેઢીઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ વગેરે ભળેલાં હોવાની આશંકા સેવાય છે. DGGI હાલ વિવિધ બેન્કોમાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. DGGI વતી વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી કૉર્ટમાં હાજર રહ્યા હતા.
Share it on
|