કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ લાકડીયા પોલીસે પાંચ લાખની વીજ વાયર ચોરી અને નુકસાનીના ગુનામાં ઝડપેલી ત્રિપુટીનો લીડર ભુજના નાના વરનોરા ગામે રહેતો ક્રિકેટ કોમેન્ટેટર નીકળ્યો છે! પોલીસે ઝડપેલો ૨૭ વર્ષિય અબ્દુલ મજીદ ઊર્ફે મજીયો ઉમર મેર ભુજ અને આસપાસના ગામોમાં સ્થાનિક સ્તરે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટરી આપે છે. મજીદે તેની કોમેન્ટરી અંગેના વિવિધ વીડિયો એમ.એમ. મેર નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા છે.
લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજાએ જણાવ્યું કે ગત ૨૯-૦૬-૨૦૨૫ના રોજ મજીદ અને તેના બે સાગરીત અબ્બાસ ઊર્ફે અભાસ કાસમ મેર (રહે. ભીડ નાકા, ભુજ) તથા સલીમ મામદ મોખા (રહે. નાના વરનોરા, ભુજ)એ શિવલખા ગામના સીમાડેથી પસાર થતી ૭૬૫ કેવીની હેવી એલ્યુમિનિયમ વીજલાઈનનું કટિંગ કરી, ૧૬ ઈન્સ્યુલેટરને ડેમેજ કરી કેબલ ચોરી કરી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
જે-તે સમયે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયેલો, તપાસમાં આ ત્રિપુટીની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી છે. ચોરીનો માલ અંજારના શેખ ટીંબોના અસલમ મામદશા શેખે ખરીદયો હતો.
લાકડીયા પોલીસે ૨ લાખની કિંમતનો ૧ હજાર મીટર વાયર અને ગુના કામે વપરાયેલી બોલેરો કાર વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે. ૨૯ ઑગસ્ટના રોજ ભુજ તાલુકાના ખેંગારપર ગામની સીમમાં વીજ કંપનીના ૨.૨૫ લાખની કિંમતના ૧૫૦૦ મીટર કેબલની ચોરીના ગુનામાં પણ અબ્દુલ મજીદ સંડોવાયો હોવાનું તેની ક્રાઈમ હિસ્ટ્રી પરથી સ્પષ્ટ થયું છે.
Share it on
|