કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ અંજારના વરસામેડીના જમીન કૌભાંડની જેમ લાકડીયામાં પણ એક ચોંકાવનારું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. જમીન માલિકની જાણબહાર ખોટા દસ્તાવેજો મારફતે બારોબાર ખેતીની જમીનની વેચસાટ કરી દેવાઈ છે. ૨૦૨૪માં આ ખેતર બારોબાર વેચાઈ જતાં જમીન માલિક ચોંકી ઉઠ્યો હતો. કલેક્ટરના હુકમ બાદ છ શખ્સો સામે લાકડીયા પોલીસ મથકે લેન્ડગ્રેબિંગ તળે ગુનો દાખલ થયો છે. મોરબીના શનાળા રોડ પર રહેતા ૬૩ વર્ષિય પ્રાણજીવન ઊર્ફે પરેશ સવજીભાઈ પટેલ (કાંજીયા)એ ૧૯૯૮માં લાકડીયાના ભચુભાઈ સુરાભાઈ છેડા પાસેથી લાકડીયાની સર્વે નંબર ૭૯વાળી ૪ હેક્ટર ૧૬ આરે ૭૧ ચોરસ મીટર ખેતીની જમીન ખરીદી હતી. ધંધા વ્યવસાય અર્થે પ્રાણજીવનભાઈ મોરબી સ્થાયી થઈ ગયેલાં. અવારનવાર તે વતનમાં આંટો મારી જતા હતા.
આ રીતે બારોબાર પચાવી પડાયું કિંમતી ખેતર
ભૂમાફિયાઓએ ખેતરને લગતાં અસલ દસ્તાવેજો ગુમ થઈ ગયાં હોવાની રાજકોટના અખબારમાં જાહેરાત પ્રસિધ્ધિ કરાવવા ૨૦૦૬માં નોટરી પાસે ફરિયાદીના નામનું બોગસ સોગંદનામું તૈયાર કરાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીની હયાતીમાં, ખોટા સોગંદનામા અને ખોટા ફોટા લગાડીને સહભાગીદાર તરીકે તેમના પુત્ર પરેશનો હક્ક દાખલ કરાવાયો હતો.
હકીકતમાં ફરિયાદીને પરેશ નામનો કોઈ પુત્ર જ નથી. ૨૦૨૩માં ફરિયાદીએ સ્વેચ્છાએ જમીનનો હક્ક હિસ્સો પુત્રની તરફેણમાં જતો કર્યો હોવાનું વધુ એક બોગસ સોગંદનામું તૈયાર કરાયું હતું. જેના આધારે જમીનમાંથી ફરિયાદીનું નામ કમી કરી દેવાયું હતું.
૧૨-૦૭-૨૦૨૪ના રોજ પરેશે આ જમીન પાંચ લાખ રૂપિયામાં લાકડીયાના વલીમામદ અબ્દુલ રાઉમાના નામે વેચાણ દસ્તાવેજ લખી આપ્યો હતો. જેમાં સાક્ષી તરીકે કિશન ઈન્દ્રકુમાર ભાર્ગવ (રહે. બાડમેર) અને નેકમામદ હાજી ત્રાયા (રહે. શિકારપુર)એ સહીઓ કરી હતી.
છ લોકો સામે લેન્ડગ્રેબિંગ તળે ગુનો દાખલ
આયોજનબધ્ધ રીતે ષડયંત્ર રચીને ભૂમાફિયાઓ બોગસ દસ્તાવેજોથી જમીન બારોબાર હડપ કરી જતાં ફરિયાદીએ લેન્ડગ્રેબિંગ તળે કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિમાં રજૂઆત કરી હતી. સુનાવણીના અંતે કલેક્ટરે આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવવા હુકમ કરતા ફરિયાદીએ પરેશ પટેલ નામથી બોગસ પુત્ર બનનાર અજાણ્યા શખ્સ, અસલ દસ્તાવેજો ગુમ થયા અંગેનું નોટરાઈઝ્ડ સોગંદનામું તૈયાર કરનાર અજાણ્યા શખ્સ, જમીનમાં પરેશનું નામ દાખલ કરવા અને પોતાનું નામ કમી કરવા બોગસ સોગંદનામા કરનાર અજાણ્યા શખ્સ સાથે જમીન ખરીદનાર વલી મામદ રાઉમા, કિશન ભાર્ગવ અને નેકમામદ ત્રાયા વિરુધ્ધ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જે.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|