click here to go to advertiser's link
Visitors :  
11-Jun-2026, Thursday
Home -> Gandhidham -> Sri Lanka Link Unearhed in Gandhidham Cyber Fraud 105 Mule Accounts Busted
Wednesday, 10-Jun-2026 - Gandhidham 1027 views
ગાંધીધામમાં સાયબર ફ્રોડ માટેના મ્યૂલ એકાઉન્ટસના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અભણ અને જરૂરતમંદ લોકોને આઠથી બાર હજાર રૂપિયા કમિશન આપીને, તેમના નામે બેન્ક ખાતાઓ ખોલાવી, મોબાઈલ સીમકાર્ડ કઢાવી વિદેશમાં સાયબર માફિયાઓને ભાડે આપવાના મ્યૂલ એકાઉન્ટસ નેટવર્કનો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામનો કનૈયાલાલ ઠક્કર ઊર્ફે કિંગ ડેવિડ અને તેનો પાર્ટનર દીપક ઠક્કર ૩ વચેટિયા મારફતે અંજારના વીડી ગામના એક ફાર્મ હાઉસમાંથી લોકલ નેટવર્કનું સંચાલન કરતાં હતા. બેન્ક ખાતાંની કીટ કર્ણાટકના મેંગ્લોર અને ત્યાંથી શ્રીલંકા મોકલી દેવાતી હતી.
યુવકને હેરાન કરાતાં કૌભાંડ બહાર આવ્યું

ગાંધીધામમાં રહેતા સાહિલ માવજીભાઈ મહેશ્વરી નામના એક યુવકે સાયબર ક્રાઈમ પોલીસને કરેલી એક અરજીની ઝીણવટભરી તપાસમાં મ્યૂલ એકાઉન્ટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાહિલે પોલીસને જણાવેલું કે તેના નામે કોટક બેન્કમાં ચાલતા એક બેન્ક ખાતામાં ૧૫ લાખ જમા થયા બાદ આ ખાતું સાયબર પોલીસે ફ્રીઝ કરાવી દીધું છે. આ ખાતું તેણે જયનીત ભરતભાઈ કન્નર (રહે. કિડાણા સોસાયટી, ગાંધીધામ)ના કહેવાથી ખોલાવેલું. ખાતું ઓપરેટ કરવા માટે જે મોબાઈલ સીમ નંબર મેળવાયો હતો તે નંબરનો જયનીત ઉપયોગ કરે છે.

ખાતું અનફ્રીઝ કરાવી રકમ ઉપાડી લેવા માટે જયનીતના મિત્ર જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા (રહે. મેઘપર બોરીચી, અંજાર)એ સાહિલને પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપેલી.

૧૫ લાખ રૂપિયા કોઈ ગુનાહિત કામગીરીથી આવ્યા હોવાનું શંકા રાખીને સાહિલે રૂપિયા ઉપાડવાનો ઈન્કાર કરી દીધેલો. જેથી જયરાજસિંહે તેને રૂપિયા ઉપાડવા માટે હેરાન પરેશાન કરવાનું શરૂ કરતાં તેણે પોલીસને અરજી આપેલી.

આ રીતે એક પછી એક નામ ખૂલતાં ગયાં

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે જયનીત કન્નરે સાહિલને આઠ હજાર રૂપિયા કમિશન આપીને તેના નામના આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફના આધારે બેન્ક ખાતું ખોલાવેલું. પોલીસે જયનીતને ઉપાડીને પૂછપરછ કરતાં જયનીતે ઘટસ્ફોટ કર્યો કે કોટક બેન્કમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો દિવ્યરાજસિંહ અનિરુધ્ધસિંહ રાણા (રહે. ગજાનંદ પાર્ક, મેઘપર બોરીચી. મૂળ રહે. સુરેન્દ્રનગર) તેનો મિત્ર છે. દિવ્યરાજે આઠ હજાર રૂપિયા કમિશન આપવાની લાલચ આપીને તેના નામનું તથા તેના સર્કલના સાહિલ જેવા અન્ય મિત્રો સહિત ૩૦થી ૪૦ લોકોના જુદી જુદી બેન્કોમાં ખાતાં ખોલાવ્યાં છે. જયનીતે ૧૨ હજાર રૂપિયામાં રાજસ્થાનના કમલેશ બિશ્નોઈ નામના શખ્સને પણ પોતાનું બેન્ક ખાતું ભાડે આપેલું.

વચેટિયા અને કમિશન એજન્ટની મલ્ટિલેવલ ચેનલ

પોલીસે દિવ્યરાજસિંહને પકડીને પૂછપરછ કરી તો બહાર આવ્યું કે તેની સાથે જયરાજસિંહ રાણા અને રાજભા ગાંડુજી વાઘેલા (રહે. વર્ધમાનનગર સોસાયટી, ગળપાદર) પણ આ રીતે વચેટિયાઓ મારફતે ભાડે બેન્ક ખાતાઓ મેળવતા હતા. ત્રણે જણને બેન્ક ખાતાદીઠ ૧૫ હજાર કમિશન મળતું. જયરાજે ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા (રવેચીનગર-2, અંતરજાળ) અને શબ્બિર અકબર લુહાર (રહે. મોમાયનગર, અંતરજાળ) મારફતે  વ્યક્તિગત પેઢી અને વેપારી પેઢીના નામે કરંટ બેન્ક ખાતાં પણ ખોલાવેલાં. કરંટ બેન્ક ખાતા બદલ તેમને વીસથી પચાસ હજાર સુધીનું કમિશન મળતું.

ગાંધીધામનો કિંગ ડેવિડ અને પાર્ટનર સૂત્રધાર

મ્યૂલ એકાઉન્ટ્સની મલ્ટિલેવલ ચેનલનો રેલો પહોંચ્યો ગાંધીધામના કનૈયાલાલ ઠક્કર ઊર્ફે કિંગ ડેવિડ અને તેના પાર્ટનર દીપક ઠક્કર સુધી. દિવ્યરાજ, જયરાજ અને રાજભા વચેટિયાઓ મારફતે બેન્ક ખાતાઓ ખોલાવી જે કીટ મેળવે તે કીટ, સીમ કાર્ડ કૂરિયરથી મેંગ્લોર, કર્ણાટક મોકલી દેવામાં આવતા. અહીંથી આ કીટ અને સીમ કાર્ડ શ્રીલંકા મોકલાતા હતા.

કનૈયાલાલ વરચ્યુઅલ વિદેશી નંબરથી ત્રણે મુખ્ય વચેટિયાઓના સંપર્કમાં રહેતો. ત્રણે જણને કનૈયાલાલે કમિશન પેટે આંગડિયા અને ઓનલાઈન પેમેન્ટથી મોકલેલી લાખો રૂપિયાની રકમના હિસાબો પોલીસને મળ્યાં છે.

કનૈયાલાલના વિદેશી વર્ચ્યુઅલ નંબરોથી બે જુદાં જુદાં વોટસએપ ગૃપ ચાલે છે. તેમાં બેન્ક ખાતાઓની કીટ, કમિશનના ટ્રાન્ઝેક્શન અંગેના હિસાબો તથા ચેટ્સ જોવા મળી છે. એક વોટસએપ ગૃપમાં સાયબર પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલાં બેન્ક ખાતાઓની વિગતો છે. કનૈયાલાલ અને દીપક અંજારના વીડી પાસે આવેલા એક ફાર્મ હાઉસમાંથી મ્યૂલ એકાઉન્ટનું નેટવર્ક ઓપરેટ કરતાં હોવાનું બહાર આવ્યું છે.

૧૦૫ ખાતાંમાં ૪૩.૯૩ કરોડ જમા થયાં

પોલીસની ગહન તપાસમાં આરોપીઓએ જુદી જુદી બેન્કોમાં કુલ ૧૦૫ ખાતાં ખોલાવ્યાં હોવાનું અને તેમાં કુલ ૪૩ કરોડ ૯૩ લાખ ૮૦ હજાર ૧૧૩ રૂપિયા જમા થયાં હોવાનું બહાર આવ્યું છે. આ ૧૦૫ ખાતાં પૈકી ૯૦ બેન્ક ખાતાંઓમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડથી રકમ જમા થઈ હોવાનું અને તે અંગેની ફરિયાદો દાખલ થઈ હોવાનું બહાર આવ્યું છે.

ચાર પકડાયાં, ચાર હજુ નાસતાં ફરે છે

પોલીસે ગુનો નોંધીને દિવ્યરાજ, જયનીત કન્નર, ચિરાગ ઝાલા અને શબ્બિર લુહારની ધરપકડ કરી લીધી છે. જયરાજ, રાજભા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર હજુ હાથ લાગ્યા નથી. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાનુશંકર વી. બોરીસાગર, પીએસઆઈ એચ.બી. કોવાડિયાએ ‘ઓપરેશન મ્યૂલ હંટ 2.0’ હેઠળ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસનો રેલો હજુ અન્ય અનેક લોકો સુધી લંબાય તેવી શક્યતા છે.

Share it on
   

Recent News  
‘મારી બાઈક પર પેશાબ કર્યો એટલે મેં મારી નાખ્યો!’ અંજારમાં યુવકની ઘાતકી હત્યા
 
આડેસરમાં દારૂની ખેપ મારતાં ભુજનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાયોઃ સીક લીવ પર ઉતરેલો
 
ધાર્મિક વિધિથી દુઃખ દૂર કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગ માટે પોલીસ બની નડતર!