click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2026, Saturday
Home -> Gandhidham -> Speeding Car Driven Kills Two Injures Two on Gandhidhams Tagore Road Last Night
Saturday, 07-Feb-2026 - Gandhidham 33083 views
ગાંધીધામના ટાગોર રોડ પર બેફામ કારે બેનો જીવ લીધો, બે ઘાયલઃ ૪ ફરજંદોની અટક
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ટાગોર રોડ પર ગત મધરાત્રે માલેતુજાર ફરજંદોની પૂરઝડપે જતી બેફામ કારે આગળ દ્વિચક્રી વાહનો પર જઈ રહેલાં ચાર યુવકોને ટક્કર મારી બે જણને મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી ગઈ છે.
Video :
અકસ્માત સર્જનારી મારુતિ ફ્રોન્ક્સ કારમાં સવાર ચાર યુવકો દારૂના નશામાં ધુત હોવાનું અને કારમાંથી દારૂની બાટલી મળી હોવાનો સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. અકસ્માતના પગલે એકઠાં થઈ ગયેલાં લોકોએ કારમાંથી યુવકોને કાઢીને મેથીપાક આપ્યો હતો.
પૂરઝડપે જતી કારે સર્જ્યો ભયંકર અકસ્માત

બનાવ અંગે પ્રાથમિક વિગતો જણાવતા ઈન્ચાર્જ ડીવાયએસપી સાગર સાંબડાએ કહ્યું કે મધરાત્રે બે વાગ્યાના અરસામાં રોટરી સર્કલ નજીક ટાગોર રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરઝડપે જતી કારે આગળ જતી એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા સવાર બે યુવકોનાં ગંભીર ઈજાથી મોત નીપજ્યાં હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા સવાર એક યુવક ઉછળીને નીચે પટકાઈ ગાડી નીચે કચડાયો હતો. પૂરઝડપે જતી કારના ચાલકે એક્ટિવાને ટક્કર માર્યાં બાદ આગળ જતી અન્ય એક મોટર સાયકલને પણ ટક્કર મારી હતી. જેમાં બે યુવકો ઘાયલ થયાં છે.

ત્યારબાદ કાર ડિવાઈડર સાથે ટકરાઈને ઉપર ચઢી ગઈ હતી. જેમાં ડિવાઈડર પર લાગેલો વીજ થાંભલો પણ ધરાશાયી થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર કારમાં સવાર ચારે જણને પોલીસે દબોચી લીધાં છે.

મહેશ્વરીનગરના બે યુવકોના ઘટનાસ્થળે મોત

દુર્ઘટનામાં મહેશ્વરીનગરમાં રહેતા ભાવિક ભાણજીભાઈ પાતારીયા (ઉ.વ. ૨૫) અને કલ્પેશ સુમાર ફફલ (ઉ.વ. ૧૭)ના સ્થળ પર મૃત્યુ નીપજ્યાં હતા. બેઉના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ ખસેડાયાં હતા. બનાવની જાણ થતાં મહેશ્વરી સમાજના આગેવાનો અને લોકો સવારે રામબાગ હોસ્પિટલે દોડી ગયાં હતા અને એક તબક્કે આરોપીઓ સામે કડક કલમો તળે ગુનો નોંધી ચારેયની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહોનો કબજો લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

બર્થ ડે ઉજવીને નીકળ્યો ને મોત મળ્યું

રામબાગમાં હાજર ભાવિક પાતારીયાના સ્વજનો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ભાવિક માટે તેનો પચ્ચીસમો જન્મ દિવસ મરણનો દિવસ બની રહ્યો. મધરાત્રે બાર વાગ્યે ભાવિકે બર્થ ડેની ઉજવણી કરેલી અને મંડપ ડેકોરેટર્સનો ધંધો હોઈ આંબેડકર ભવનમાં આયોજીત કાર્યક્રમ માટે એલઈડી લાઈટ્સ લગાડવા નીકળ્યો હતો. રસ્તામાં કાળ નડી ગયો હતો.

અકસ્માત સર્જનાર ડ્રાઈવર સહિત ચારે રાઉન્ડઅપ

પોલીસે જણાવ્યું કે કાર નીતિન ગોસ્વામી નામનો યુવક હંકારતો હતો અને કારમાં મનીષ ખેમચંદાણી, દીપક દુલાણી તથા તરુણ રીઝવાણી એમ અન્ય ત્રણ યુવકો સવાર હતા. એક્સિડેન્ટ બાદ બે યુવકો ભુજ તરફ નાસી ગયાં હતા પરંતુ પોલીસની એક ટીમે તેમને દબોચી લીધાં છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

સાપરાધ મનુષ્ય વધ તળે નોંધાયો ગુનો

અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી, ચારેય યુવકો નશામાં હતા કે કેમ તે સહિતના મુદ્દે સજ્જડ પુરાવા એકત્ર કરવા પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરી બ્લડ સેમ્પલ મેળવ્યાં છે. પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમ ૧૦૫, ૨૮૧, ૧૨૫ મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તળે દાખલ કર્યો છે. 

Share it on
   

Recent News  
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
 
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી