કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના હાજાપર ગામના ૩૧ વર્ષિય યુવકની છરી વડે ઘાતકી હત્યા કરવાના ગુનામાં જેના પર શંકા દર્શાવાઈ હતી તે મૃતક શબ્બિરનો મિત્ર અરવિંદ જ હત્યારો નીકળ્યો છે. મરણ જનાર શબ્બિર અલી જામની દસ હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે ગામના મિત્ર અરવિંદ જેન્તી સથવારા જોડે માથાકૂટ થતાં તેણે તેને પતાવી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મરણ જનાર શબ્બિર જામ અને તેના મિત્ર શબ્બિર કેવરે અરવિંદને ઉછીના દસ હજાર રૂપિયા આપ્યાં હતા. શુક્રવારે ગામમાં મિત્રો જોડે જુગાર રમવા બેઠેલો મૃતક નાણાંની જરૂરિયાત ઊભી થતાં નજીકના મથડા ગામે વાડી વાવનાર અરવિંદ પાસે બાઈક લઈને રૂપિયા લેવા ગયો હતો. તે સમયે અરવિંદ જોડે માથાકૂટ થયેલી.
રૂપિયા ના મળતાં શબ્બિરે અપમાનજનક વેણ ઉચ્ચારી અઘટિત માંગણી કરતાં અરવિંદને લાગી આવ્યું હતું. જેથી મનમાં રોષે ભરાયેલો અરવિંદ તેને મારી નાખવાના હેતુથી બાઈક પર હાજાપર ગામની તલાવડી પાસે લઈ આવ્યો હતો અને છરી વડે તેની હત્યા કરી નાખી હતી.
બીજા દિવસે શબ્બિરના મોટા ભાઈ અને બનેવીએ પૂછપરછ કરતાં અરવિંદે પોતે તેને દસ હજાર રૂપિયા આપી દીધાં હોવાનું તથા બાઈક પર ચંદિયા ગામે તેને મૂકી ગયો હોવાનું જૂઠ્ઠું બોલેલો પણ સીસીટીવી ફૂટેજમાં બેઉ ક્યાંય ના દેખાતાં તેના પરની શંકા સુદ્રઢ થઈ હતી. ગુનાની તપાસ કરનારા પધ્ધરના ઈન્ચાર્જ પીઆઈ સંદિપસિંહ ચુડાસમા, રેગ્યુલર પીઆઈ અમૃતભાઈ પરમાર અને એસઓજી પીઆઈ કુલદિપ ગઢવીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પુરાવા એકત્ર કરીને અરવિંદની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો.
સ્થળ પર મળેલા ટાયરના લિસોટાના નિશાન મીની લોડીંગ વાહનના હોવાની પોલીસને શંકા હતી પરંતુ તપાસમાં તે મોટર સાયકલના ટાયર માર્ક હોવાનું ખૂલ્યું હતું.
Share it on
|