click here to go to advertiser's link
Visitors :  
23-May-2026, Saturday
Home -> Gandhidham -> Seniors Duped in Adipur Under the Pretext of a Free Trip to Haridwar
Friday, 22-May-2026 - Aadipur 395 views
હરિદ્વારની મફત યાત્રા સાથે ભાગવતનો લ્હાવો લેવાના બહાને આદિપુરમાં વડીલો સાથે ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ હરિદ્વારમાં આયોજીત ભાગવત સપ્તાહનો લ્હાવો લેવા અને વડીલોને કથાશ્રવણ પેટે દરરોજ કવરમાં ૭૦૧ રૂપિયા મળવાની લાલચ આપીને ઠગ ટોળકી ગાંધીધામ આદિપુરના બસ્સો જેટલા વડીલોના પાંચ પાંચ હજાર રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગઈ છે. ગત સાત-આઠ મેના રોજ પાલનપુરમાં આ જ મોડસ ઓપરેન્ડીથી વૃધ્ધો સાથે ઠગાઈ કરનાર ટોળકીએ ગાંધીધામમાં ભાડાની ઑફિસ રાખીને અહીં પણ અંદાજે દસેક લાખની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
છાપાની અંદર પેમ્ફ્લેટ નાખી ઠગાઈની જાળ પાથરેલી

ગાંધીધામના ગુરુકુળમાં રહેતા ૭૬ વર્ષિય કાન્તિભાઈ દેવજીભાઈ ચૌહાણે પોલીસને જણાવ્યું કે ઘરે આવતા છાપામાંથી એક પેમ્ફ્લેટ નીકળેલું. જેમાં ‘ચાલો હરિદ્વાર, ફ્રી સેવા’ના મથાળા નીચે એવી વિગતો લખેલી કે હરિદ્વારમાં ૨૪ મેથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થવાનો છે. ૩૦મી સુધી ચાલનારી આ કથામાં આવનાર લોકોને લાવવા-લઈ જવા તથા રહેવા જમવા સહિતની મફત સુવિધાઓ મળશે. એટલું જ નહીં, દરરોજ કથામાં હાજર રહેનાર વ્યક્તિને રોજ બંધ કવરમાં ૭૦૧ રૂપિયા લેખે સાત દિવસના કુલ ૪૯૦૭ રૂપિયા મળશે.

હરિદ્વાર જવા ઈચ્છતાં લોકોને આદિપુરના મદનસિંહ સર્કલ પાસે નગરપાલિકા કોમ્પ્લેક્સની ઑફિસે રૂબરૂ જઈ ફોર્મ ભરી, આધાર કાર્ડની ઝેરોક્સ અને ફોટો સાથે પાંચ હજાર રૂપિયા આપી બુકિંગ કરાવી દેવાની સૂચના લખેલી હતી. પેમ્ફ્લેટમાં નરેન્દ્રસિંહ રાજપૂત નામના શખ્સનું નામ અને તેના ત્રણ મોબાઈલ નંબરો લખેલા હતા.

અધિક માસમાં મફતમાં હરિદ્વારની યાત્રા સાથે કથાશ્રવણનો લાભ લેવા કાન્તિભાઈ અને તેમનો મિત્ર મણિલાલ વાઢેર બેઉ જણે બીજી મેના રોજ આપેલા સરનામે રૂબરૂ જઈને પાંચ પાંચ હજાર રૂપિયા ભરીને બુકિંગ કરાવ્યું હતું. એક વૃધ્ધ વયનો વ્યક્તિ ફોર્મ ભરી નાણાં મેળવ્યાની પહોંચ આપતો હતો અને કેતન પરમાર નામનો યુવક નાણાં લેતો હતો. કાન્તિભાઈ અને મણિલાલની જેમ અન્ય ઘણાં સ્ત્રી પુરુષો પણ ત્યાં બુકિંગ કરાવવા આવેલા હતા.

વડીલો તૈયાર થઈ પહોંચ્યા, ગઠિયાઓ થયાં છુમંતર

બુકિંગ કરાવ્યાના થોડાંક દિવસો બાદ ૮ મેના રોજ ફરિયાદીના મિત્ર મણિલાલે પાલનપુરમાં આ જ રીતે હરિદ્વારા યાત્રાના નામે દોઢસો જેટલા વડીલો સાથે છેતરપિંડી થઈ હોવાના સમાચાર છાપામાં વાંચ્યા હોવાનું જણાવતાં બેઉ જણ ઑફિસે રૂબરૂ ગયેલાં. પરંતુ, ઑફિસ બંધ જોવા મળેલી. મોબાઈલ નંબર લગાડતાં તમામ નંબરો સ્વિચ ઑફ્ફ હતા. આજે યાત્રાનું પ્રસ્થાન થવાનું હોઈ ફરિયાદી સહિતના અનેક વડીલો ઑફિસ પાસે પહોંચેલાં. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું પામી ગયેલાં ૬૦ જેટલાં વડીલો આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

અંદાજે બસ્સો લોકો જોડે દસેક લાખની ઠગાઈ

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે બસ્સો લોકોએ યાત્રા માટે બુકીંગ કરાવ્યું હોવાનો અંદાજ છે, એટલે કે આ ટોળકીએ દસેક લાખનું ફ્રોડ કર્યો હોવાનો અંદેશો છે. આ એ જ ટોળકી છે જેણે પાલનપુરમાં પણ આ જ ઢબે ચીટીંગ કરેલું અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી.

નરેન્દ્રસિંહ નામનો શખ્સ મહેસાણાના પીલવાઈ ગામનો નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે નરેન્દ્ર સાથે અજાણ્યા વૃધ્ધ અને કેતન પરમાર સામે કાવતરું રચીને ઠગાઈ કરવાનો ગુનો નોંધ્યો છે. પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ બે દિવસ અગાઉ રજા પરથી આવેલા BSF જવાનનો માથામાં ગોળી મારી આપઘાત
 
તાંત્રિક વિધિથી ડબલ રૂપિયા કરવાની લાલચમાં બુઢારમોરાના ખેડૂતે ૩૫ લાખ ખોયાં
 
બિરયાની ખાવા ગયેલી ત્રિપુટીએ દુકાનદાર પિતા ભાઈની નજર સામે પુત્રને મારી નાખ્યો