કચ્છખબરડૉટકોમ, ભુજઃ યુવકને મરવા માટે મજબૂર કરવાના ગુનામાં ૮ માસથી નાસતી ફરતી એક મહિલા આરોપીએ સેશન્સ કૉર્ટમાં અગાઉ રીજેક્ટ થઈ હોવા છતાં સતત બીજી વખત આગોતરા જામીન અરજી દાખલ કરતા ભુજની વકીલ આલમમાં ચર્ચા છેડાઈ ગઈ છે. જો કે, ગુનાની ગંભીરતાને અનુલક્ષીને સેશન્સ કૉર્ટે બીજી વખત થયેલી જામીન અરજી પણ ફગાવી દીધી છે. જાણો શો હતો મરવા મજબૂર કરવાનો એ કેસ
મુંદરાની ખાનગી શિપિંગ કંપનીમાં નોકરી કરતા ૩૩ વર્ષિય નિખિલ પરેશભાઈ જોશીએ ગત ૧૦-૧૧-૨૦૨૪ના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નિખિલની આત્મહત્યાના ૧૫ દિવસે તેણે લખેલી મરણચિઠ્ઠી મળી આવી હતી.
માય સ્યુસાઈડ નોટના નામે સાત પાનાંની સ્યુસાઈડ નોટમાં નિખિલે પોતાની આત્મહત્યા માટે પત્ની કિરણ D/o હિતેશભાઈ જેઠવા, પત્નીના પ્રેમી એવા મુંદરા તાલુકા યુવા ભાજપના મહામંત્રી કિરણ ચુનીલાલ રાજગોર, પત્નીની મુંબઈ રહેતી સહેલી નિધિ કિરીટભાઈ જોશી અને નિધિની માતા નીતાબેન વગેરે પોતાને સતત માનસિક ત્રાસ આપતાં હોવાનું, છૂટાછેડાં આપવા દબાણ કરતાં હોવાની વિગતો લખી હતી. જેના આધારે મુંદરા પોલીસે ચારે આરોપી વિરુધ્ધ ૨૭-૧૧-૨૦૨૪ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે જે-તે સમયે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી પરંતુ નિધિ જોશી નામની ૨૫ વર્ષિય મહિલા આરોપી આજ દિન સુધી નાસતી રહી છે.
બીજી જામીન અરજી પણ મેરિટ પર રીજેક્ટ
નિધિ જોશીએ ધરપકડથી બચવા માટે ભુજ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી. જેને ૦૬-૦૧-૨૦૨૫ના રોજ ભુજના તત્કાલિન સાતમા અધિક સેશન્સ જજ એમ.એ. પંડ્યાએ ફગાવી દીધી હતી. ત્યારબાદ નિધિએ બીજી વખત આગોતરા મેળવવા જામીન અરજી કરેલી જેને સોમવારે ભુજના આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ પણ રીજેક્ટ કરી દીધી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
આરોપી એક જ કૉર્ટમાં બબ્બેવાર આગોતરા કરી શકે?
નિધિ જોશીએ સેશન્સ કૉર્ટમાં બીજીવાર કરેલી આગોતરા જામીન અરજીને લઈને ભુજની વકીલ આલમમાં ભારે ચર્ચા છેડાઈ ગઈ છે. સામાન્યતઃ સેશન્સ કૉર્ટ આગોતરા જામીન અરજી રદ્દ કરે તો આરોપી પાસે ફક્ત હાઈકૉર્ટ કે સુપ્રીમ કૉર્ટ જેવી વડી અદાલતો સમક્ષ અરજી કરવાનો વિકલ્પ બચતો હોવાનું મનાય છે.
પૂર્વ જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે ‘જ્યારે સેશન્સ એકવાર આગોતરા જામીન અરજી રીજક્ટ કરે ત્યારબાદ જો આરોપી બીજીવાર ફરી એ જ કૉર્ટમાં આગોતરા જામીન અરજી કરે તો તે કૉર્ટમાં ટકવાપાત્ર (મેઈન્ટેનેબલ) જ નથી હોતી’
વર્તમાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને ભુજના સીનિઅર અધિવક્તા આર.એસ. ગઢવીએ આ મુદ્દાને જટિલ ગણાવતાં કહ્યું કે ‘જો કેસના સંજોગોમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન (Change of Circumstances) થાય તો આરોપી ફરી સેશન્સ સમક્ષ એન્ટીસિપેટરી બેઈલ એપ્લિકેશન ફાઈલ કરી શકે છે’
કાયદાની નજરે ‘ચેન્જ ઑફ સર્કમ્સ્ટન્સીઝ’ એટલે શું?
કાયદાની પરિભાષામાં ‘ચેન્જ ઑફ સર્કમ્સ્ટન્સીઝ’ એટલે એવું પરિવર્તન કે કેસની તપાસમાં આરોપીની નિર્દોષતા અથવા ગુનામાં ભજવેલી ભૂમિકાની ગંભીરતા ઓછી થાય તેવા કોઈ નવા પુરાવા કે તથ્યો મળે, સહઆરોપીની તપાસમાં કોઈ નોંધપાત્ર ડેવલોપમેન્ટ થાય કે કેસની કાયદાકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવે યા આરોપી કોઈ ગંભીર બીમારીમાં સપડાય વગેરે. જો કે, ગોસ્વામી ‘ચેન્જ ઑફ સર્કમ્સ્ટન્સીઝ’નો મુદ્દો ધરપકડ થઈ જેલમાં રહેલા આરોપીઓની નિયમિત બેઈલ એપ્લિકેશનમાં લાગુ પડતો હોવાનો મત ભારપૂર્વક વ્યક્ત કરે છે.
હુકમમાં ઉપરોક્ત મુદ્દે કશી જ છણાવટ નથી
ભુજના અધિક સેશન્સ જજે સોમવારે નિધિ જોશીની જે સક્સેસીવ બેઈલ એપ્લિકેશન રીજેક્ટ કરી તે હુકમને ઝીણવટપૂર્વક વાંચતા કેસની સુનાવણીમાં વકીલોએ આ અરજી બીજી વખત ફાઈલ થઈ હોવાનું કે ‘ચેન્જ ઑફ સર્કમ્સ્ટન્સીઝ’ના મુદ્દે કોઈ ચર્ચા કરી હોય અને જજે તે મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હોય તેવું ક્યાંય વર્તાતું નથી. નિધિ જોશીની બીજી જામીન અરજી પણ જાણે કે ફ્રેશ અરજી હોય તે રીતે દલીલો થયેલી હોવાનું અને ગુનાની ગંભીરતા, પ્રકાર, આરોપીની ભૂમિકાને અનુલક્ષીને કૉર્ટે અરજી ફગાવી દીધી હોવાનું લખેલું છે.
Share it on
|