click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhachau -> Monster Husband Beats Wife to Death Over Dinner Dispute in Bhachau
Wednesday, 12-Aug-2026 - Bhachau 38557 views
પત્નીએ શાક રોટલી બનાવવાનો ઈન્કાર કરતાં રાક્ષસ પતિએ ધોકા મારી પતાવી દીધી
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પત્નીને શાક રોટલી બનાવવાનું કહેતાં પત્નીએ ઈન્કાર કરતાં રોષે ભરાયેલાં પતિએ રાક્ષસ બનીને પત્નીને ધોકાથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો નોંધી નાસવાની ફિરાકમાં રહેલા પતિને ઝડપી પાડ્યો છે. મૂળ પંચમહાલના મોરવા હડફનો રમેશ બળવંતસિંહ બારીયા બે અઢી મહિના અગાઉ ભચાઉના આમરડી ગામની સીમમાં કરસનભાઈ ગામીના ખેતરમાં એરંડા કપાસના પાકમાં ભાગિયા તરીકે જોડાયો હતો.

ખેતરમાં આવેલી ઓરડીમાં રમેશ તેની પત્ની કૈલાસ (ઉ.વ. ૩૦) તથા બે માસૂમ દીકરી અને એક દીકરા સાથે રહેતો હતો.

ત્રણ સંતાનોની નજર સમક્ષ કરી હત્યા

સોમવારની રાત્રે રમેશે તેની પત્ની કૈલાસને શાક રોટલી બનાવવાનું કહેતાં કૈલાસે રસોઈ બનાવવાનો ઈન્કાર કરેલો. જેથી ગુસ્સે ભરાઈને રમેશે તેના ત્રણે સંતાનોની નજર સમક્ષ ધોકાથી ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બે સંતાનને નજીક રહેતા અન્ય ભાગિયાના ઘેર મૂકીને નાસી ગયો હતો.

બીજા દિવસે સવારે પોલીસને જાણ થઈ

હત્યા કરીને નાસી છૂટેલાં રમેશે પરોઢે વતનમાં રહેતા પિતા બળવંતને ફોન કરીને પત્નીની હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું. પિતાએ આ અંગે પરિચિત નરપત બારીયાના ઘરે દોડી જઈને વાત કરતાં નરપત બારીયાએ રમેશના શેઠ કરસનભાઈને ફોન કરી જાણ કરેલી. જેના પગલે કરસનભાઈ તેમના પુત્ર વિજય સાથે સવારે સાત વાગ્યે ખેતરે દોડી ગયેલાં. ખેતરે જઈને જોયું તો કૈલાસની લાશ ઓરડી બહાર ખાટલાં પર પડેલી હતી. બાજુમાં ચાર વર્ષની દીકરી સૂતી હતી. બનાવના પગલે આસપાસ રહેતા અન્ય ખેત મજૂર પરિવારો પણ સ્થળ પર એકત્ર થઈ ગયેલાં.

માસૂમ દીકરીએ કહ્યું  ‘બાપાએ ધોકાથી માને મારી’

લોકોએ ચાર વર્ષની દીકરીને ઊંઘમાંથી ઉઠાડીને પૂછ્યું ત્યારે તેણે કાલી-ઘેલી બોલીમાં જણાવ્યું હતું કે મારા બાપાએ માને શાક રોટલી બનાવવા કહેલું. માએ ના પાડતાં તેને ધોકાથી મારી હતી. કૈલાસના શરીરે ઠેર ઠેર ધોકાથી ગંભીર ઈજાઓ થયેલી. બનાવ અંગે વાડી માલિકના પુત્ર વિજય કરસન ગામીએ ભચાઉ પોલીસ મથકે રમેશ બારીયા વિરુધ્ધ હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.

હત્યા બાદ નાસી છૂટેલાં રમેશ બારીયાને ઝડપી લેવા પોલીસે ચોમેર શોધખોળ હાથ ધરેલી. કચ્છ બહાર નાસી જવાની ફિરાકમાં રહેલો રમેશ ગણતરીના કલાકોમાં એસટી બસ સ્ટેશન પાસેથી ઝડપાઈ ગયો હતો.

બનાવની તપાસ પીઆઈ ડી.ડી. ઝાલાએ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’