|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઉત્તરાયણના આગલા દિવસે ભુજમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમોને દોડાવી દોડાવી હંફાવી, પોલીસ અને જનતાના વાહનોને ટક્કર મારીને નાસી ગયેલાં આરોપીએ આગોતરા જામીન માટે કરેલી અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ભુજની રામનગરીમાં રહેતો ઈમ્તિયાઝ અબ્દુલ જુણેજા વરનોરા બાજુથી સ્વિફ્ટ કારમાં ગૌમાંસ લઈને ભુજ તરફ આવતો હોવાની બાતમીના આધારે એલસીબીની ત્રણ ટીમે આત્મારામ સર્કલ પાસે વૉચ ગોઠવેલી. પોલીસની હાજરી પારખી ગયેલા ઈમ્તિયાઝે ધરપકડથી બચવા કારને ભુજ શહેરમાં પૂરઝડપે ભયજનક રીતે હંકારી હતી.
દિલધડક કાર ચેઝ દરમિયાન તેણે બે પોલીસ કર્મચારીઓની કારને ટક્કર મારેલી અને હોસ્પિટલ રોડ પર પાર્ક અન્ય એક કારને પણ ટક્કર મારી ભારે નુકસાન પહોંચાડેલું.
પોલીસને હંફાવીને ઈમ્તિયાઝ ભાગી ગયો હતો. બનાવ અંગે એલસીબીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ઈમ્તિયાઝ અને કારમાં સવાર તેના સાગરીતો સામે બીએનએસ અને મોટર વેહિકલ એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં ઈમ્તિયાઝે સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલી.
પોલીસે લગાડેલી કલમો પાંચ વર્ષની સજાને પાત્ર હોવાનું જણાવી તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છોડી દેવાનો નિર્દેશ આપવા સહિતના મુદ્દે વકીલે આગોતરા મંજૂર કરવા દલીલો કરેલી.
સામા પક્ષે સરકાર તરફે એડવોકેટ દિનેશભાઈ ઠક્કરે પણ આગોતરા નામંજૂર કરવા દલીલો કરેલી.
સેશન્સ જજે આ બાબતો નોંધીને અરજી ફગાવી
સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ અરજી ફગાવી દેતાં જણાવ્યું કે આરોપીનું એફઆઈઆરમાં નામ છે અને તેની સામે પ્રથમદર્શનીય કેસ છે. તપાસ પ્રાથમિક તબક્કે છે. તે જે રીતે વાહનોને ટક્કર મારીને નાસેલો તે જોતાં ટ્રાયલ સમયે હાજર રહેશે કે કેમ તેની શંકા છે. ગુનાનો પ્રકાર, ગંભીરતા અને આરોપીની ભૂમિકા જોતાં આગોતરા જામીન આપવા ઉચિત જણાતું નથી.
Share it on
|