કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઈંગ્લિશ ગુજરાતી માધ્યમની પ્રતિષ્ઠિત માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલમાં ગત રવિવારે આયોજીત ‘ફૂડ મેલા’માં માંસાહારી વાનગીઓ રજૂ થયાના મામલે હવે કોંગ્રેસ અને જાગૃત નાગરિકો મેદાનમાં આવ્યા છે.
Video :
ફૂડ મેલામાં પ્રદર્શિત થયેલી નોન વેજ વાનગીઓ મામલે હિંદુઓની લાગણી દુભાઈ હોવાનો આરોપ કરીને મંગળવારે વિશ્વ હિંદુ પરિષદ, એબીવીપી અને અન્ય હિંદુ સંગઠનોએ શાળામાં વિરોધ કરી પ્રિન્સિપાલ પાસે લેખીત માફી મગાવી હતી.
બીજી તરફ, આજે ગાંધીધામ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા સમીપ જોશી, કોંગ્રેસ કાર્યકરો અને શહેરના જાગૃત નાગરિકોએ મામલતદારને આવેદન પત્ર આપી હિંદુ સંગઠનોના કૃત્યને વખોડી કાઢી ફોજદારી પગલાં લેવા રજૂઆત કરી છે. જોશીએ આરોપ કર્યો છે કે શાળાના મહિલા પ્રિન્સિપાલ કે જે પોતે એક સાધ્વી (નન) છે તેમનું બાવડું પકડીને મોબ લિન્ચીંગ કરાયેલું અને લેખીતમાં માફી પત્ર આપવા ફરજ પડાઈ હતી.
લોકશાહી દેશ માટે કલંકરૂપ ઘટના
જોશીએ જણાવ્યું કે શાળાના પ્રાંગણમાં આ ફૂડ મેલાનું આયોજન સેન્ટ થોમસ કેથલિક ચર્ચ દ્વારા યોગ્ય પરવાનગીઓ લઈને કરવામાં આવેલું.
આ આયોજન સાથે માઉન્ટ કાર્મેલ સ્કૂલ કે શાળાના વિદ્યાર્થીઓને કશી લેવા-દેવા નહોતી.
વિદ્યાર્થીઓને ફૂડ મેલાના પાસ શાળા દ્વારા વેચાતાં આપવામાં નથી આવ્યા તેવો પ્રિન્સિપાલે જાહેર ખુલાસો કરેલો. છતાં શાળાને બદનામ કરવા માટે કેટલાંક સસ્તી પ્રસિધ્ધિભૂખ્યાં, પોતાને વિશ્વ હિન્દુ પરિષદ, એબીવીપી અને અન્ય હિન્દુ સંગઠનોના હોદ્દેદારો કાર્યકરો તરીકે ઓળખાવનારાં અસામાજિક તત્વોએ શાળામાં ગેરકાયદે ઘૂસી જઈ, દાદાગીરી ગાળાગાળી કરીને, શાળાના લઘુમતી સમાજના મહિલા સાધ્વી પ્રિન્સિપાલનો હાથ પકડી, ડરાવી ધમકાવીને જાહેરમાં અપમાનિત કરેલાં.
પ્રિન્સિપાલનું મોબ લિન્ચીંગ કરી ફરજિયાત લેખીત માફી મગાવી હડધુત કરવાની આ ઘટનાને અમો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.
આ ઘટના લોકશાહી દેશ માટે કલંકરૂપ અને શરમજનક છે.
કોણે શું ખાવું તે VHP નક્કી કરશે?
ભારતના બંધારણે સૌને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપેલો છે. કોણ શું ખાય, પીવે, પહેરે, ગમે ત્યાં રહે અને ગમે તે ધંધો કરી શકે છે. આ સૌનો બંધારણીય અધિકાર છે. કોણ શું ખાશે તે આ શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ નક્કી કરશે? શહેર અને જિલ્લાની કોમી એકતામાં પલીતો ચાંપનાર આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની ધાક બેસાડતી સુઓમોટો ફરિયાદ દાખલ કરી ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને મામલતદારને આપેલા આવેદન પત્ર મારફત રજૂઆત કરવામાં આવી છે.
માંસ નિકાસ મુદ્દે કેમ મૌન ધારણ કરી લેવાય છે?
જોશીએ આરોપ કર્યો છે કે અગાઉની સરકારો કરતાં ભાજપના શાસનમાં ભારત સૌથી વધુ માંસ નિકાસ કરતો દેશ બન્યો છે, જે નિકાસના પ્રસિદ્ધ આંકડાઓ પરથી પ્રસ્થાપિત થાય છે. ત્યારે, સરકાર સામે કહેવાતા હિન્દુ સંગઠનો કેમ મૌન ધારણ કરી લે છે?
માત્ર ને માત્ર લઘુમતી સમાજને, લઘુમતી સમાજની સંસ્થાઓને મોબ લિન્ચીંગ દ્વારા નિશાન બનાવવામાં આવે છે, જે દુઃખદ, આઘાતજનક અને લોકશાહી દેશની કોમી એકતા અને અખંડિતતાને તોડનારું છે. આવી ઘટનાને રોકવામાં નહીં આવે તો કચ્છની કોમી એકતાની વાતો ઇતિહાસ બની જશે.
આવેદન પત્ર આપવા સમયે જોશી સાથે કોંગ્રેસના નિલેશ ભાનુશાલી, અમિત ચાવડા, ઈસ્માઈલ માંજોઠી, બળદેવસિંહ ઝાલા, અમૃતા દાસગુપ્તા, ગજરાબેન, મનીષ ભાટિયા પરબત ખટાણા તેમજ શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.