કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં હાઈવે હોટેલો ઢાબા પર ચાલતાં નશાના કારોબારનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભચાઉના શિકારપુર નજીક સામખિયાળી મોરબી હાઈવે પર આવેલી હોટેલ ‘અપના પંજાબ’ પર ચાલતાં ડ્રગ્ઝના છૂટક વેચાણનો પર્દાફાશ કર્યો છે. ૫૪ વર્ષિય હોટેલ સંચાલક બલવિન્દરસિંઘ જયમલસિંઘ ૬.૨૫ લાખના ૧૨.૫૦ ગ્રામ હેરોઈન સાથે ઝડપાયો છે. બલવિન્દર ભાડેથી હોટેલ ચલાવતો હતો અને અહીં આવતાં ગ્રાહકોને હેરોઈનનું છૂટક વેચાણ કરતો હતો. તેના કબજામાંથી પોલીસે ૧.૧૨ લાખ રોકડાં રૂપિયા, હેરોઈનનું વજન કરવા માટે વપરાતો પોકેટ ડિજીટલ વજનકાંટો વગેરે મુદ્દામાલ કબજે કરી સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૨૪માં એસઓજીએ લાકડીયા નજીક હાઈવે હોટેલ ચલાવતાં સન્નીસિંઘે પંજાબથી તેની પત્ની, સાળા અને મિત્રને ૧.૪૭ કરોડના મૂલ્યનું ૧૪૭ ગ્રામ કોકેઈન કારમાં છૂપાવીને કચ્છ મોકલેલાં. આ અગાઉ અંજારના ખેડોઈ નજીક હાઈવે હોટેલમાં ચાલતાં ડ્રગ્ઝકાંડનો પણ પર્દાફાશ થઈ ચૂકેલો છે. કામગીરીમાં પીઆઈ ડી.ડી. ઝાલા, પીએસઆઈ વી.પી. આહીર, એએસઆઈ આશિષ ભટ્ટ અને અશોક સોંધરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ઘરાણાની વાડીમાંથી પાંચ લાખનો શરાબ જપ્ત
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભચાઉના ઘરાણા ગામના સીમાડે વાડીમાં છૂપાવાયેલો ૫ લાખ ૫ હજાર ૭૫૨ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. રીઢા લિસ્ટેડ બૂટલેગર રામજી જીવા વરીયા (રહે. ઘરાણા) અને જુસબ સુલેમાન ગગડા (રહે. લાકડીયા)એ વેચાણ હેતુ માલ મગાવીને વાડીમાં છૂપાવ્યો હોવાની બાતમીના પગલે LCBએ દરોડો પાડ્યો હતો. સ્થળ પર શરાબના રખોપા માટે રહેલો કિશોર ઝડપાયો હતો પરંતુ બેઉ બૂટલેગર હાજર મળ્યાં નહોતાં. કામગીરીમાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|