|
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ દ. આફ્રિકાના સેશલ્સની કંપનીમાં નોકરી કરતા માંડવીના યુવકને વતનમાં પરત ફરવું ભારે પડ્યું છે. ગળાના ચાંદાની સારવાર માટે દસ દિવસથી વતન આવેલા યુવક પર અગમ્ય કારણોસર પિતરાઈ ભાઈ અને તેના મામાએ જીવલેણ હુમલો કર્યો છે. ૩૮ વર્ષિય શિવજી માવજીભાઈ ભુડીયા (પટેલ) માંડવીના કલવાણ રોડ પર ભીમાણી સ્કુલ પાસે રહે છે. છેલ્લાં ૬ વર્ષથી તે સેશલ્સ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગળામાં ચાંદા પડ્યાં હોઈ સારવાર કરાવવા માટે ૧૦ દિવસથી તે માંડવી આવ્યો છે. ગઈકાલે મંગળવારે સાંજે પાંચ વાગ્યે શિવજી ૮ વર્ષના પુત્રને એક્ટિવા પર બેસાડી ટ્યુશને મૂકવા ગયેલો. તે સમયે પિતરાઈ ભાઈ નિમેષ નારણ ભુડીયા (રહે. કલવાણ રોડ)એ તેને ફોન કરી દસ દાબેલી પેક કરાવી, બાયપાસ રોડ પર ઊભેલાં તેના મામા સુરેશ હિરાણીને એક્ટિવા પર બેસાડી રૂકમાવતી નદીના પટમાં બોલાવેલો. શિવજી દાબેલી પેક કરાવીને, રસ્તામાંથી નિમેષના મામા સુરેશ હિરાણીને એક્ટિવા પર બેસાડી હનુમાન મંદિર નજીક નદીના પટમાં પહોંચ્યો હતો.
કાવતરું રચી, દાબેલીના બહાને બોલાવી હુમલો કર્યો
નિમેષના હાથમાં ધોકો હતો. શિવજી પાસેથી દાબેલી લઈને તેણે તેને મામાને લઈને પાછો જતો રહેવા કહેલું. શિવજી સુરેશભાઈને બેસાડીને પરત જવા નીકળ્યો ત્યારે નિમેષે સુરેશને બૂમ પાડીને ‘ખંભો ક્યાં રાખ્યો છે? તેવું પૂછેલું. ‘ખંભો આગળ રાખ્યો છે’ તેવો સુરેશભાઈએ જવાબ આપ્યા બાદ નિમેષ ધોકો લઈને એક્ટિવામાં સુરેશભાઈ પાછળ બેસી ગયેલો. થોડેક આગળ જતાં સુરેશે શિવજીનું ગળું દબાવતાં તેણે એક્ટિવા ઊભી રાખી હતી. ત્યારબાદ નિમેષ અને સુરેશે મારી નાખવાના હેતુથી ધોકા વડે શિવજીના માથાં અને મોઢાં પર આડેધડ પ્રહાર કરવાનું શરૂ કરી દીધેલું.
તું સેશલ્સથી અહીં કેમ આવ્યો? કહી ઘાતક હુમલો
શિવજીએ ‘મને કેમ માર મારો છો? તેમ પૂછતાં નિમેષે જણાવેલું કે ‘તું સેશલ્સથી અહીં કેમ આવ્યો? તારું અહીં આવવું મને જરાય ગમ્યું નથી’ ઈજાથી લોહીલુહાણ શિવજી બેહોશ થઈને ઢળી પડ્યો હતો. નિમેષ અને સુરેશ બેઉ ત્યાંથી નાસી ગયા હતા.
શિવજી હોશમાં આવ્યો ત્યારે માંડવીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેને માથામાં હેમરેજ, કાન અને જડબાં પર ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે.
માંડવીથી તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘાયલ શિવજીનો ફોન અને ઘડિયાળ સ્થળ પર પડી ગયાં હતા. બનાવ અંગે માંડવી પોલીસે નિમેષ ભુડીયા અને સુરેશ હિરાણી સામે કાવતરું રચીને હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી બેઉની ધરપકડ કરી છે.
લગ્નેતર સંબંધો કારણભૂત હોવાની આશંકા
ગુનાની તપાસ કરી રહેલા માંડવી પીએસઆઈ બી.પી. ખરાડીએ જણાવ્યું કે બેઉ આરોપીને આવતીકાલે રીમાન્ડ પર લેવા માટે કૉર્ટમાં રજૂ કરાશે. ઘાયલ શિવજીએ ૨૦૧૭માં હેતલ નામની યુવતી સાથે બીજા લગ્ન કરેલાં. હેતલ તેની સાથે આગલા પતિથી જન્મેલાં ૧૩ વર્ષના પુત્રને આંગળિયાત તરીકે સાથે લઈને આવેલી. ત્યારબાદ શિવજી અને હેતલને ત્યાં અન્ય એક પુત્ર જન્મેલો. હેતલ અગાઉ પતિ જોડે સેશલ્સ રહેતી હતી અને છેલ્લાં એક વર્ષથી માંડવી રહેવા આવેલી. શિવજી તેના પર થયેલા હુમલાના કારણો અંગે અજ્ઞાત છે. લગ્નેતર સંબંધોના લીધે બનાવ બન્યો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
Share it on
|