કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સુખપર જૂના વાસ ગામે રહેતા ૬૨ વર્ષિય પટેલ વૃધ્ધને હની ટ્રેપ કરી ૬૦ હજાર રુપિયા પડાવી લેવાયા હોવાનો બનાવ બહાર આવ્યો છે. આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરું રચીને વૃધ્ધને મોહજાળમાં ફસાવીને, અંગત પળો માણવા માટે ભુજના રહેણાક મકાનમાં બોલાવીને, ત્રણ નકલી પોલીસ બનીને મારકૂટ કરીને ખોટાં કેસમાં ફીટ કરવાની ધમકી આપીને ત્રણ લાખ માગ્યા હતા. દોઢેક માસ અગાઉની ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનાનો ભોગ બનનાર વૃધ્ધે આપેલી ફરિયાદના આધારે એક્સટોર્શન, આર્મ્સ એક્ટ સહિતની ભારેખમ કલમો તળે ત્રણ મહિલા સહિત પાંચ લોકો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હેમલતા ઊર્ફે સોનુએ વૃધ્ધને મોહજાળમાં ફસાવેલાં
હેમલતા ઊર્ફે સોનુ નામની મહિલાએ પૂર્વ આયોજીત ષડયંત્ર મુજબ સુખપરના પટેલ વૃધ્ધ સાથે પરિચય કેળવીને તેમને પોતાની મોહજાળમાં લપેટ્યા હતા.
ત્યારબાદ ભુજના ગીતા કોટેજીસમાં ભુસરા નામની મહિલાના ઘરે એકાંત માણવા માટે લઈ ગઈ હતી.
રૂમની અંદર સોનુએ ફરિયાદીના વસ્ત્રો કાઢી નાખ્યા હતા અને ત્યાં જ પ્લાન મુજબ કમલેશ વર્મા તથા ભગવત રાણા નામના બે નકલી પોલીસ કર્મચારીએ એન્ટ્રી કરી હતી. બેઉ નકલી પોલીસે તેમના ડંડા વડે ફરિયાદીને માર માર્યો હતો. કમલેશ નામના નકલી પોલીસે કમરે લટકતી રિવોલ્વર બતાવીને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી.
પતાવટના નામે ૩ લાખ માગી ૬૦ હજાર પડાવ્યા
વૃધ્ધે મારા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ભુસરાએ બેઉ પોલીસવાળા સમક્ષ જણાવતાં બેઉ નકલી પોલીસવાળાએ ફરિયાદીને બળાત્કારના ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
બાદમાં આ ટોળકીએ મામલાની પતાવટ કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
વૃધ્ધે મારી પાસે તાત્કાલિક આટલા રુપિયાની સગવડ નહીં થાય તેમ કહીને પોતાની પાસે હાલ રોકડાં દસ હજાર રૂપિયા હોવાનું અને ઘરે જઈને હાથ પર પડેલા પચાસ હજાર રૂપિયા આપવાનું કહેલું. જેથી આરોપીઓએ રોકડાં દસ હજાર મેળવી તેમના ઘરે જઈને વધુ પચાસ હજાર રૂપિયા લઈને કુલ ૬૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા.
ટોળકીએ જો બાકીના રુપિયા નહીં આપે તો અમે સોશિયલ મીડિયા પર તારા ફોટા અને વીડિયો વાયરલ કરી દઈશું તેમ કહીને ધમકી આપી હતી.
આ ગુનામાં બૉબ્ડ કટ વાળ ધરાવતી એક અજાણી નકલી મહિલા પોલીસ કર્મીએ પણ ભૂમિકા ભજવી હતી. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે હની ટ્રેપ ગેંગને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માંડવીના એક યુવકને આ જ મોડસ ઓપરેન્ડીથી નકલી પોલીસ બનીને હની ટ્રેપ કરવાના નોંધાયેલા ગુનામાં પણ દહીસરા ગામની હેમલતા નામની યુવતીનું નામ આરોપી તરીકે બહાર આવ્યું છે.
Share it on
|