કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના હાજાપર ગામના ૩૧ વર્ષિય યુવકની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરીને કોઈ વાહનમાં ગામના તળાવ પાસે લાશને ફેંકી દેવાઈ હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે મૃતકના મોટા ભાઈએ દસ હજાર રૂપિયાની લેતી-દેતીના મામલે મથડા ગામના યુવાન સામે ભાઈની હત્યાની શંકા દર્શાવી અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યાથી ગુમ થઈ ગયો હતો ગઈકાલે શનિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં લાશ મળી હતી.
ઉછીના રૂપિયા લેવા ગયા બાદ ગુમ થયેલો
મરણ જનાર શબ્બિર અલી જામ (મુસ્લિમ ગરાસિયા) હાજાપર ગામે મોટી બહેન અમીનાના પરિવાર જોડે રહેતો હતો અને છૂટક કડિયા કામ કરતો હતો. મૃતક શબ્બિર અને તેના મિત્ર શબ્બિર જાનમામદ કેવરે અગાઉ મથડા ગામે વાડી વાવનારા અરવિંદ જયંતીભાઈ સથવારાને દસ હજાર રૂપિયા આપેલાં.
શુક્રવારે સવારે ગામના પાંચ સાત મિત્રો જોડે શબ્બિર જુગાર રમવા બેઠેલો. નાણાંની જરુર ઊભી થતાં મૃતક અરવિંદની મોટર સાયકલ લઈ તેની પાસે રૂપિયા લેવા મથડા ગયેલો. ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો.
શબ્બિર ગુમ થઈ જતાં શનિવાર સવારથી બહેન અમીના અને બનેવી નુરમામદ કટીયાએ શોધખોળ શરૂ કરેલી. શનિવારે સવારે ભાણેજ તાલિબે હાજાપરમાં રહેતા મૃતકના ભાઈ રફીકને પણ ફોન કરી મામા ગુમ થયાં હોવાનું અને તેને શોધવા પિતા શબ્બિરના મિત્ર ઓસમાણ ચાકીને લઈને ચંદિયા ગામ બાજુ ગયાં હોવાની જાણ કરેલી. જેથી રફીક પણ એક્ટિવા લઈને ચંદિયા ગયેલો.
અરવિંદ સથવારાને મુખ્ય શકમંદ ગણાવાયો
શબ્બિર અરવિંદ પાસે રૂપિયા લેવા ગયો હોવાનું ઓસમાણ ચાકીએ જણાવ્યું હોઈ રફીક અને નુરમામદે અરવિંદને બોલાવી શબ્બિર વિશે પૂછપરછ કરી હતી. અરવિંદે તેમને એવો જવાબ આપેલો કે શુક્રવારે સાંજે ચારેક વાગ્યાના અરસામાં શબ્બિર તેની પાસે રુપિયા લેવા આવેલો. હું તેને મારા ઘેર લઈ ગયેલો અને મારી પત્નીએ તેને દસ હજાર રૂપિયા આપેલાં. બાદમાં હું શબ્બિરને મારી બાઈક પર ચંદિયા ગામે ઉતારી ગયેલો.
સીસીટીવીમાં ક્યાંય બેઉ જણ દેખાયાં નહીં
અરવિંદ સાચું બોલે છે કે ખોટું તે જાણવા મથડા અને ચંદિયા ગામના માર્ગ પરના સીસીટીવી કેમેરા ચેક કરાતાં આ બેઉ જણ બાઈક લઈને જતા આવતાં હોય તેવું ક્યાંય દેખાયું નથી. ઉલટું, અરવિંદ શુક્રવારે સવારે બે વખત હાજાપરમાં શબ્બિરના ઘેર તેની પૃચ્છા કરવો ગયો હતો.
વાહનમાં લાશને લઈ આવી તલાવડી પાસે ફેંકાઈ
શબ્બિરની ભાળ ના મળતા બહેને અમીનાએ ગઈકાલે સાંજે પધ્ધર પોલીસ મથકે તેની ગુમ નોંધ લખાવી હતી અને બે ત્રણ કલાક બાદ આઠ વાગ્યાના અરસામાં ગામની રાતી તલાવડી પાસે લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ મળી આવી હતી.
પધ્ધરના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સંદિપસિંહ એન. ચુડાસમાએ જણાવ્યું કે મૃતકની છાતી, પેટ, પીઠ, માથા, હાથ અને ગળા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઝનૂનપૂર્વક સાત ઘા મારેલાં જોવા મળ્યાં હતા.
લાશથી થોડેક દૂર લોહીના ધાબા જોવા મળેલાં છે, લાશને ઢસડીને અહીં લવાઈ હોય તેવા લિસોટા જોવા મળ્યાં છે તથા મીની લોડિંગ ટેમ્પો જેવા વાહનના ટાયરના પણ નિશાન જોવા મળ્યાં છે. શબ્બિરની હત્યા કરીને લાશને વાહનમાં લાવી અહીં ફેંકી દેવાઈ હોય તેવી આશંકા છે.
અરવિંદ અને જુગારી મિત્રોની ચાલે છે પૂછપરછ
મૃતકના મોટા ભાઈ રફીકે મોડી રાત્રે આપેલી મર્ડરની ફરિયાદ દાખલ કરીને પોલીસે અરવિંદ સથવારા તથા શબ્બિર જોડે જુગાર રમવા બેઠેલાં પાંચથી સાત મિત્રોને બોલાવી સઘન પૂછપરછ શરૂ કરી છે. સ્થળ પર હાલ ફોરેન્સિક તજજ્ઞોની ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
Share it on
|