કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છમાં હાઈવે પર ધમધમતી અનેક હોટેલો અને ઢાબા પર ખૂલ્લેઆમ દેશી વિદેશી દારૂથી લઈ ડ્રગ્ઝ સુધીના નશાનો સામાન વેચાય છે. પોલીસે ભૂતકાળમાં અનેકવાર આવી હોટેલો ઢાબા પર દરોડા પાડી નશીલા પદાર્થો જપ્ત કરેલાં છે. ત્યારે, લાકડીયા નજીક આવેલી એક હોટેલનો માલિક કોકેઈનના કેસમાં SOGના રડાર પર આવ્યો છે, તે સૂત્રધાર હોવાની પોલીસને આશંકા છે. SOGએ પંજાબી દંપતી સહિત ચાર સ્ત્રી પુરુષોની ૧.૪૭ કરોડના મૂલ્યના ૧૪૭ ગ્રામ કોકેઈન સાથે ધરપકડ કરી છે. કારના એર ફિલ્ટર નીચે છૂપાવેલું કોકેઈન ઝડપાયું
ગુરુવારે સાંજે SOGની ટીમ અને લાકડીયા પોલીસ હાઈવે પર સંયુક્ત રીતે પરપ્રાંતથી કચ્છમાં પ્રવેશી રહેલા વાહનોને ચેક કરતી હતી તે સમયે ભારત હોટેલ પાસે મઢી ત્રણ રસ્તે હરિયાણા પાસિંગની એક ઈકો સ્પોર્ટસ કાર નજરે ચઢી હતી. કારમાં બે મહિલા અને બે પુરુષ સવાર હતાં.
પોલીસે કારનું બોનેટ ખોલાવી તલાશી લેતાં એર ફિલ્ટર નીચે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલાં ક્રીમ રંગના ગાંગડા મળી આવ્યાં હતાં.
સૌને લાકડીયા પોલીસ મથકે લઈ જવાયાં હતાં. એફએસએલ અધિકારીને બોલાવીને ચેક કરાતાં આ ગાંગડા કોકેઈન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ૧.૪૭ કરોડ રૂપિયાનું ૧૪૭.૬૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. ઝડપાયેલાં ચાર સહિત કુલ પાંચ સામે લાકડીયા પોલીસ મથકે એનડીપીએસની વિવિધ ધારા તળે ગુનો દાખલ કરાવાયો છે. કામગીરીમાં SOG PI ડી.ડી. ઝાલા, PSI વી.પી. આહીર વગેરે જોડાયાં હતાં.
સન્નીએ કાર આપી પત્નીને કચ્છ મૂકી આવવા કહેલું
કાર હંકારી રહેલા હનિસિંઘને પોલીસે પૂછ્યું તો તેણે કારમાંથી મળેલા ડ્રગ્ઝ અંગે કથિત અજાણતા દર્શાવી જણાવ્યું કે કાર સન્નીસિંઘ ઊર્ફે ગુલવંતસિંઘ હજુરાસિંઘ શીખે આપીને તેની પત્ની સુમન ઊર્ફે જશપાલકૌરને સામખિયાળી મૂકી આવવા જણાવેલું.
સન્ની લાકડીયા પાસે ભાડેથી હોટેલ આશિષ સિધ્ધુ સરદાર પંજાબી હોટેલનું સંચાલન કરે છે અને સામખિયાળીમાં રહે છે. સન્નીના કહેવા મુજબ સુમનને મૂકવા માટે કારમાં સાથે તેનો ભાઈ સંદિપસિંઘ અને સંદિપની પત્ની અર્શદીપકૌર જોડાયાં હતાં.
તમામ આરોપીઓ પંજાબના ભટિંડાના અલગ અલગ ગામના રહેવાસી છે. સુમનની જડતી લેતાં તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. પોલીસે પાંચ લાખની કાર, ૮૦ હજારના કુલ ૬ ફોન વગેરે ગુનાકામે જપ્ત કર્યાં છે.
સન્ની અને હનીસિંઘ હત્યાના પ્રયાસના ગુનાના આરોપી
સન્ની કચ્છમાં ડ્રગ્ઝ સપ્લાય અને રીટેઈલ સેલના રેકેટમાં સામેલ હોવાની પોલીસને આશંકા છે. જો કે, તે હાથ લાગ્યો નથી. સન્ની અને હનિસિંઘ ૨૦૨૧માં હત્યાના પ્રયાસના ગુનામાં લાકડીયા પોલીસના ચોપડે ચઢી ચૂકેલાં છે. તો, માંડવીમાં આશિષ મહારાજ નામના યુવકના થયેલાં મર્ડર કેસમાં પણ હનીસિંઘ ઝડપાઈ ગયેલો છે. હત્યાના ગુનામાં વપરાયેલું બાઈક હનિસિંઘના નામે ભટીંડાથી ખરીદાયું હોવાનું તપાસમાં બહાર આવેલું.
૧-૧૧-૨૦૨૧ના રોજ પોતાની હોટેલ આગળ પાર્ક ટ્રકની કેબિનમાં ડોકિયું કરીને ઉતરી રહેલાં લાકડીયાના અલ્તાફ લતીફ ગગડાને ચોર સમજીને સન્ની, હનિસિંઘ સહિત દસેક આરોપીઓએ તેને ધોકા, પાઈપથી ઢોર માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
અલ્તાફ પોતાના ડ્રાઈવર મિત્રને મળવા આવ્યો હતો તેમાં આ લોકોએ તેને ચોર સમજીને રીતસર ઢીબી નાખ્યો હતો.
Share it on
|