click here to go to advertiser's link
Visitors :  
25-May-2026, Monday
Home -> Gandhidham -> Someone Load the Liquor and Someone Brought it to Kutch LCB Unaware of the Receiver
Monday, 25-May-2026 - Gandhidham 937 views
દારૂ કોઈકે ભર્યો ને કોઈક ખાલી કરવા કચ્છ લઈ આવ્યો! સ્થાનિક રીસીવર અંગે LCB અજાણ!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના પડાણા પાસે આવેલી હોટેલ મીની પંજાબના પ્રાંગણમાં પાર્ક થયેલા રાજસ્થાન પાસિંગના ટ્રેલરમાંથી LCBએ ૯.૫૩ લાખનો વ્હિસ્કી અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. લોખંડના ભૂકાની આડમાં રાજસ્થાનના સાંચોરથી દારૂ લવાયો હતો. એટલું જ નહીં, કચ્છમાં દારૂની ડિલિવરી કરવા અને પોલીસ પર નજર રાખવા ક્રેટા કારમાં અન્ય ત્રણ જણાં પણ સાથે આવેલાં. પોલીસે ટ્રેલર ડ્રાઈવર અને કારમાં સવાર ત્રિપુટી સહિત ચારે જણની ધરપકડ કરી છે.
માલ મોકલનારો ગુરુવારે પકડાઈ ગયેલો

લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૯.૫૩ લાખનો દારૂ લઈ આવનાર ટ્રેલર ડ્રાઈવર હનુમાનરામ જાંગુ (જાટ)ને પૂછ્યું તો તેણે જણાવ્યું કે ૧૯ મેના રોજ ફલોદીમાં શંભુસિંહ હરિસિંહ રાઠોડ (રાજપૂત)એ ટ્રેલરમાં શરાબ ભરાવી આપીને કચ્છમાં પહોંચતો કરવા જણાવેલું. પરંતુ, ૨૧ મેની સવારે શંભુસિંહને લાકડીયા પોલીસે ૪૯ હજારના બિયરના જથ્થા સાથે ઝડપી પાડેલો. શંભુએ એક માસથી લાકડીયામાં ગુરુકૃપા હોટેલ ભાડા પર ચલાવવા લીધેલી. લાકડીયાના બૂટલેગર શેરમામદ રાઉમાના કહેવાથી તે એક ટ્રેલરના ટૂલ બોક્સમાં બિયરના ટીન છૂપાવીને હોટેલ પર લઈ આવેલો પરંતુ શંભુ અને ટ્રેલર ડ્રાઈવર પકડાઈ ગયેલાં.

ડિલિવરી કરવા ડ્રાઈવરના મિત્રો જોડાયાં

શંભુ પકડાઈ જતા ડ્રાઈવર હનુમાન ટ્રેલર લઈને સાંચોર જતો રહેલો. ત્યારબાદ તેણે તેના મિત્ર હરિરામ કુલડીયા (જાટ)ને આ અંગે વાત કરેલી. ટ્રેલરમાં રહેલો દારૂ કચ્છમાં ખાલી કરાવવા અને પોલીસનું ધ્યાન રાખવા માટે હરિરામ તેના બે મિત્રો રવિન્દ્રસિંહ કર્નોદ (રાઠોડ) અને ત્રિલોક ગોદારા સાથે ક્રેટા કારમાં ટ્રેલરનું પાયલોટીંગ કરવા સાથે આવ્યો હતો. આ કામગીરી બદલ ત્રણે જણને ૧૦ હજાર રૂપિયા મળવાના હતા.

રીસીવર કોણ? પાયલોટીંગનો ખર્ચો કોણ દેવાનું હતું?

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરેલી ફરિયાદ પરથી સવાલ એ ઊભો થાય છે કે દારૂનો આ જથ્થો કચ્છમાં કોને અને ક્યાં આપવાનો હતો? સપ્લાયર તો હાલ કસ્ટડીમાં છે! દારૂ કોણ રીસીવ કરવાનો છે તે જોયાં જાણ્યા વગર આ રીતે પાયલોટીંગ સાથે ચાર જણાં દારૂ લઈને રાજસ્થાનથી કચ્છ સુધી આવે તે વાત કોઈને હજમ ના થાય. 

ડ્રાઈવર હનુમાન અથવા તેના મિત્ર હરિરામને રીસીવર અંગે જાણકારી ના હોય તેવું બને ખરું? પરંતુ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ લોકલ રીસીવર અંગે અજાણ છે! શંભુની પૂછપરછમાં ખબર પડશે તેમ જણાવે છે.

ક્રેટા કાર લઈને આવેલા લોકોને દસ હજારનું મહેનતાણું કોણ ચૂકવવાનું હતું? તે અંગે પણ કશો ખુલાસો નથી! શંભુ સહિત પકડાયેલાં તમામ રાજસ્થાની યુવકો ૨૦થી ૨૬ વર્ષના છોકરડાં છે. માલ મોકલનાર અને રીસીવર વાસ્તવમાં મોટા ગજાના બૂટલેગરો હોવાની અટકળો છે.

Share it on
   

Recent News  
માંડવીના સલાયામાં પિતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને પુત્રએ ૭૦ લાખની ઠગાઈ કરી
 
આમ આદમી પાર્ટીનો કચ્છ ઝોનના પ્રમુખ સહિત ત્રણ જણ ખંડણી અને લૂંટના ગુનામાં ઝડપાયાં
 
અંજારમાં અડધી રાતે રહેણાકમાં ત્રાટકી પોલીસે ૨.૫૦ લાખનો ૫ કિલો ગાંજો જપ્ત કર્યો