કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દસ દિવસ અગાઉ અંજારના ખેડોઈ ગામની સીમમાં હાઈવે હોટેલ ભાડે લઈને હોટેલની આડમાં હેરોઈન વેચવાનું શરૂ કરનાર પંજાબી હોટેલ સંચાલકને પૂર્વ કચ્છ SOGએ ૭.૧૫ લાખના મૂલ્યના ૧૪.૩૦ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો છે. SOGએ માન કંપની સામે આવેલી ‘હોટેલ મજૈલ 38 વાલેં’ પર રેઈડ કરીને પકડેલો શમશેરસિંઘ ઊર્ફે લવપ્રીતસિંઘ જાટ (ઉ.વ. ૩૭, રહે. તરનતારન, પંજાબ) હોટેલ પર આવતા ટ્રક ડ્રાઈવરોને છૂટક હેરોઈન વેચતો હતો. હેરોઈનને તોળવા એક ડિજિટલ પૉકેટ વજનકાંટો પણ રાખેલો. પોલીસે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે થોડાં દિવસ અગાઉ તરનતારનનો શેરા વીર નામનો શખ્સ તેને હેરોઈન આપી ગયો હતો.
શમશેરસિંઘે હજુ દસ દિવસ અગાઉ જ નાની ખેડોઈના હોટેલ માલિક રવિન્દ્રસિંહ જાડેજા પાસેથી ભાડે હોટેલ રાખી હતી. હજુ હોટેલનો ભાડા કરાર બનાવ્યો નહોતો પરંતુ તેણે છૂટક હેરોઈનનું વેચાણ શરૂ કરી દીધું હતું. જો કે, તેની આ પ્રવૃત્તિની ગંધ સતર્ક SOGને આવી ગઈ હતી.
SOGએ શમશેરના કબજામાંથી હેરોઈન ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન, પોકેટ વજનકાંટો વગેરે જપ્ત કરી તેની અને શેરા વીર વિરુધ્ધ અંજાર પોલીસ મથકે NDPS Actની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે. કામગીરીમાં SOG પીઆઈ ધીરેન્દ્રસિંહ ડી. ઝાલા અને અન્ય સ્ટાફ જોડાયો હતો.
અગાઉ આ હાઈવે હોટેલ સંચાલકો પણ ઝડપાયેલાં છે
ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ એપ્રિલે એસઓજીએ શિકારપુર હાઈવે પર અપના પંજાબ નામની હાઈવે હોટેલ પર દરોડો પાડીને ૬.૨૫ લાખના મૂલ્યના ૧૨.૫૦ ગ્રામના હેરોઈન સાથે પંજાબી હોટેલ સંચાલકની ધરપકડ કરી હતી. તો ૯મી મેના રોજ એસઓજીએ ચોપડવા પાસે આવેલી હોટેલ રામદેવના સંચાલકને ૪.૮૫ લાખના ૯.૫૦ ગ્રામ એમડી ડ્રગ્ઝ સાથે ઝડપ્યો હતો.
ડ્રગ્ઝનું દૂષણ ઔદ્યોગિકરણની આડઅસર છે
ભૂકંપ બાદ થયેલા ઔદ્યોગિકરણના પગલે કચ્છમાં લાખ્ખોની સંખ્યામાં સ્થાયી થયેલાં પરપ્રાંતીયોના વસવાટ અને ટ્રાન્સપોર્ટના લીધે સતત થતી આવાગમનના કારણે ડ્રગ્ઝનું દૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને, પૂર્વ કચ્છ અને મુંદરાની અનેક હાઈવે હોટેલ પર દેશી વિદેશી દારૂ અને ડ્રગ્ઝનું વેચાણ સેવન થઈ રહ્યું છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે ડ્રગ્ઝના વેચાણ અને વપરાશકર્તાઓમાં પણ ચોક્કસ પ્રકારનું પ્રાંતીય વૈવિધ્ય જોવા મળે છે!
Share it on
|