|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરના શિણાય પાસે બે કારમાં આવેલી ત્રિપુટીએ હાર્ડવેરની દુકાનમાં આગ ચાંપીને, દુકાનદાર પર કાર ચઢાવી હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ભીષણ આગથી વેપારીને ૮૦ લાખનું જંગી નુકસાન થયું છે. ૪૦ વર્ષિય હરેશ ગોપાલભાઈ ભગત આદિપુરના ડીસી ફાઈવમાં રહે છે અને શિણાય નજીક નાયરા પેટ્રોલ પંપ, રાજનગર ખાતે ‘હાર્ડવેર હાઉસ’ નામથી હાર્ડવેર પ્લાયવુડની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રે સવા દસના અરસામાં ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો. ફોન કરનારે દુકાનમાં આગ લાગી હોવાની જાણ કરેલી. હરેશે તત્કાળ દુકાન પર ધસી જઈ, દુકાનના બે પૈકીનું એક શટર ખોલીને અંદર રહેલો માલ આગથી બચાવવા પ્રયાસો શરૂ કરેલાં. આગ લાગતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું અને કોઈકે જાણ કરતાં પાલિકાના બંબાઓએ દોડી આવી આગ ઓલવવાનું કામ શરૂ કરેલું.
આગ ચાંપનાર બે જણ બોલેરોમાં શાંતિથી બેઠેલાં
દોડધામ વચ્ચે દુકાનમાં કામ કરતા સાબીર દાઉદ મીર અને રમજાન દાઉદ મીર નામના માણસો પણ ત્યાં હાજર હતા અને રમજાને ફરિયાદીને જણાવેલું કે ‘દુકાન સામે રોડ પર પાર્ક સિલ્વર કલરની બોલેરોવાળાએ આગ લગાડી છે અને પાછળ રહેલી સ્વિફ્ટ કાર પણ બોલેરો ગાડીવાળાની સાથે જ છે’
ગાડી અટકાવવા પ્રયાસ કરતાં વેપારીને કચડવા પ્રયાસ
રમજાનની વાત સાંભળીને હરેશ તરત બોલેરો પાસે પહોંચ્યો હતો. હરેશને જોઈને બોલેરોમાં બેઠેલાં બે યુવકોએ ગાડીને સ્ટાર્ટ કરેલી. ફરિયાદીએ બોલેરો આગળ ઊભાં રહી ગાડી અટકાવવા પ્રયાસ કરતાં બેઉ જણે તેના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરેલો. ફરિયાદી ખસી જતાં બોલેરોવાળા અને પાછળ સ્વિફ્ટ કારમાં રહેલો યુવક ત્રણે જણ ગાડીઓ હંકારીને ત્યાંથી નાસી ગયેલાં. સદભાગ્યે હરેશને કોઈ ઈજા થઈ નહોતી.
વેપારી ત્રિપુટીમાંથી એકેયને ઓળખતો નથી
હરેશ ભગતે પોલીસને જણાવ્યું કે દુકાનના માલિક અંતરજાળના લહેરીભાઈ ઠક્કર છે અને પોતે ભાડેથી દુકાન ચલાવે છે, જેમાં ત્રણ માણસો કામ કરે છે. આગ લગાડનારાં યુવકોને તે ઓળખતો નથી. તેમણે દુકાનમાં શા માટે આગ લગાડી તે અંગે કશી ખબર નથી. દુકાન બાબતે કોઈ સાથે કશો વાંધો કે તકરાર નથી. ભીષણ આગમાં દુકાનમાં રહેલો મોટાભાગનો માલ સામાન, બે કોમ્પ્યુટર, બે સ્ટેબિલાઈઝર વગેરે ખાખ થઈ જતાં અંદાજે ૮૦ લાખનું જંગી નુકસાન થયું છે.
ભીષણ આગથી વેપારીને ૮૦ લાખનું નુકસાન
આદિપુર પીઆઈ એમ.સી. વાળાએ GJ-12 CD-0732 નંબરની સિલ્વર બોલેરો કેમ્પરમાં બેસેલાં બે જણાં અને GJ-12 CP-1783 નંબરની વ્હાઈટ સ્વિફ્ટ કારમાં સવાર એક સહિત ત્રણ લોકો સામે દુકાનમાં આગ લગાડી ૮૦ લાખનું નુકસાન પહોંચાડી, ગાડી અટકાવવા પ્રયાસ કરતાં મારી નાખવાના હેતુથી દુકાનદાર પર ગાડી ચડાવી ખૂન કરવાનો પ્રયાસ કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કરી ગહન તપાસ હાથ ધરી છે.
Share it on
|